ગોંદિયામાં સુપરફાસ્ટ ટ્રેન અને ગૂડ્સ ટ્રેન વચ્ચે ટક્કર, અમુક પ્રવાસીઓ ઘવાયા

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
નાગપુર/મુંબઈ: ગોંદિયા જિલ્લામાં સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન અને ગૂડ્સ ટ્રેન વચ્ચેની ટક્કરને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો, પરંતુ અમુક પ્રવાસીઓને સામાન્ય ઈજા પહોંચવા સાથે મોટી જાનહાનિ થઈ નહીં હોવાનો રેલવે પ્રશાસન દ્વારા દાવો કર્યો હતો.
મંગળવારે રાતના ૧.૨૦ વાગ્યાના સુમારે ભગત કી કોઠી સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેન (૨૦૮૪૩)ના ડ્રાઈવરે સિગ્નલ પાસ કરીને ગૂડ્સ ટ્રેનને ટક્કર મારવાને કારણે અકસ્માત સર્જાયો હતો, પરિણામે સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (એસઈસીઆર)ની મેલ-એક્સપ્રેસની ટ્રેનસેવા પર અસર પહોંચી હતી. જોકે, આ અકસ્માતમાં એસઈસીઆરના કમિશનર ઑફ રેલવે સેફ્ટી (સીઆરએસ) દ્વારા તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. પ્રાથમિક તબક્કેના અહેવાલ પ્રમાણે છત્તીસગઢના બિલાસપુરથી જોધપુર રવાના થયેલી ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસના લૉકો પાઈલટે ગુડમા અને ગોંદિયાની વચ્ચે બ્રેક પર સંતુલન ગુમાવ્યા બાદ એ જ ટ્રેક પર ઊભેલી ગુડ્સ ટ્રેનને ટક્કર મારી હતી. પરિણામે એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ રેલવેના ટ્રેક પરથી ઊતરી ગયો હતો, જેમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. આ અકસ્માત પછી રેલવેના કર્મચારી દ્વારા કોચને રેલવે ટ્રેક પર લાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી, જે સવારના ૪.૩૦ વાગ્યાના સુમારે પૂરી થઈ હતી. કોચને ટ્રેક પર લાવવામાં આવ્યા પછી સવારના ૫.૩૪ વાગ્યાના સુમારે ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસને ગોંદિયા મોકલવામાં આવી હતી, ત્યાર બાદ બુધવારે સવારના ૫.૪૫ વાગ્યાના સુમારે મેલ-એક્સપ્રેસની ટ્રેનસેવા સંપૂર્ણપણે ચાલુ કરી હતી. આ અકસ્માત મુદ્દે સાઉથ-ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના ઉચ્ચ અધિકારીએ બચાવ કરતા કહ્યું હતું કે ટ્રેનના ડ્રાઈવરે રેડ સિગ્નલ જોઈને બે મિનિટ સુધી રાહ જોઈ હતી. જોકે, પ્રોટોકોલ પ્રમાણે ટ્રેન આગળ હંકારી જતા ટ્રેક પર ઊભેલી ગૂડ્સ ટ્રેનને ટક્કર મારી હતી, પરિણામે ટ્રેનનો એક કોચ રેલવેના પાટા પરથી ઊતરી ગયો હતો. આ અકસ્માતમાં અમુક પ્રવાસીને ઈજા પહોંચી હતી, પરંતુ મોટી જાનહાનિમાંથી પ્રવાસીઓ બચી ગયા છે, એવી સ્પષ્ટતા કરી હતી.
સિગ્નલમાં ટેક્નિકલ ખામીને કારણે એક જ ટ્રેક પર બંને ટ્રેનો આવી ગઈ હતી. સિગ્નલ મળ્યા પછી ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસ આગળ વધી હતી અને એ જ ટ્રેક પરની ગોંદિયા ટ્રેક પર ઊભી રહેલી ગૂડ્સ ટ્રેનને ટક્કર મારી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અકસ્માતને કારણે ટ્રેક પરથી એક કોચ ઉતરી જવાને કારણે અમુક પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. જોકે, એક પ્રવાસીને વધુ ઈજા પહોંચતા નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે સીઆરએસ દ્વારા તપાસ કરવામાં આવશે, જેમાં રેલવેના કર્મચારીઓની સાથે પ્રવાસીઓનાં નિવેદન પણ લેવામાં આવશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.