એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોના કારણે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આપેલા એક મહત્ત્વના ચુકાદાની બહુ ચર્ચા ના થઈ. સુપ્રીમ કોર્ટે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પર ઐતિહાસિક ચુકાદો આપતાં ફરમાન કર્યું છે કે, વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને દેશના ચીફ જસ્ટિસની બનેલી ત્રણ સભ્યોની કમિટી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે. કમિટીએ મોકલેલાં નામો પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાષ્ટ્રપતિનો રહેશે.
સામાન્ય રીતે આ પ્રકારની ઉચ્ચકક્ષાની કમિટી ભલામણ કરે ત્યાર રાષ્ટ્રપતિ તેને માનતા જ હોય છે એ જોતાં વાસ્તવિક રીતે વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને દેશના ચીફ જસ્ટિસની બનેલી ત્રણ સભ્યોની કમિટી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરશે. રાષ્ટ્રપતિ તો કમિટીએ મોકલેલાં નામો પર મંજૂરીની મહોર મારવાની ઔપચારિકતા જ નિભાવશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, આ પસંદગી પ્રક્રિયા સીબીઆઈના ડાયરેક્ટરની પસદંગીમાં પણ અનુસરવી પડશે. મતલબ કે, સીબીઆઈના ડાયરેક્ટરની પસંદગી પણ વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને દેશના ચીફ જસ્ટિસની બનેલી ત્રણ સભ્યોની કમિટી જ કરશે.
હાલમાં ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર તેમજ સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક માટે પણ કોઈ કાયદો નથી. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર તેમજ સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂકની તમામ સત્તા કેન્દ્ર સરકારના હાથમાં છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ દ્વારા કેન્દ્ર સરકારના હાથમાંથી આ સત્તા આંચકી લીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે કાયદો ના બનાવે ત્યાં સુધી આ પ્રક્રિયા જ અમલમાં રહેશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કેન્દ્ર સરકાર પોતાના પાલતુ અધિકારીઓમાં લાયકાત હોય કે ના હોય છતાં ચૂંટણી પંચ કે સીબીઆઈમાં બેસાડી દે છે તેના પર બ્રેક વાગશે. ચૂંટણી પંચ કે સીબીઆઈમાં નિમણૂક માટે ઈ કાયદો નથી તેથી કેન્દ્ર સરકારે પ્રક્રિયાના નામે પોતાને માફક આવે એવી વ્યવસ્થા ગોઠવી દીધેલી. આ કહેવાતી પ્રક્રિયા પ્રમાણે સચિવ સ્તરના અત્યારે ચાલુ કે નિવૃત્ત થયેલા ૪૦ જેટલા અધિકારીઓની યાદી તૈયાર કરવામાં આવે છે.
આ યાદીમાંથી છેવટે ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવે છે. આ ત્રણ નામો પર વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વિચાર કરે છે અવું કહેવાય છે પણ વાસ્તવમાં વડા પ્રધાન જ નક્કી કરી નાંખતા હોય છે કે કોને બેસાડવા છે. આ પછી વડા પ્રધાન પેનલમાં સામેલ ત્રણેય અધિકારીઓ સાથે વાત કરે છે અને રાષ્ટ્રપતિને એક નામ મોકલે છે. આ ભલામણ સાથે વડા પ્રધાનની ભલામણ માટેનાં કારણો સાથેની નોંધ પણ મોકલવામાં આવે છે કે જેમાં ચૂંટણી કમિશનર તરીકે જે તે વ્યક્તિની ચૂંટણી માટેના કારણો આપવામાં આવ્યાં હોય છે.
આ પ્રક્રિયા જરાય પારદર્શક નથી ને તેમાં કેવાં ધૂપ્પલ ચાલે છે એ ચૂંટમી પંચમાં કમિશન નિમાયેલા અરુણ ગોયલના કિસ્સામાં જોવા મળ્યું છે. ૧૯૮૫ બેચના આઈએએસ અધિકારી અરુણ ગોયલને ઉદ્યોગ સચિવ હતા. ગોયલ ૨૧ ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા પણ તેમણે ૧૮ નવેમ્બરે સ્વૈચ્છિક નિવૃત્ત એટલે કે વીઆરએસ લઈ લીધું હતું. ગોયલના વીઆરએસની અરજી તાત્કાલિક મંજૂર થઈ ગઈ ને ૧૯ નવેમ્બરે તેમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પણ થઈ ગઈ.
અરુણ ગોયલ તાત્કાલિક રીતે જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે સાથે ચૂંટણી પંચમાં ગોઠવાઈ ગયા. અરુણ ગોયલની નિમણૂક સામે સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરીને સવાલો ઉઠાવ્યા હતા. ભૂષણની અરજી પર સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ગોયલની ચૂંટણી પંચમાં નિમણૂકની પ્રક્રિયાની ફાઈલ માગી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકની ઓરિજિનલ ફાઇલ સુપ્રીમ કોર્ટને સોંપી ત્યારે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ટોણો મારેલો કે ચૂંટણી કમિશનરના નિયુક્તિની ફાઇલ વીજળી વેગે ક્લિયર થઈ ગઈ છે. સુપ્રીમે સવાલ પણ કરેલો, આ ક્યા પ્રકારનું મૂલ્યાંકન છે? સુપ્રીમના અણિયાળા સવાલો પરથી સ્પષ્ટ હતું કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટ આકરું વલણ લેશે. આ ધારણા સાચી પાડીને સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચુકાદો આપીને કેન્દ્ર સરકારની મનમાની પર બ્રેક મારી દીધી છે.
આ તો એક ઉદાહરણ આપ્યું પણ અત્યાર લગી આ રીતે જ ચૂંટણી પંચ અને સીબીઆઈમાં નિમણૂકો થાય છે. સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરીને તેના પર બ્રેક મારી દીધી છે. આ રીતે થતી નિમણૂકોના કારણે ચૂંટણી પંચ તટસ્થ રહે એવી આશા જ ના રખાય. તાજેતરમાં શિવસેના પર કોનો કબજો એ અંગે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે જામેલા જંગમાં ચૂંટણી પંચે લીધેલો નિર્ણય તેનો પુરાવો છે. શિવસેનાના ૨૦૧૮ના બંધારણને ધ્યાનમાં લીધા વિના સુપ્રીમ કોર્ટે ૧૯૯૯ના બંધારણના આધારે ઉદ્ધવ જૂથ પાસેથી શિવસેના આંચકીને એકનાથ શિંદેને આપી દીધી. ચૂંટણી પંચ જ નહીં પણ સીબીઆઈમાં બેઠેલા અધિકારી પણ આ રીતે જ વર્તે છે ને સરકારના પાલતુ તરીકે કામ કરે છે. સીબીઆઈની છાપ કેવી છે ને એ શું કામ કરે છે એ કહેવાની જરૂર નથી.
પ્રશાંત ભૂષણે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કોલેજિયમ જેવી વ્યવસ્થા ગોઠવવાની માગ કરી હતી પણ સુપ્રીમ કોર્ટે એ માગ નથી સ્વીકારી. તેના બદલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સંસદમાં કાદો બનાવીને મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા નક્કી કરવા કહ્યું છે. લોકશાહીમાં સંસદ સર્વોપરિ છે એ જોતાં સંસદ કાયદો બનાવીને મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની પ્રક્રિયા નક્કી કરે એ યોગ્ય જ છે.
લોકશાહીના અસ્તિત્વ માટે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા જાળવવી જરૂરી છે. મતદાનની પ્રક્રિયા પારદર્શક ના હોય તો ખોટા માણસો ચૂંટાઈ આવે ને સત્તા કબજે કરે એ ખતરો હોય જ છે. આ ખતરાને ટાળવા મોદી સરકારે ઝડપથી કાદો બનાવીને તમામ શંકા નિર્મૂળ કરવી જોઈએ.
Judgement for selection of EC might be good but what about collegium system? If you remember the last meeting to appoint Chabdrachud as CJI dis not held yet his name was recommended. Now CJI says the new arrangement is applicable till new laws passed but NJAC passed by parliament is not accepted by supreme court. What the hell is going on in supreme court. Transparency is required in selection of CEC n EC but not in Judges.