આપણામાંથી ઘણા લોકો મોલ અને સુપર માર્કેટ કે મોટી મોટી દુકાનોમાં શોપિંગ માટે જઈએ ત્યારે એ લોકો આપણને અલગ અલગ ઓફર આપવા માટે તેમના સિસ્ટમમાં મોબાઈલ નંબ ફીડ કરવા માટે મોબાઈલ નંબર માગે છે. મોબાઈલ નંબર રજીસ્ટર થયા પછી જ દુકાનદાર તમને બિલ આપે છે, પરંતુ હવે તમને આ બાબતમાંથી રાહત મળી શકે એમ છે કારણ કે તમારે હવે આવી જગ્યાઓ પર મોબાઈલ નંબર આપવાની જરૂર નહીં પડે. ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર ગ્રાહકોના હિતમાં એક એવું પગલું ભરવા જઈ રહી છે, જેના પછી ગ્રાહકોને પોતાનો નંબર શેર કરવાની જરૂર નહીં પડે.
મળી રહેલી માહિતી અનુસાર ગ્રાહક બાબતોના મંત્રાલયના એક અધિકારી દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી તે હવે ગ્રાહકોની ઈચ્છા વિરુદ્ધ તેમના મોબાઈલ નંબરનો ઉપયોગ તેમની ગોપનીયતામાં દખલ માનવામાં આવશે. ગ્રાહકોએ ઘણા છૂટક દુકાનદારો સામે ફરિયાદ કરી છે કે જો તેઓ તેમના મોબાઇલ નંબર આપતા નથી, તો દુકાનદારો તેમને સેવા આપવાનો ઇનકાર કરે છે. બીજી બાજું આ મામલે દુકાનદારોનું એવું કહેવું છે કે તેઓ મોબાઈલ નંબર વગર બિલ જનરેટ કરી શકતા નથી.
ગ્રાહક બાબતોના મંત્રાલયે ગ્રાહકોની આ સમસ્યાને ધ્યાનમાં લઈને એવું જણાવ્યું હતું કે દુકાનદારો અને સ્ટોર માલિકો કોઈપણ ગ્રાહકને મોબાઈલ નંબર આપવા માટે દબાણ કરી શકે નહીં. આ સાથે, તેઓ માત્ર એટલા માટે સેવા આપવાનો ઇનકાર કરી શકતા નથી કારણ કે ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવ્યો નથી.
મંત્રાલયના આ નવા નિયમની માહિતી દેશભરના તમામ છૂટક દુકાનદારોને તેમના પ્રતિનિધિત્વ કરતી ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓ તમામ દુકાનદારોને સ્પષ્ટ માર્ગદર્શિકા આપશે કે જો કોઈ ગ્રાહક પોતાનો મોબાઈલ નંબર આપવા માંગતો નથી, તો દુકાનદાર તેને આવું કરવા દબાણ કરી શકે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ખરીદી માટે મોબાઈલ નંબર આપવો જરૂરી નથી, પરંતુ મોટાભાગના ગ્રાહકોએ સ્ટોર પર પોતાનો નંબર આપવો પડે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. મોબાઈલ નંબરની વહેંચણીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં છેતરપિંડીના કેસમાં ઝડપથી વધારો થયો છે. આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં સરકારનું આ પગલું ગ્રાહકોના પક્ષમાં રહેશે.