નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ વોટ્સએપે ભારતીય યુઝર્સ માટે પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કરવાનું પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું. સુપ્રીમ કોર્ટે વોટ્સએપની ઝાટકણી કાઢીને યુઝર્સને સાચી માહિતી આપવાનું જણાવ્યું છે. વોટ્સેએપે 2021માં લાવેલી પ્રાઈવસી પોલિસી યુઝર્સે સ્વીકારવી એ જરુરી નથી, પરંતુ આ માહિતી દરેક ભારતીય સુધી પહોંચાડવાનું આવશ્યક છે, એવો મત કોર્ટે વ્યક્ત કર્યો હતો.
2021માં વોટ્સએપે પ્રાઈવસી પોલિસીની જાહેરાત કરી હતી અને એ અનુસાર યુઝર્સનો અમુક ડેટા વોટ્સએપની પેરન્ટ કંપની મેટા સાથે શેયર કરવામાં આવવાનો હતો. પરંતુ આ પોલિસીનો સ્વીકાર કરવું એ શરુઆતના બધા યુઝર્સ માટે ફરજિયાત હતું. એવું નીહીં કરનાર યુઝર વોટ્સએપ નહીં વાપરી શકે એવું જણાવવામાં આવ્યું હતું. આ પરિવર્તનને ભારતમાં કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આ પ્રકરણની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પાંચ ન્યાયાધિશની બેન્ચ સમક્ષ થઈ રહી છે. કોર્ટે આજે ભારતીય યુઝર્સને આ પોલિસી બદલ સંપૂર્ણપણે માહિતગાર કરવાનું વોટ્સએપને જણાવ્યું હતું. વોટ્સએપના મતે ડેટા ડ્રાફ્ટ પ્રોટેક્શન બિલ આવ્યા બાદ ખરેખર આ યુઝર્સને આ પોલિસી પ્રભાવિત કરે છે કે નહીં તે જોવામાં આવશે. પરંતુ ફાઈનલ વર્ઝન આવે એ પહેલાં જ કોર્ટે યુઝરને સંપૂર્ણ માહિતી આપવાનો આદેશ આપી દીધો છે.
સુપ્રીમ કોર્ટે વોટ્સએપને સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ આપ્યો હતો કે કંપનીએ મીડિયાના માધ્યમથી ભારતીય યુઝરને સ્પષ્ટ શબ્દોમાં આ બાબતની માહિતી આપવી. 2021 પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર કરવો એ યુઝર માટે ફરજિયાત નથી. પોલિસીનો સ્વીકાર નહીં કરીને પણ યુઝરને ચેટિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે.