Homeદેશ વિદેશચૂંટણી કમિશનરની નિમણૂકની ફાઇલ માગતી સુપ્રીમ કોર્ટ

ચૂંટણી કમિશનરની નિમણૂકની ફાઇલ માગતી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: ગઈ ૧૯ નવેમ્બરે ચૂંટણી કમિશનરના હોદ્દા પર નિમણૂક કરવામાં આવેલા અરુણ ગોયલની નિયુક્તિ સંબંધી દસ્તાવેજો-ફાઇલ રજૂ કરવા કેન્દ્ર સરકારને સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો હતો. તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ અપાયેલા અરુણ ગોયલની નિયુક્તિમાં ગરબડ થઈ છે કે નહીં તે જાણવા માટે પાંચ જજની કૉન્સ્ટિટ્યૂશન બેન્ચે તેમની નિમણૂક સંબંધી ફાઇલ માગી હતી.
અરુણ ગોયલની નિમણૂકની ફાઇલની માગણી સામે એટર્ની જનરલ આર. વેન્કટરમણિના વાંધા નામંજૂર કર્યા હતા. વેન્કટરમણિએ જણાવ્યું હતું કે અદાલત ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકોના વ્યાપક વિષયને હાથ ધરી રહી છે. એ સ્થિતિમાં એડ્વોકેટ પ્રશાંત ભૂષણે આંગળી ચીંધી હોય એવા એક ચોક્કસ કેસનું વિશ્ર્લેષણ હાથ ધરી ન શકે. કૉન્સ્ટિટ્યૂશન બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન અન્ય ફાઇલ જોવા સામે મારો સખત વાંધો છે.
તેના જવાબમાં બેન્ચે જણાવ્યું હતું કે ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકના કેસની સુનાવણી ગયા ગુરુવારે શરૂ કરવામાં આવી છે. ત્યારપછી ૧૯ નવેમ્બરે અરુણ ગોયલની ચૂંટણી કમિશનરના હોદ્દા પર નિમણૂક કરવામાં આવી હતી. તેથી અદાલત આ પગલા પાછળનાં કારણો જાણવા ઇચ્છે છે.
મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સંબંધી સલાહ-મસલતની પ્રક્રિયામાં દેશના વડા ન્યાયમૂર્તિને સામેલ કરવાની જરૂરિયાત સુપ્રીમ કોર્ટે દર્શાવી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂકની પ્રક્રિયામાં વડા ન્યાયમૂર્તિનો સમાવેશ ચૂંટણીપંચની સ્વતંત્રતાની બાંયધરીરૂપ બનશે. કેન્દ્રનો કોઈપણ શાસક પક્ષ સત્તાની શક્તિ દર્શાવવા તત્પર હોવાથી હાલની પદ્ધતિ હેઠળ ‘આજ્ઞાંકિત’ વ્યક્તિની નિમણૂક કરે એવી શક્યતા હોય છે.
ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં કૉલેજિયમ જેવી સિસ્ટમ દાખલ કરવાની માગણી કરતી કેટલીક અરજીઓની સુનાવણી વેળા સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. જસ્ટિસ કે.એમ. જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષીકેશ રૉય અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની બેન્ચની ટિપ્પણીના જવાબમાં કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૯૧ના કાયદા હેઠળ ચૂંટણીપંચ સભ્યોની મુદત તથા વેતન બાબતે સ્વતંત્ર છે. તેમાં અદાલતે હસ્તક્ષેપ કરવો પડે એવી સ્થિતિ કે પ્રસંગ ઊભા થયા નથી. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કેન્દ્રના તથા રાજ્ય સરકારોના સચિવો અને મુખ્ય સચિવોમાંથી વરિષ્ઠતાના ધોરણે કરવામાં આવે છે.
તેના જવાબમાં બેન્ચે જણાવ્યું હતું કે નિમણૂકની પ્રક્રિયાના પ્રારંભિક સ્તરે જ ચૂંટણીપંચ જેવી સંસ્થાની સ્વતંત્રતાની તકેદારી રાખવી જોઇએ. કેન્દ્રનો દરેક શાસક પક્ષ સત્તાવાહી મિજાજ ધરાવતો હોય છે. તેથી ચીફ જસ્ટિસ જેવી સત્તાને નિમણૂકની પ્રક્રિયામાં સામેલ કરતાં સત્તાધારી પક્ષની ‘આજ્ઞાંકિત’ વ્યક્તિને પસંદ કરવાની શક્યતાઓ નાબૂદ થશે.
ગયા અઠવાડિયાના અંતમાં ભૂતપૂર્વ સરકારી અમલદાર અરુણ ગોયલની ચૂંટણી કમિશનર (ચૂંટણી પંચના સભ્ય)ના પદે નિમણૂક કરવામાં આવી હતી. ૧૯૮૫ના બૅચના પંજાબ કૅડરના અરુણ ગોયલ ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર અને ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે સાથે જોડાશે. ગયા મે મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનરના હોદ્દા પરથી સુશીલચંદ્રા નિવૃત્ત થતાં તેમના સ્થાને રાજીવકુમારની નિમણૂક કરવામાં આવી હતી. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular