સુરતમાં વિકાસ ઉઘાડો પડ્યો: 3 કરોડના ખર્ચે તૈયાર થયેલ સાઈકલ ટ્રેક 4 મહિનામાં ગાયબ થવા લાગ્યો

આપણું ગુજરાત

Surat: સુરત શહેરમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ બનવવામાં આવેલા સાઇકલ ટ્રેક(cycle track) બનાવવામાં ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર મહિના પહેલા સાઇકલ ટ્રેકનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ચાર મહિનામાં જ સાયકલ ટ્રેકનો રંગ ઉખાવા લાગ્યો છે. ઘણા વિસ્તારમાં જાણે સાયકલ ટ્રેક ગાયબ જ થઇ ગયો હોવું જણાય છે. આમ છતાં કોર્પોરેશન શહેરમાં વધુ સાઇકલ ટ્રેક બનવવાની મંજૂરી આપી રહ્યું છે.
ચાર મહિના પહેલા એપ્રિલમાં સુરત શહેર ખાતે નેશનલ સ્માર્ટ સિટી સમિટ યોજાઇ હતી જેમાં દેશભરના વિવિધ શહેરોના ડેલીગેટસ સુરત આવ્યા હતા, ત્યારે દેખાડો કરવા રાતોરાત શહેરમાં સાઇકલ ટ્રેકનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. માત્ર ચાર મહિનામાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં સાઇકલ ટ્રેકનો રંગ ગાયબ થઇ જતા ટ્રેક હતો ન હતો થઇ ગયો છે. જેણે કારણે જનતાના ૩ કરોડ રૂપિયાનો વ્યય થવા પામ્યો છે.

કોઈ કોઈ જગ્યા સાઈકલ ટ્રેક શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે. સાઈકલ ચલાવવાને બદલે લોકો પોતાના વાહનો ટ્રેક પર પાર્ક કરે છે. જેને કારણે સાઈકલ ચલાવનારને તકલીફનો સામનો કરવો પડે છે.

સાઈકલ ટ્રેક પર પાર્ક કરેલા વાહનો

આ મુદ્દે ના શાસકપક્ષ કશું બોલી રહ્યો છે ન તો વિપક્ષ. ઉપરથી કોર્પોરેશન વધુને વધુ સાયકલ ટ્રેક બનાવવા મંજુરી આપી રહ્યું છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઉધના ઝોન-બી કનકપુરના વિવિધ વિસ્તારમાં ડામર તથા સીસી રોડ પર સાઇકલ ટ્રેક બનાવવાના રૂા.42.85 લાખના કામને મંજૂરી અપાઇ હતી. સુરત મહાનગર પાલિકાએ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 75 કિલોમીટરથી વધુનો સાઇકલ ટ્રેક તૈયાર કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.