નવી દિલ્હીઃ દેવભૂમિ ઉત્તરાખંડના જોશીમઠના તાજેતરના સંકટ મુદ્દે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની અરજીની સુનાવણી હાથ ધરવાનો સુપ્રીમ કોર્ટે સોમવારે ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારોને કહ્યું હતું કે ઉત્તરાખંડ હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરો. સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ સરકારે પણ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે હાઈ કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે હાઈ કોર્ટ અગાઉથી આ કેસની સુનાવણી કરી રહી છે, તેથી અરજદારોએ ત્યાં રજૂઆત કરવી જોઈએ. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જમીન ધસી પડવાને કારણે જોશીમઠના અસરગ્રસ્તોના પુનર્વસન અને તેમની સંપત્તિનો વીમો કરાવવાની માગણી કરી હતી.
શંકરાચાર્યએ અરજીમાં સમગ્ર કેસને નેશનલ ડિઝાસ્ટર જાહેર કરવાની માગણી કરી હતી એની સાથે તેમને તપોવન-વિષ્ણુગઢ વીજ પ્રકલ્પને રોકવાની ડિમાન્ડ હતી કરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડે કહ્યું હતું કે 12મી જાન્યુારીના હાઈ કોર્ટે આ કેસમાં આદેશ બહાર પાડ્યો હતો. હાઈ કોર્ટની નિષ્ણાત કમિટીના ગઠન અંગે જવાબ માગ્યો છે. સરકાર અને એનટીપીસીને જોશીમઠમાં નિર્માણ કાર્ય હાલમાં બંદ રાખવાનો પણ અનુરોધ કર્યો છે, તેથી અરજદારોએ ત્યાં રજૂઆત કરવી જોઈએ, એમ કોર્ટે જણાવ્યું હતું.
અરજદારવતીથી હાજર રહેલા વકીલ સુશીલ જૈન અને પી. એન. મિશ્રાએ દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે જ તેની સુનાવણી હાથ ધરવી જોઈએ, પરંતુ ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તમે લોકો જે પુનર્વસન સહિત અન્ય માગણીઓ મૂકી છે તેના માટે તમે કોર્ટમાં રજૂઆત કરી શકો છો. અને અમે કોર્ટને પણ અનુરોધ કરીશું કે જો તમે રજૂઆત કરશો તો તેના અંગે ઝડપથી સુનાવણી કરે. અહીં એ જણાવવાનું કે છેલ્લા મહિનાથી જોશીમઠમાં ઘરો, હોટેલ અને જાહેર રસ્તા ધસી પડવાના બનાવ બન્યા છે, જેથી હજારો લોકોનું સ્થળાંતરણ અને પુનર્વસનનું કામકાજ ચાલુ છે.