સુરત રંગાયું તિરંગાના રંગે: દસ કરોડ તિરંગા અહીં બનશે

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત ઉત્સવ નિમિત્તે હર ઘર તિરંગા પ્રોગ્રામની જાહેરાત કરી છે અને લોકોને ઘરે ઘરે તિરંગા લહેરાવાની અપીલ કરી છે. ત્યારે આખા દેશને તિરંગા પહોંચાડવાની જવાબદારી ગુજરાતના સુરત શહેરે લીધી છે. અહીંથી લગભગ ૧૦ કરોડ તિરંગા તૈયાર થઈ દેશભરમાં જશે અને આ સાથે તિરંગા તૈયાર કરવાની સામગ્રી પણ મોટા પ્રમાણમાં અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે. જોકે, આ તિરંગા પોલિસ્ટરમાં બનવાના છે. અગાઉ તિરંગા માત્ર કોટન અને ખાદીના કાપડમાં જ બનતા હતા, પરંતુ કેન્દ્ર સરકારે કાયદામાં કરેલા ફરેફાર બાદ પોલિસ્ટરમાં પણ બનાવી શકાશે.
આ અંગે મુંબઈ સમાચાર સાથે વાત કરતા ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ લલિત શર્માએ જણાવ્યું હતું કે લગભગ આખો સુરત કાપડ ઉદ્યોગ હાલમાં તિરંગા બનાવવામાં મશગુલ છે. તેમના જણાવ્યા અનુસાર અહીંથી દસેક કરોડથી વધારે તિરંગા દેશભરમાં જશે. ૨૦ બાય ૩૦ની સાઈઝના તિરંગા બની રહ્યા છે. સુરતની ૪૫૦ જેટલી મિલમાંથી મોટા ભાગની મિલો હાલમાં આ કામ સાથે જોડાયેલી છે.
સુરતના અન્ય એક ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારી સંજય સરાવગીએ જણાવ્યું હતું કે માત્ર મારી મિલમાંથી જ અમે કરોડ કરતાં વધારે તિરંગા બનાવી અન્ય રાજ્યોમાં વિવિધ પરિવહન માર્ગો દ્વારા મોકલી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ખાદી કે કોટનના ઝંડા આટલા ઓછા સમયમાં બનાવવાનું શક્ય નથી. વિવિંગથી માંડી પ્રોસેસિંગ, પ્રિન્ટિંગ, સ્ટીચિંગ, પેકેજિંગ વગેરે ઘણા કામ કરવાના છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે સ્ટિચિંગના કામને કારણે મહિલાઓને મોટા પ્રમાણમાં કામ મળ્યું છે. કામ કરતા સમયે કોઈએ નફા-નુકસાનની ભાવના નથી રાખી, પરંતુ દેશપ્રેમની ભાવનાથી બનાવ્યા છે. અહીં કામ કરતી મહિલાઓ ચપ્પલ પણ બહાર ઉતારવાનો આગ્રહ રાખે છે.
સુરત દેશનું સિન્થેટિક કાપડનું હબ છે અને દેશના ૮૫ ટકા જેટલા સિન્થેટિક કાપડ અહીં બને છે ત્યારે હાલમાં તો દેશને તિરંગો પહોંચાડવાનું કામ પણ ડાયમન્ડ સિટિ કરી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.