લખીમપુર ખેરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. કોર્ટે આશિષ મિશ્રાને શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે હાલમાં આશિષ મિશ્રાને 8 અઠવાડિયા માટે મુક્ત કરવામાં આવી રહ્યો છે. પરંતુ શરતોનું ઉલ્લંઘન કરવા પર જામીન રદ કરી શકાય છે. આશિષ મિશ્રાએ મુક્ત થયાના એક સપ્તાહની અંદર ઉત્તર પ્રદેશ છોડવું પડશે. તે દિલ્હીમાં પણ રહી નહિ શકે.
કોર્ટે એમ પણ કહ્યું છે કે આ મામલે 14 માર્ચે ફરી સુનાવણી કરાશે. તે દિવસે આજે આપેલા આદેશની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે સુપ્રીમ કોર્ટે હત્યાના આરોપી 4 ખેડૂતોને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.
આશિષ મિશ્રા વતી દલીલ કરવામાં આવી હતી કે તેણે 1 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે, જ્યારે આ ઘટનામાં તેની સંડોવણીના કોઈ નક્કર પુરાવા નથી. સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવેલા રિપોર્ટમાં લખીમપુર ખેરીની નીચલી કોર્ટના ન્યાયાધીશે કહ્યું હતું કે આ કેસનો ઉકેલ લાવવામાં 5 વર્ષનો સમય લાગી શકે છે. આના પર કોર્ટે આશિષ મિશ્રાને જામીન આપવાનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કોઈને જેલમાં રાખી શકાય નહીં.
નોંધનીય છે કે 3 ઓક્ટોબર, 2021 ના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતો પર ગાડી ચડાવી દેવાની ઘટના બની હતી. આ ઘટનામાં અને ત્યારબાદ ઉગ્ર ખેડૂતો દ્વારા આરોપીઓની મારપીટમાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનુ છે, જે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીનો પુત્ર છે.
સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન મંજૂર કર્યા, યુપી અને દિલ્હીથી દૂર રહેવા શરત મૂકી
RELATED ARTICLES