પહેલેથી મોંઘવારી, બેરોજગારી અને કોરોનાકાળ પછીના પડકારો સામે ઝઝૂમતા શહેરવાસીઓ પર ગુજરાતની મોટા ભાગની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓએ કરવેરાનો બોજ વધાર્યો હતો. સુરત મહાનગરપાલિકાએ પણ રૂ. ૩૦૦ કરોડનો બોજ સુરતવાસીઓ પર નાખ્યો છે, પણ જનતાની પડી છે કોને?
સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ બાદ આજે સામાન્ય સભાનો પહેલો દિવસ હતો. આ સામાન્ય સભામાં મેયર સહિતના પદાધિકારીઓ કોર્પોરેટરો પહોંચે એ પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સામાન્ય સભા શરૂ થાય એ પહેલાં મેયર દ્વારા તમામ કોર્પોરેટરોનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની માફક સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શહેરભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર આવી હલવા સેરેમની ગોઠવતી હોય છે.
જોકે આ સેરેમનીમાં કમિશનરની ગેરહાજરીએ મેયર સાથેના તેમના વણસેલા સંબંધોની ફરી ચર્ચા જગાવી હતી. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ખટરાગ ઊભો થયો હોય એવી ચર્ચા ચાલી રહી છે. એવી પણ ફરિયાદો થઈ હતી કે મેયરને કમિશનર જરા પણ ગાંઠતા નથી. મેયર દ્વારા કરવામાં આવેલાં સૂચનોને પણ કમિશનર દ્વારા ગણકારવામાં આવતાં નથી. આજે સામાન્ય સભા પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પણ મ્યુનિસિપલ કમિશનર અને વિરોધપક્ષના નેતા તથા કોર્પોરેટરો હાજર રહ્યા નહોતા. હલવા સેરેમનીમાં મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી સ્પષ્ટ કરી રહી છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી.
વિરોધપક્ષના નેતાએ આ સેરેમની વખોડી હતી અને જણાવ્યું હતું કે હજારો કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 300 કરોડ કરતાં વધારાનો વેરો સુરતવાસીઓ પર નાખવામાં આવ્યો છે. પ્રજાને મુશ્કેલીમાં મૂકી સત્તાધીશો હલવો ખાય તેનો શું અર્થ.