2002ના ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ક્લીન ચિટ યથાવત, સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાતમાં આજ થી 20 વર્ષ પહેલા 2002માં થયેલા કોમી રમખાણોમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર ષડ્યંત્રના આરોપો લાગ્યા હતા જેની તપાસ કર્યા બાદ SITએ તેમને ક્લીનચીટ આપી હતી. SITએ આપેલી આ ક્લીનચીટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરી હતી. સુનાવણીમાં કોર્ટે રાજ્યના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લીનચીટને યથાવત રાખી છે. SITની ક્લીનચીટને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે 2002ના રમખાણો પાછળના “મોટા ષડયંત્ર”ની ફરી તપાસ કરવાનો ઇનકાર કરતા ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ઝાકિયાની આ અપીલમાં કોઈ મેરીટ નથી.
નોંધનીય છે કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ SIT ના રિપોર્ટને પડકારતાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 9 ડિસેમ્બર 2021ના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
રમખાણોની તપાસ માટે રચાયેલી SITએ ઝાકિયા જાફરીના ‘મોટા ષડયંત્ર’ના આરોપોને નકારી કાઢ્યા હતા. એસઆઈટીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ કેસમાં એફઆઈઆર અથવા ચાર્જશીટ નોંધવા માટે કોઈ આધાર મળ્યો નથી. ઝાકિયા જાફરીની ફરિયાદના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ સામગ્રી મળી આવી ન હતી. સ્ટિંગ ઓપરેશનની સામગ્રીને પણ કોર્ટે ફગાવી દીધી હતી.
ઝાકિયા જાફરીએ SIT પર આરોપીઓ સાથે મિલીભગતનો આરોપ પણ લગાવ્યો હતો. ઝાકિયા જાફરી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ‘જ્યારે SITની વાત આવે છે ત્યારે આરોપીઓ સાથેની મિલીભગતના સ્પષ્ટ પુરાવા છે. રાજકીય વર્ગ પણ તેમનો સાથી બની ગયો છે. SITએ મુખ્ય દસ્તાવેજોની તપાસ કરી જ નથી.’ આ અંગે છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SIT માટે મિલીભગત અયોગ્ય શબ્દ છે. આ જ SIT એ અન્ય કેસોમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. તે કાર્યવાહીમાં આવી કોઈ ફરિયાદ મળી નથી.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલો 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલા રમખાણો સાથે સંબંધિત છે. અહીં એપાર્ટમેન્ટમાં લગાવવામાં આવેલી આગમાં કોંગ્રેસના સાંસદ એહસાન જાફરી સહિત 68 લોકો માર્યા ગયા હતા. SIT એ રમખાણોની તપાસ કરી. તપાસ બાદ વર્ષ 2012માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહીત 64 લોકોને ક્લીનચીટ આપવામાં આવી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.