Homeઆપણું ગુજરાતસુપ્રીમ કોર્ટ: EWS અનામત એ બંધારણનું ઉલ્લંઘન નથી, સુપ્રીમ કોર્ટની બંધારણીય...

સુપ્રીમ કોર્ટ: EWS અનામત એ બંધારણનું ઉલ્લંઘન નથી, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મહોર મારી

દેશમાં આર્થિક આધાર પર અનામત વ્યવસ્થા લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની વ્યવસ્થા પર ચુકાદો આપ્યો હતો. પાંચ સભ્યોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ અનામતની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જ્યારે બે ન્યાયાધીશોએ અસંમતિ વ્યક્ત કરી છે. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. બંધારણમાં 103મો સુધારો માન્ય છે.
જસ્ટિસ બેલા ત્રિવેદીએ પણ આ નિર્ણય સાથે સહમતી દર્શાવી હતી. તેમણે કહ્યું કે હું જસ્ટિસ મહેશ્વરીના નિષ્કર્ષ સાથે સહમત છું. તેમણે કહ્યું કે SC/ST/OBCને પહેલાથી જ અનામત મળી ચૂક્યું છે. તેને સામાન્ય કેટેગરીમાં સામેલ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે બંધારણ ઘડનારાઓએ અનામતને મર્યાદિત સમય માટે રાખવાની વાત કરી હતી. પરંતુ 75 વર્ષ પછી પણ તે ચાલુ છે.
આર્થિક આધાર પર અનામત અંગે ચુકાદો આપતા જસ્ટિસ રવિન્દ્ર ભટે અસહમતી દર્શવી હતી. રવિન્દ્ર ભટે કહ્યું કે વસ્તીનો મોટો હિસ્સો SC/ST/OBCનો છે. તેમાંથી ઘણા ગરીબ છે. તેથી, 103મો સુધારો ખોટો છે. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટે પણ 50 ટકાથી વધુ અનામત આપવાને અયોગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે કલમ 15(6) અને 16(6)ને રદ કરવી જોઈએ.
જ્યારે મુખ્ય ન્યાયાધીશ લલિતે પણ આર્થિક આધાર પર અનામતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે હું જસ્ટિસ રવિન્દ્ર ભટના નિર્ણય સાથે સહમત છું.
સુપ્રીમ કોર્ટે 3-2ની બહુમતીથી EWS અનામતને સમર્થન આપ્યું છે. આ બાબતે, કોર્ટે EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી કર્યા પછી 27 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા 2019માં એટલે કે લોકસભા ચૂંટણી પહેલા EWS લાગુ કરવામાં આવી હતી અને તેના માટે બંધારણમાં 103મો સુધારો કરવામાં આવ્યો હતો. 2019 માં લાગુ કરાયેલ EWS ક્વોટાને તમિલનાડુના શાસક પક્ષ ડીએમકે સહિત ઘણા અરજદારો દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular