કોઈપણ માતા-પિતા પોતાની ભણેલીગણેલી દિકરીને શિક્ષિત અને સુખી પરિવારમાં પરણાવવા માગતા હોય. યુવતીના લગ્ન પણ જો કોઈ સાધનસંપન્ન ઘરમાં થાય તો તે પણ સારા ભવિષ્યના સપનાઓમાં રાચવા માંડે. માત્ર પૈસા નહીં ,પરંતુ શિક્ષણ અને સમાજમાં પ્રતિષ્ઠા જોય બાદ પણ જો દિકરીનું જીવન દોજખ બની જતું હોય તો માતા-પિતા શું કરે………આવી જ ઘટના સુરતમાં બની છે. અહીંના પરિવારની પુત્રવધુ મોનિકાનું મૃત્યુ આત્મહત્યા તરીકે બતાવવામાં આવે છે, પરંતુ તેના માતા-પિતા સહિતના પરિવારના જણાવ્યા અનુસાર તેની હત્યા થઈ છે.
સુરતના ઉત્રાણમાં ઈઝરાયલથી આવેલી મોનિકાના આપઘાત મામલે ઉત્રાણ પોલીસે પતિ સહિત 7 જણા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનામાં મૃતકના પરિવારનો આક્ષેપ છે કે તેમની દિકરીને સાસરિયા પક્ષે કંઈક ઝેરીપીણું પીવડાવી દીધું હતું અને તેની હોસ્પિટલમાં સારવાર પણ યોગ્ય રીતે ન થાય તેવી તકેદારી રાખી હતી. મોનિકા પતિ સાથે ઈઝરાયલ રહેતી હતી અને થોડા સમય પહેલા સુરત આવી હતી. પતિ પરેશાન કરતો હોવાનું અને છૂટાછેડા માટે દબાણ કરતો હોવાનું મોનિકાએ પિતાને જણાવ્યું હતું.
દરમિયાન તેને શુક્રવારે ઝેરી વસ્તુ પીધેલી હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લાવવામા આવી હતી અને થોડા સમયમાં તે મૃત જાહેર થઈ હતી. મોનિકાના નણંદ મામલતદાર છે, નણદોયા ડોક્ટર છે, તે અને બીજા નણંદ- પણ ફરાર છે. પોલીસે મોનિકાના સાસુ-સસરા અને એક નણદોઈની ધરપકડ કરી છે. તેનો પતિ હજુ ઈઝરાયલમાં જ હોઇ તેને લાવવાની તજવીજ પણ હાથ ધરી છે.
લગ્નજીવનમાં સમસ્યા આવે તો તેના કાયદાકીય ઉપાયો છે, પરંતુ કોઈ પરિવાર પોતાની પુત્રવધુને આ હદે રંજાડે કે મરવા તૈયાર થાય અથવા તો તેને મારી જ નાખવામાં આવે ત્યારે શિક્ષણ, સભ્યતા, આધુનિકતા આ બધા પરથી વિશ્વાસ ઊઠી જાય છે.
આટલા શિક્ષિત પરિવારની પુત્રવધુની આવી હાલત ? મોનિકાની આત્મહત્યા કે હત્યા?
RELATED ARTICLES