કોરેગાંવ ભીમા હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટે આખરે વરવરા રાવને જામીન આપ્યા

દેશ વિદેશ

કોરેગાંવ ભીમા હિંસા કેસમાં આખરે સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા પી. વરવરા રાવને નિયમિત જામીન આપ્યા છે. વરવરા રાવ મહારાષ્ટ્રમાં 2018ના કોરેગાંવ ભીમા હિંસા કેસમાં આરોપી છે. વરવરા રાવને ખરાબ તબિયતના કારણે જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે જામીનનો કોઈપણ રીતે દુરુપયોગ થવો જોઈએ નહીં.
વરવરા રાવે તબીબી સારવારના આધારે જામીન માટે અરજી કરી હતી. અગાઉ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તેમણે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આજે તેની સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા.
કોરેગાંવ હિંસા કેસમાં વરવરા રાવની હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાનેથી 28 ઓગસ્ટ, 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં મહારાષ્ટ્રના પુણેના વિશ્રામ બાગ પોલીસ સ્ટેશનમાં UAPA રાજદ્રોહ સહિત વિવિધ કલમો હેઠળ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
કોરેગાવ ભીમા કેસઃ
કોરેગાંવ ભીમા કેસ 31 ડિસેમ્બર, 2017ના રોજ પુણેમાં આયોજિત એલ્ગાર પરિષદ કોન્ક્લેવમાં કરવામાં આવેલા કથિત ભડકાઉ ભાષણોથી સંબંધિત છે. તે વર્ષે ભીમા કોરેગાંવના સંઘર્ષની 200મી વર્ષગાંઠ હતી. 1818માં આ દિવસે દલિતોએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે મળીને મરાઠા સામ્રાજ્યની પેશ્વાની સેનાને હરાવી હતી. દલિત સમાજ ભીમા-કોરેગાંવમાં દર વર્ષે મોટી સંખ્યામાં એકત્ર થઈને આ યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપનારા દલિતોને શ્રદ્ધાંજલિ આપે છે. પોલીસે દાવો કર્યો હતો કે અહીં આપેલા ભાષણોથી બીજા દિવસે પશ્ચિમ મહારાષ્ટ્ર શહેરની બહાર સ્થિત કોરેગાંવ-ભીમા યુદ્ધ સ્મારક નજીક હિંસા ભડકી હતી.
મહારાષ્ટ્ર પોલીસ દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યવાહીમાં 1 જાન્યુઆરી, 2018 ના રોજ ભીમા કોરેગાંવ ખાતે હિંસા સંદર્ભે 28 ઓગસ્ટ, 2018 ના રોજ પાંચ અગ્રણી ડાબેરી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ પ્રતિબંધિત નક્સલ જૂથો સાથે સંબંધ ધરાવે છે. ધરપકડ કરાયેલા લોકોમાં સામાજિક કાર્યકર પી વરવરા રાવ, વકીલ સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા અને વર્નોન ગોન્ઝાલ્વેસ અને ગૌતમ નવલખાનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.