ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલની હત્યાની ટીકા કરનાર સુરતના યુવાનને પણ ધમકી, પોલીસે આપી સુરક્ષા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કનૈયાલાલની ઘાતકી હત્યાને સમગ્ર દેશમાં વખોડવામાં આવી રહી છે, ત્યારે આ આતંકવાદી કૃત્યને સોશિયલ મીડિયા પર સખત શબ્દોમાં વખોડનાર સુરત શહેરના એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. જેને લઈને યુવકના પરિવારમાં ફફડાટ ફેલાયો છે. કનૈયાલાલની માફક જ તેની હત્યા કરવામાં આવશે એવી ધમકી મળતા યુવકે પોલીસ કમિશનરને અરજી કરી હતી. હાલ પોલીસે યુવકને સુરક્ષા પૂરી પાડી છે અને ધમકી આપનારની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર ઉદયપુરમાં થયેલી દરજીના હત્યાને વખોડી હતી અને સાથે મુસ્લિમ સમાજ પર પણ ટીપ્પણી કરી હતી. જેને પગલે તેની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક ફૈઝલ નામના યુઝરે ધમકી આપતી કમેન્ટ કરી હતી. ધમકી આપનારે લખ્યું હતું કે ગુસ્તાક-એ-રસુલ કી એક હી સજા, સર તન સે જુદા. ધમકીને પગલે યુવરાજનાં પરિવારજનોમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે.


યુવરાજ પોખરણાનું કહેવુ છે કે, મારા પૂર્વજ ઉદયપુરના રહેવાસી છે અને તેથી દરજીની હત્યાથી વ્યથિત થઇ મેં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક કમેન્ટ કરી હતી. જેના બાદ મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. મને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. તેથી મેં સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને એફઆઈઆર નોંધાવી છે.
ઉદયપુર હત્યાકાંડને પગલે રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે હવે સુરતના યુવકને પણ જાનથી મારવાની ધમકી મળતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.