સંજય રાઉતની અટક

દેશ વિદેશ

ઈડીના ભાંડુપ અને દાદરમાં દરોડા

અટકાયત: શિવસેનાના સાંસદ સંજય રાઉતના ભાંડુપના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ દરોડા પાડ્યા ત્યારે દેખાવ કરનારા ટેકેદારોની ધરપકડ કરાઇ હતી. (અમય ખરાડે)

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ટીમે પત્રાચાલ પુનર્વિકાસ પ્રકરણના સંદર્ભે રવિવારે સવારે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા અને અંદાજે સાડાનવ કલાકની તપાસ બાદ તેમની અટક કરી હતી. તેમના ઘરેથી લાખો રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.
ભાડુંપ ખાતેના સાંસદ સંજય રાઉતના ‘મૈત્રી’ નામના નિવાસસ્થાને સવારે સાત વાગ્યે ઇડીના આઠથી દસ અધિકારી પહોંચ્યા હતા અને રાઉત દંપતીની પૂછપરછ શરૂ કરી હતી. રાઉત પર પત્રાચાલ પુનર્વિકાસ પ્રકરણમાંના કૌભાંડમાં ગેરરીતિ આચર્યાનો અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની એક ટીમ રાઉતના ભાંડુપસ્થિત ઘરે કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ)ની ટુકડી સાથે પહોંચતા જ સમર્થકોનો જમાવડો થઈ ગયો હતો.
દાદરના ગાર્ડન કોર્ટ ઇમારતમાં આવેલા ફ્લેટ ખાતે પણ ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
ઇડીના અધિકારીઓએ સાંસદ સંજય રાઉતને તાબામાં લેવાની કામગીરી ત્રણ – સાડાત્રણ વાગ્યાની આસપાસ હાથ ધરી હતી અને અંદાજે ૩.૫૦ વાગ્યે તેને તાબામાં લીધા હતા અને ત્યાંથી બેલાર્ડ પિઅર ખાતેના ઇડીના કાર્યાલયમાં લઇ જવા રવાના થયા હતા.
સાંસદ સંજય રાઉતના સમર્થકોએ તપાસ એજન્સી અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ સંજય રાઉતે પણ પ્રતિક્રિયા આપતા પોતાના અનેક ટ્વીટમાં લખ્યું હતું કે હું શિવસેના નહીં છોડું. મહારાષ્ટ્ર અને શિવસેના માટેની અમારી લડાઈ ચાલુ રહેશે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રના અંદાજે રૂપિયા ૧,૦૦૦ કરોડથી વધુના પત્રાચાલ જમીન કૌભાંડ કેસમાં ઈડીની ટીમ સંજય રાઉત પહેલાથી જ પૂછપરછ કરી રહી છે. ઈડી દ્વારા તેમને ૨૭ જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, તે અધિકારીઓ સમક્ષ હાજર થયા નહોતા. આ પછી હવે ઈડીના અધિકારીઓ તેના ઘરે પહોંચી ગયા હતા.
ઈડીની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી ત્યારે ભાજપ નેતા રામ કદમે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રાઉત નેતા છે, તેથી તેની તપાસ નહીં થાય, એવું ન થઈ શકે. તેઓ અખબાર સામના ચલાવે છે પરંતુ તપાસનો સામનો કરી શકતા નથી. દેશમાં જે પણ લોકોએ ખોટું કર્યું છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.