સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા અને રૂ. 2000 નો ફટકાર્યો દંડ, જાણો શું છે આખો મામલો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સુપ્રીમ કોર્ટે (Supreme court) ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને (Vijay Malya) કોર્ટની અવમાનના બદલ 4 મહિનાની જેલની સજા ફટકારી છે અને સાથે રૂ.2000નો દંડ પણ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો બે હજારનો દંડ ન ભરે તો સજા વધુ બે મહિના લંબાવવામાં આવશે. આજે જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે 5 વર્ષ પહેલાં 9મી મે 2017ના રોજ વિજય માલ્યાને કોર્ટની અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. પરંતુ સજા હવે સંભળાવવામાં આવી છે.

SBIની આગેવાની હેઠળના બેંકોના સંઘે દાખલ કરાયેલા કેસમાં કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને તેના સંતાનોને 40 મિલિયન USD ટ્રાન્સફર કરવા બદલ વિજય માલ્યા દોષીત ઠર્યા છે.

સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન વિજય માલ્યા હાજર થયા નહોતા અને તેમની તરફથી કોઈ વકીલ પણ આવ્યા ન હતા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ કેસમાં વિજય માલ્યાને મહત્તમ સજા કરવાની માંગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે માલ્યાએ ન માત્ર વિદેશી ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોર્ટને ખોટી માહિતી આપી હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી કોર્ટમાં હાજર ન રહીને કોર્ટના આદેશોની અવમાનના પણ કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિજય માલ્યાએ કોર્ટની અવમાનના બદલ માફી પણ માંગી નથી. સર્વોચ્ચ અદાલતે વિજય માલ્યાને 4 અઠવાડિયાની અંદર વ્યાજ સાથે 40 મિલિયન USD પાછા જમા કરાવવા જણાવ્યું છે. જો આમ કરવામાં તે નિષ્ફળ રહે તો વિજય માલ્યાની મિલકતો જપ્ત કરવામાં આવશે. કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓ આ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર હશે.

નોંધનીય છે વિજય માલ્યા ભારતીય બેંકોના 9000 કરોડ રૂપિયા લઈને ફરાર છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે પ્રત્યાર્પણની કાનૂની લડાઈ હારી જવા છતાં, વિજય માલ્યા કેટલીક કાયદાકીય યુક્તિઓ અપનાવીને યુનાઇટેડ કિંગડમમાં જ રહે છે. તેણે ત્યાં કેટલીક ગુપ્ત કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. યુકે સરકારે ન તો ભારત સરકારને આ પ્રક્રિયામાં પક્ષકાર બનાવી છે અને ન તો તેની માહિતી શેર કરી છે. જેના કારણે માલ્યાને હજુ સુધી ભારત લાવવામાં આવ્યા નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.