ગુજરાતનું આર્થિક પાટનગર સુરત પણ મુંબઈની જેમ જ વિકસિત થઈ રહ્યું છે. આવો જ એક સી-ફેસ પ્લાન સુરત મહાનગરપાલિકાએ બનાવ્યો છે. સુરતના લોકો અને સુરત ફરવા આવતા લોકો ડુમસના દરિયા કિનારે અચૂક જતા હોય છે ત્યારે આ વિસ્તારને વિકસાવવાની તૈયારીઓ થઈ રહી છે. જોકે મુંબઈ ખાતે દરિયાની આસપાસ પણ માનવવસતિ હોય, અન્ય કોઈ આકર્ષણો ઊભા થઈ શકે તેમ નથી, પરંતુ તેમ છતાં નરિમન પોઈન્ટ કે જૂહુનો દરિયો કે પછી ગોરાઈ બિચ લોકોમાં ભારે પ્રિય છે.
ડુમસ સી ફેઝ હવે સાકાર થવા જઈ રહ્યો છે. પાલિકા અને ફોરેસ્ટ વિભાગ મળીને કુલ 207 કરોડના ખર્ચે ડુમસ ડેવલપ કરશે. જેમાં આઉટડોર સ્પોર્ટ્સ, ઇનડોર સ્પોર્ટ્સ, બેન્કવેટ ઇનડોર એક્ઝિબિશન સ્પેસ, કોમર્શિયલ એન્ડ રીટેલ ફેસિલિટીઝ, કમ્પાઇવલ પેવેલિયન, પેડેસ્ટ્રીયન એન્ડ બાઇક ઓરિએન્ટેડ પબ્લિક એરિયા, મલ્ટિપર્પઝ ગાર્ડન, કિડ્ઝ પ્લે એરિયા વગેરે જેવી સુવિધાઓ રહેશે, તેમ પાલિકાના સૂત્રો દ્વારા માહિતી મળી હતી.
આ સાથે 6 લાખ વૃક્ષોથી અર્બન ફોરેસ્ટ બનશે. અલથાણ પાસે પાલિકા એશિયાનું સૌથી મોટું બાયોડાયવર્સિટી પાર્ક બનાવી રહી છે. 87 હેક્ટર જમીનમાં 6 લાખ વૃક્ષો રોપવામાં આવશે. આ પાર્કમાં 13 કિમીનો વોકિંગ ટ્રેક તથા 9 કિમીનો સાયકલ ટ્રેક લોકોને મળશે. શહેરમાં રહેતા લોકોને આ પાર્ક એક અર્બન ફોરેસ્ટ જેવો અનુભવ કરાવશે. શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ આ પાર્કના કારણે ઓછું થશે, તેવો દાવો પાલિકા કરી રહી છે. અંદાજે 139 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થશે.
ત્યારે હવે ડાયમન્ડ સિટી કે ટેક્સટાઈલ્સ સિટીમાં એક નવું આકર્ષણ ઊભું થશે.