સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને UPના તમામ કેસ માટે ચગાળાના જામીન આપ્યા, કહ્યું પત્રકારને લખતા રોકી શકાય નહિ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ALT-ન્યૂઝના સહ-સ્થાપક અને ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને(Mohammed Zubair) સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં તેમની વિરુદ્ધ નોંધાયેલ તમામ કેસોમાં વચગાળાના જામીન(Granted bail) આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધની તમામ FIR દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરી દીધી છે. હવે ઝુબેર સામેના તમામ કેસોની તપાસ દિલ્હી પોલીસ કરશે અને આ મામલો દિલ્હી હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં રહેશે.
સાથે સાથે સુપ્રીમ કોર્ટે(Supreme court) ઝુબેર પરના કેસની તપાસ માટે રચાયેલી યુપીની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ને પણ પણ ભંગ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ અનુસાર જો આ જ કેસમાં નવી એફઆઈઆર નોંધવામાં આવે તો પણ ઝુબેરને ધરપકડથી રક્ષણ આપવામાં આવશે. જો તેઓ ઈચ્છે તો દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી શકે છે અને એફઆઈઆર રદ કરવાની માંગ કરી શકે છે. કોર્ટે તેમને તમામ છ એફઆઈઆરમાં 20,000 રૂપિયાની રાશી પર જામીન આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબેરને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તેમને આજે 6 વાગ્યા સુધીમાં તિહાર જેલમાંથી મુક્ત કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે તેમને સતત જેલમાં રાખવાનું વ્યાજબી નથી, તેમને તાત્કાલિક જામીન આપવામાં આવે છે. તેમની વિરુદ્ધની તમામ એફઆઈઆરને એકસાથે લાવીને તેની તપાસ એક એજન્સી દ્વારા કરાવવામાં આવે. જો પછીથી વધુ એફઆઈઆર નોંધવામાં આવશે તો તેની પણ એકસાથે તપાસ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે યુપી સરકારની ઝુબેરને ટ્વીટ કરવાથી રોકવાની માંગને પણ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘અમે આ કેવી રીતે કહી શકીએ? વ્યક્તિને બોલવા માટે મનાઈ કરવીએ વકીલને દલીલ ન કરવા માટે કહેવા જેવું છે. તે જે પણ કરશે તે કાયદાને જવાબદાર રહેશે. પરંતુ અમે પત્રકારને ન લખવા માટે કહી શકીએ નહીં.’
મોહમ્મદ ઝુબૈરની ધરપકડને પ્રેસની આઝાદી પર હુમલો ગણવતા જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘ભારત પોતાને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વર્ણવે છે. તેથી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા જેવા લોકતાંત્રિક મૂલ્યોને ત્યાં જરૂરી સ્થાન આપવામાં આવે તેવી અપેક્ષા રાખી શકાય છે. મુક્ત રિપોર્ટિંગ કોઈપણ સમાજ માટે ફાયદાકારક છે અને તેના પર પ્રતિબંધો ચિંતાનું કારણ છે.’ ભારત સરકારે તેને આંતરિક બાબત ગણાવી હતી.
ગત 20મી જૂને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ FIR નોંધી હતી. 1983માં આવેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC) દ્વારા મંજુર કરાયેલી ફિલ્મ ‘કિસી સે ના કહેના’ના એક સીનનો સ્ક્રિન શોટ વર્ષ 2018માં ટ્વીટર પર શેર કર્યોહતો. આ માટે તેમના પર FIR નોંધી દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. મોહમ્મદ ઝુબૈરે આ તસવીર દ્વારા પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.
મોહમ્મદ ઝુબૈરના વકીલ વૃંદા ગ્રોવરે કોર્ટમાં સવાલ ઉઠાવ્યો હતો કે, ‘એક ચાર વર્ષ જુની ટ્વીટના આધારે મોહમ્મદ ઝુબેરની પોલીસ જાદુઈ રીતે કેવી રીતે ધરપકડ કરી શકે છે.’ આ કેસમાં ઝુબેરને પહેલા જ જામીન મળી ચૂક્યા છે.
બાદમાં ઉત્તર પ્રદેશમાં મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ એક પછી એક છ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેથી તેમને સતત જેલમાં રાખવામાં આવ્યા હતા.
આજે યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં ઝુબેરની જામીન અરજી સામે કડક દલીલો કરી હતી. યુપી સરકારના વકીલોએ દલીલ કરતા કહ્યું હતું કે, ‘આરોપી પત્રકાર નથી. તેઓ પોતાને ફેક્ટ ચેકર્સ કહે છે. તેમની ટ્વિટ ઝેર ફેલાવે છે. તેમને ટ્વીટ માટે પૈસા મળે છે. તેમને દુર્ભાવનાપૂર્ણ ટ્વિટ માટે વધુ પૈસા મળે છે.’

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.