દિલ્હી નગર નિગમના મેયરની ચૂંટણીની અધિસૂચના 24 કલાકમાં બહાર પાડવાનું ફરમાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપ્યું હતું. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે આ ચૂંટણીમા નોમિનેટેડ સભ્યો એટલે કે એલ્ડરમેન મત આપી શકશે નહીં કારણ કે તેમને મત આપવાનો અધિકાર નથી. કોર્ટના આ આદેશથી આમ આદમી પાર્ટીને ઘણી રાહત મળી છે, કારણ કે પાર્ટી હંમેશાં એલ્ડરમેનના મતને વાજબી ઠેરવવાનો વિરોધ કરી રહી હતી. આપના મેયરપદના ઉમેદવાર શૈલી ઓબેરોયે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં નોમિનેટેડ સભ્યોના મતદાનને રોકવાની માગણી કરવામાં આવી હતી. આ સાથે ઓબેરોયે એમસીડીના સદનના પ્રોટેમ પીઠાસન અધિકારીને હટાવવાની માગણી પણ કરી હતી.
સોમવારે પણ આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હીના ઉપરાજ્યપાલના પ્રતિનિધિ તરીકે આવેલા એસએસજી સંજય જૈને કોર્ટને કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કોર્ટની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી ચૂંટણીને સ્થગિત કરવામાં આવી શકે તેમ છે.