સુરતમાં મેઘ મહેર: વરાછા-લિંબાયતમાં ૨ કલાકમાં ૧ ઈંચ વરસાદ, ઉકાઈ ડેમની સપાટીમાં વધારો

આપણું ગુજરાત

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે. આજે વહેલી સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ માત્રામાં વરસાદ પડ્યો છે. સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે કલાકમાં ૧ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતા. વરસાદને પગલે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વહેલી સવારથી જ સુરતના પાલ, અડાજણ, વરાછા, રાંદેર, અઠવાગેટ, ઉધના, લિંબાયત, વેસુ, રીંગરોડ વિસ્તારમાં વરસાદ શરુ થઇ ગયો હતો જેને કારણે કામકાજ માટે નીકળતા લોકોને છત્રી અને રેઇનકોટની મદદ લેવી પડી હતી. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો પડ્યો હતો. તો બીજી તરફ ગરમી અને બફારાથી કંટાળેલા બાળકો અને યુવાનો વરસાદમાં ભીંજાવા નીકળી પડ્યા હતા.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી ધીમેધીમે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમમાંથી ૭ હજારથી વધુ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૧૬.૦૨ ફૂટ પર પહોંચી ગઈ છે.
સુરતમાં આવેલા રાંદેર અને કતારગામને જોડતા કોઝવેની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ કોઝવેની સપાટી ૫.૧૫ મીટર પર પહોંચી છે. કોઝવેની સપાટી ૬ મીટરે પહોંચતા ઓવરફ્લો થશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.