એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મથુરાની જિલ્લા અદાલતે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદમાં સર્વેનો આદેશ આપતાં આપણે ત્યાં વધુ એક વિવાદનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આ પહેલાં વારાણસીની જ્ઞાનવાપી પરિસરમાં આવેલી મસ્જિદનો સર્વે કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો ને એ જ રીતે હવે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદમાં સર્વેનો આદેશ અપાયો છે. જિલ્લા સિનિયર ડિવિઝન કોર્ટના આદેશ પ્રમાણે, સર્વે ૨ જાન્યુઆરીથી શરૂ થશે અને તેનો રિપોર્ટ ૨૦ જાન્યુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેના આધારે કોર્ટ હવે પછી શું કરવું એ નક્કી કરશે.
હિંદુ સેના નામના સંગઠને દાવો કરેલો કે, શાહી ઈદગાહમાં સ્વસ્તિકનું પ્રતીક છે. આ ઉપરાંત મંદિર હોવાના પુરાવાનાં બીજાં પ્રતિકની સાથે મસ્જિદની નીચે મંદિરનું ગર્ભગૃહ પણ આવેલું છે. શાહી ઈદગાહમાં હિંદુ સ્થાપત્ય કલાના પુરાવા છે અન તેના માટે વૈજ્ઞાનિક સર્વે કરાવવો જરૂરી છે. મથુરા જિલ્લા કોર્ટમાં એક વર્ષ પહેલાં કરાયેલી અરજીમાં એવો દાવો પણ કરાયેલો કે, ઔરંગઝેબે શ્રીકૃષ્ણના જન્મસ્થળની ૧૩.૩૭ એકર જમીન પર બનેલું મંદિર તોડીને ઈદગાહ મસ્જિદ બનાવી હતી.
ઔરંગઝેબે ૧૬૬૯-૭૦માં શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર બનેલા પ્રાચીન કેશવનાથ મંદિરનો નાશ કરીને શાહી ઈદગાહ મસ્જિદ બનાવી હતી એવું ઘણા ઈતિહાસકારો સ્વીકારી ચૂક્યા છે. આ સંગઠને ભગવાન કૃષ્ણના જન્મથી લઈને મંદિરના નિર્માણ સુધીનો ઈતિહાસ રજૂ કરીને શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ વચ્ચે ૧૯૬૮માં થયેલા કરારને ગેરકાયદેસર ગણાવીને નાબૂદ કરવાની પણ માગ કરી છે.
શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ સમિતિ વચ્ચે ૧૯૬૮માં થયેલા કરારમાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા ટ્રસ્ટને ૧૩.૩૭ એકર જમીનની માલિકી મળી અને ઈદગાહ મસ્જિદનું સંચાલન ઈદગાહ સમિતિને આપવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અંગે લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત લાવવા આ સમાધાન કરાયું હતું.
શ્રીકૃષ્ણ જન્મભૂમિનો વિવાદ અંગ્રેજોના વખતમાં વકર્યો હતો. શાહી ઈદગાહ મસ્જિદ શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસરને અડીને જ બનાવેલી છે. હિંદુઓ આ મંદિરને ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ માનતા હોવાથી તેના પર દાવો કરેલો. એ વખતે ૧૩.૩૭ એકર જમીન પર દાવો કરાયેલો. ૧૯૩૫માં અલાહાબાદ હાઇ કોર્ટે ૧૩.૩૭ એકરની વિવાદાસ્પદ જમીન બનારસના રાજા કૃષ્ણ દાસને આપી દીધી હતી.
બનારસના રાજપરિવારે ૧૯૫૧માં આ જમીન શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને આપી દીધી હતી. ૧૯૫૮માં ટ્રસ્ટની શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ તરીકે નોંધણી કરાઈ અને ૧૯૭૭માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાના નામે ફરી નોંધણી કરાઈ. આ વિવાદ વકરે નહી એટલે ૧૯૬૮માં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સમાધાન થયું હતું પણ હિંદુ સેનાને આ સમાધાન જ મંજૂર નથી. તેણે ઈદગાહ મસ્જિદનો સર્વે અને વીડિયોગ્રાફી કરાવવાની માગ કરીને આ સ્થળે મંદિર હતું જ એવું સાબિત કરવા અરજી કરી તેમાં કરાર રદ કરવાનો મુદ્દો પણ ઉમેરી દીધેલો. કોર્ટે અત્યારે આ મુદ્દે કશું કહ્યું નથી પણ ભવિષ્યમાં આ મુદ્દો વધારે ચગશે તો આ કરારની કોઈ કિંમત રહેવાની નથી. હિંદુવાદી સંગઠનોએ આ મુદ્દે અપનાવેલું આક્રમક વલણ જોતાં આ મુદ્દો ચગવાનો જ છે તેમાં શંકા નથી.
મથુરાની કોર્ટે આપેલા ચુકાદાને પગલે હિંદુવાદી સંગઠનો ગેલમાં છે. તેમણે હિંદુ આસ્થાના વિજયની વાતો શરૂ કરી દીધી છે પણ આ ચુકાદો પ્રાથમિક કહેવાય એવો છે. હજુ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડાઈના વિકલ્પ ખુલ્લા છે. ૧૯૯૧માં કેન્દ્રની નરસિંહરાવ સરકારે દેશનાં તમામ ધાર્મિક સ્થળોને લગતા વિવાદોમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, ૧૯૯૧ બનાવ્યો હતો. આ કાયદા પ્રમાણે દેશ આઝાદ થયો ત્યારે એટલે કે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સિવાયનાં તમામ ધર્મસ્થાનો જે સ્થિતીમાં હતાં તે જ સ્થિતીમાં રાખવા પડશે. તેના કારણે કાયદો મુસ્લિમ પક્ષકારોની તરફેણમાં છે તેથી મુસ્લિમ પક્ષકારો આ ચુકાદાને વિકલ્પ અજમાવશે જ એ જોતાં કાનૂની લડાઈ લાંબી ચાલશે તેમાં શંકા નથી.
મથુરાના વિવાદમાં કોર્ટે પહેલાં કહ્યું છે કે, વર્શિપ એક્ટ મથુરાના કેસમાં લાગુ ના પડે કેમ કે આ કાયદો બન્યો તેના બહુ પહેલાં આ વિવાદ શરૂ થઈ ગયો હતો. કાનૂની નિષ્ણાતો આ વાતથી હેરતમાં પડી ગયાં હતા કેમ કે અયોધ્યાના રામ જન્મભૂમિ સંકુલ સિવાયનાં તમામ ધર્મસ્થાનોને આ કાયદા હેઠળ રક્ષણ અપાયું છે. તેમના મતે, કાયદો ક્યારે બન્યો એ મહત્ત્વનું નથી પણ તેમાં ક્યારથી તેનો અમલ શરૂ કરવાની જોગવાઈ છે એ મહત્ત્વનું છે.
પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, ૧૯૯૧માં ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો ત્યારે દરેક ધર્મસ્થળ જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં રાખવાની સ્પષ્ટ જોગવાઈ છે. આ જોગવાઈ તમામ ધર્મસ્થાનોને લાગુ પડે છે ત્યારે ક્યો વિવાદ ક્યારે ઉભો થયો એ મહત્ત્વનું નથી. તેમના મતે મથુરાની અદાલતે જુદી રીતે કાયદાનું અર્થઘટન કર્યું છે પણ હાઈ કોર્ટે કે સુપ્રીમ કોર્ટ એવું ના કરી શકે. હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ પહેલાં પણ આ વાત કરી ચૂકી છે તેથી લાંબી કાનૂની લડત ચાલવાની છે એ નક્કી છે.
કાનૂની લડત લાંબી ચાલે એટલે આ વિવાદ પણ લાંબો ચાલશે એ નક્કી છે. એક રીતે મથુરા કોર્ટે મસ્જિદનો સર્વે કરાવવાનું ફરમાન કરીને વરસો સુધી ચાલનારા નવા વિવાદનો રસ્તો સાફ કરી દીધો છે. અયોધ્યા વિવાદ સમાપ્ત થત નવરાં થઈ ગયેલાં હિંદુવાદી સંગઠનોને નવો મુદ્દો આપી દીધો છે.
આ પ્રકારના વિવાદ દેશના હિતમાં નથી પણ કમનસીબે કોઈ આ વાત સમજવા તૈયાર નથી. હિંદુઓને અત્યારે શૂરાતન ઉપડ્યું છે ને ભૂતકાળમાં આપણા વડવા સાચવી ન શક્યા એ ધર્મસ્થાનો પાછાં જોઈએ છે. મુસ્લિમો પણ જીદે ચડેલા છે તેથી જેનો ઉપયોગ કરતા નથી એવાં ધર્મસ્થાનો પણ છોડવા તૈયાર નથી. તેના કારણે સ્થિતી બગડશે, દેશમાં વણજોઈતો તણાવ પેદા થશે.
હિંદુ અને મુસ્લિમ બંને પક્ષ થોડું જતું કરે તો આ તણાવ પેદા ના થાય. હિંદુઓ મુસ્લિમોનાં તમામ ધર્મસ્થાનો પરનો દાવો છોડી દે ને મુસ્લિમો દસેક મોટાં સ્થાન હિંદુઓને સોંપવાની તૈયારી બતાવે તો આ વિવાદો પર કાયમ માટે પડદો પડી જાય.