ભાજપના સિનિયર મોસ્ટ નેતા, પ્રતિભાશાળી વ્યક્તિત્વના સ્વામિની અને અત્યાર સુધીના ભારતના સૌથી વધુ લોકપ્રિય વિદેશ ખાતાના પ્રધાન સુષમા સ્વરાજ સદેહે ભલે આપણી સાથે નથી, પરંતુ દરેક ભારતીયના દિલમાં તો તેઓ કાયમસ્વરૂપે વસી ચૂક્યા છે. સુપર મોમ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા સુષમા સ્વરાજની શખ્સિયતને કોઈ પણ માણસ સરળતાથી વિસારે નહીં પાડી શકે અને આજે અહીં તેમને યાદ કરવાનું ખાસ કારણ એટલે આજે તેમનો જન્મદિવસ છે.
રાજનીતિના સૌથી કુશળ નેતા સુષમા સ્વરાજના જન્મદિવસે આખો દેશ તેમને નમન કરીને સોશિયલ મીડિયા પર સ્મરણાંજલિ આપી રહ્યો છે. વિદેશ પ્રધાન તરીકે તેઓ હંમેશા જ એવા ભારતીય માટે ઊભા રહ્યા હતા કે જેઓ કોઈને કોઈ કારણસર ભારતીયો મુશ્કેલીમાં ફસાયેલા રહ્યા હતા. આ જ કારણ છે કે તેમને લેડી મસીહાના નામે પણ ઓળખતા હતા. 14મી ફેબ્રુઆરી, 1952ના દિવસે હરિયાણાના અંબાલામાં જન્મેલા સુષમા સ્વરાજનો જન્મદિવસ એટલા માટે પણ ખાસ છે કે આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે તેમનો જન્મદિવસ આવે છે અને આજના દિવસે દુનિયાભરમાં લોકો પ્રેમ વ્યક્ત કરે છે….
સુષમા સ્વરાજ એકમાત્ર એવા પ્રધાન હતા કે જેમને કોઈ પણ વ્યક્તિ ટ્વીટ કરી શકતું હતું અને તે માત્ર લોકોની વાત સાંભળીને બેસી રહેવાને બદલે તેમની સમસ્યા ઉકેલવા માટેના બનતા બધા જ પ્રયાસો કરી છૂટતાં હતા. પોતાના સ્વભાવ સિવાય વિદેશ પ્રધાનની એક બીજી સ્ટાઈલ પણ ખૂબ જ ફેમસ હતી અને એ સ્ટાઈલ એટલે માથા પર મોટી ટીકલી, પહોળા બોર્ડરવાળી સાડી અને તેને મેચ કરતું જેકેટ… તેમની આ સિગ્નેચર સ્ટાઈલ હતી. તમારી જાણ માટે કે મોટા ગોળ ચાંદલાનો ટ્રેન્ડ પણ તેમણે જ શરૂ કર્યો હતો. ગળામાં મોતીની માળા, એક હાથમાં ઘડિયાળ અને બીજા હાથમાં બંગડી તેમના લૂકને એકદમ દમદાર બનાવતા હતા.
સુષમા સ્વરાજની ખાસ વાત એ છે કે તેમણે તેમના પારંપારિક વેશને ક્યારેય છોડ્યો નહોતો અને આ વાત કદાચ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેઓ જ્યોતિષી અને રત્નો પર ખૂબ જ વિશ્વાસ કરતાં હતા અને એટલે જ તેઓ રોજે જે સાડી પહેરતાં હતા તેનો રંગ પણ એ જ અનુસાર પસંદ કરતાં હતાં. જે દિવસે જે રંગ શુભ માનવામાં આવતો હતો એ રંગની સાડી, સાડી પર મેચિંગ જેકેટ અને એક ખભા પર શાલ એ તેમનું ફેમસ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ચૂક્યું હતું.
તેમની ફેવરિટ સાડી વિશે વાત કરીએ તો તેમને સૌથી વધુ સિલ્કની સાડીઓ પસંદ હતી અને તેમાં પણ ભાગલપુરી સિલ્કની સાડીઓ પ્રત્યે તો તેમને ખૂબ ખાસ લગાવ હતો. આ સિવાય તેઓ કોટનની સાડીઓ પહેરવાનું પણ પસંદ કરતાં હતા અને આ બધી વસ્તુ અને વાતો જ તેમને બધાથી અલગ તારવતા હતા અને આ લેડી મસીહાને આજે પણ યાદ કરવામાં આવે છે, એવા આ લેડી મસીહા અને સુપર મોમ ઓફ ઈન્ડિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને સ્મરણાંજલિ…