બુલડોઝર અંગે સુપ્રીમ કોર્ટનીની યુપી સરકારને નોટિસ: 3 દિવસમાં સોગંદનામું આપવા સૂચના, હાલ બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ નહિ

ટૉપ ન્યૂઝ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયેલી હિંસાના આરોપીઓના ઘર બુલડોઝર વડે યોગ્ય પ્રક્રિયાના પાલન વગર તોડી પાડવાની કાર્યવાહી પર ઉત્તરપ્રદેશ સરકારને નોટિસ આપતાં સુપ્રીમ કોર્ટે સરકારને ત્રણ દિવસમાં સોગંદનામું આપવાનું કહેવામાં આવ્યું છે. હાલ ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મુકવામાં નહિ આવે. આ મામલે હવે વધુ સુનાવણી આવતા અઠવાડિયે થશે.
આજે ગુરુવારના રોજ જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારે લોકોની સુરક્ષા વિશે વિચારવું પડશે. કોર્ટે વધુમાં કહ્યું કે તેઓ ગેરકાયદેસર અતિક્રમણને હટાવવાની કાર્યવાહી રોકી શકતા નથી, પરંતુ તંત્રએ ગેરકાયદે બાંધકામ તોડતા પહેલા કાયદાની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.
સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હાજર રહેલા વકીલે સરકાર પર આરોપ લગાવ્યો કે કોઈ પણ નોટિસ વિના એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જમીયત તરફથી હાજર રહેલા એડવોકેટ નિત્યા રામકૃષ્ણન અને સી.યુ. સિંઘ દ્વરા કોર્ટમાં દલીલો રજુ કરવામાં આવી હતી. ત્યારે યુપી સરકારના વકીલે સામે દાવો કર્યો હતો કે તમામ ગેરકાયદે બાંધકામો સામે વહીવટી કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી છે. અરજદાર હકીકતથી વાકેફ નથી.
અરજીમાં જમિયતે કોર્ટ પાસે માંગ કરી છે કે તે યુપી સરકારને કાર્યવાહી રોકવા માટે નિર્દેશ આપે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જમિયતે બુલડોઝરની કાર્યવાહી માટે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની પણ માંગ કરી છે.
જમિયત ઉલેમા-એ-હિંદના લીગલ સેલના સેક્રેટરી ગુલઝાર અહેમદ આઝમી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 3જી જૂનના રોજ મુસ્લિમ સમુદાયના લોકોએ કાનપુરમાં પ્રોફેટ મોહમ્મદ પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. ત્યારે હિંદુ સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું. જે બાદ બંને સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. પરંતુ તે પછી વહીવટીતંત્રે એકતરફી કાર્યવાહી કરી હતી. એક વર્ગના લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
જમિયતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે બુલડોઝરની કાર્યવાહી પહેલા મુખ્યપ્રધાન, કાનપુરના એડીજી અને પોલીસ કમિશનરે આ અંગે નિવેદનો આપ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે એક સમુદાયને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.