Homeરોજ બરોજબ્રિટનમાં સુનકની જીત: ભારતની આત્મશ્રદ્ધાનો ઉંચો ગ્રાફ અને ભારતનો વૈશ્ર્વિક વિકાસ

બ્રિટનમાં સુનકની જીત: ભારતની આત્મશ્રદ્ધાનો ઉંચો ગ્રાફ અને ભારતનો વૈશ્ર્વિક વિકાસ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

‘ભારત ગરીબ અને અભણ લોકોનો દેશ છે. જો બ્રિટનથી આઝાદ થઈ જશે તો બે વર્ષમાં પડી ભાંગશે.’ બ્રિટનના સ્વપ્નદ્રષ્ટા અને રાજપરિવારના પાળીતા પોપટ વીસેન્ટ ચર્ચિલે ૧૯૪૫માં દ્વિતીય વિશ્વ યુદ્ધના અંત સમયે આ શબ્દો ઉચ્ચારેલા પણ સ્થિતિ જુઓ આજે ભરતવંશી ઋષિ સુનક જ તેમના રાષ્ટ્ર પર રાજ કરશે. સુનક હિંદુ પરંપરા અને સંસ્કૃતિનું સંપૂર્ણત: અનુસરણ કરે છે એટલે લાભ પાંચમના સપરમાં દહાડે જ તેમણે વડાપ્રધાન પદના શપથ લેવાનું એલાન કર્યું. આઝાદીના ૭૫ વર્ષમાં આ છે ભારત અને ભારતીય સંસ્કૃતિનો વિકાસ, ચર્ચિલ દાદા આજે હયાત હોત તો મનોમન બળીને ખાખ થઈ ગયા હોત પણ તેમની સમાન વિચારસરણી સાથે અવતરે અન્ય રાષ્ટ્રના પ્રમુખના પેટમાં તેલ રેલાઈ રહ્યું છે. તેઓ ભારતની આ સિદ્ધિને સાંખી નથી શકતા પણ હવે ભારત ગુલામ નથી. સમય પાકી ગયો છે જયારે વિશ્વ ભારતના ભવ્ય અને દિવ્ય વારસાથી, સામર્થ્ય તથા શક્તિથી અવગત થાય.
જગત જમાદાર અમેરિકા પોતાના સ્વાર્થ વિના અન્ય કોઈ રાષ્ટ્ર સાથે વેપાર કે વાટાઘાટ કરતું નથી પણ આ વર્ષે અમેરિકાએ પોતાના કાયદા બદલી નાખ્યા. સામાન્ય રીતે અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વખતે તો અમેરિકાની શાળાઓમાં દિવાળી નિમિતે રજા જાહેર કરવામાં આવી. ટ્રમ્પ અને બાઈડને ઘરે દીવડા પ્રજ્વલ્લિત કરીને દિવાળી ઉજવી એ સાથે જાહેરાત પણ કરી કે હવે દર વર્ષે અમેરિકામાં દિવાળીના પર્વ પર રજા જાહેર કરવામાં આવશે. ન્યૂયોર્ક રાજ્ય વિધાનસભાનાં સભ્ય જેનીફર રાજકુમાર તથા ન્યૂયોર્ક સીટી સ્કૂલના ચાન્સેલર ડેવીડ બેન્કસે દીવાળીને સત્તાવાર તહેવાર ગણવા તથા શાળાઓમાં તે દિવસે રજા રાખવાનું વિધેયક રાજ્ય વિધાનસભામાં પસાર કરાવ્યું. વિચારો વિશ્વમાં ભારતનું નામ પડે એટલે દુનિયાને ગરીબી,ભૂખમરો અને ભ્રષ્ટાચાર જ દેખાય છે. પણ અમેરિકામાં થયેલા આ પરિવર્તને ભારતનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યુ છે. આ દિવાળી ભારત માટે ખરા અર્થમાં ખુશીઓની, સિદ્ધિઓની, નવી ઉર્જાની, નવા સંશોધનની, વૈશ્વિક ઇતિહાસની અને ખંડેર બની ગયેલા મંદિરોના પુનર્વસનની સાથે વિકાસની ભેટ લઈને આવી છે.
યુરોપ માટે તો લંડન ઇકોનોમસ્ટિે મથાળું બાંધ્યું કે યુરોપ હવે પહાડના છેડે આવી ગયું છે.’ આયર્લેન્ડ, સ્પેન, ઇટલી, પોર્ટુગલ બધા દેવું કરી ટકી રહ્યા છે. જ્યારે ભારત ફ્રાન્સને પાછળ પાડીને વિશ્વમાં પાંચમા ક્રમની આર્થિક તાકાત બની ગયું છે. અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જ હવે ભારત કરતા આગળ છે. જે દેશ મદારીના દેશ તરીકે ઓળખાતો હતો તેણે મંદીને મ્હાત આપી દીધી છે.
ભારત માટે આ વર્ષ સર્વક્ષેત્રે શુકનિયાળ રહ્યું. તાજેતરમાં દેશવાસીઓ દિપોત્સવની ખુશીઓ મનાવી રહ્યા હતા અને ભારત-પાકિસ્તાનની ટી-૨૦ વર્લ્ડકપની મેચ જીતોત્સવ બની ગઇ. મેચની છેલ્લી ઓવરનો રોમાંચ ફેન્સને વર્ષો સુધી યાદ રહેશે. કોહલીએ પણ સ્વીકાર્યું કે આ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ હતી. ઓલિમ્પિકમાં પણ ભારતના રમતવીરો ઝળક્યા, ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. રમતના ચાહકો જાણે છે કે નીરજ ચોપરાનો ગોલ્ડ મેડલ કઈ રીતે મહત્ત્વનો છે.ભારતની ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે જ ભારતની મહિલા હોકીની ઓલિમ્પિક મેચ હતી બંનેના સમય ટકરાતા હતા. સુખદ આશ્ચર્યની ઘટના એ બની કે મહિલા હોકીની મેચને કોહલી એન્ડ કંપનીના ક્રિકેટ કરતા વધુ દર્શકો મળ્યા હતા.
અયોધ્યામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ દીપોત્સવ ઊજવાયો. ૪૯૩ વર્ષ પછી અયોધ્યાએ તેનો ઈતિહાસના પાના ફરીથી પલટાવી નાંખ્યા છે. વર્ષ ૧૫૨૮માં રામ મંદિરને તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. આઝાદી પછી લાંબો કેસ ચાલ્યો. અંતે સુપ્રીમ કોર્ટે રામ મંદિરન તરફેણમાં ચુકાદો આપ્યો. વિવાદિત જમીન રામલલ્લાની થઈ અને આ દિવાળી પર્વ પર ૧૫.૭૬ લાખ દીવા પ્રગટાવી ગિનીસ રેકોર્ડ સર્જવામાં આવ્યો. રામની ભૂમિ પર એક સમયે તેમના જ અસ્તિત્વ પર સવાલ થતો હતો ત્યારે હવે તેમની જન્મભૂમિ પટ ઝગમગતા આ દીવડા દેશની આસ્થા અને સબળ શક્તિની ઝાંખી કરાવે છે.રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર ’કાશી વિશ્વનાથ કોરિડોર’ અને ’મહાકાલ લોક’નુંનિર્માણ થતા હવે આ ધાર્મિક સ્થળો પર પ્રવાસન ક્ષેત્રે પણ બોહોળો વિકાસ થયો છે. બે દિવસમાં વિદેશમાંથી અઢળક પ્રવાસીઓ ઉજ્જૈન અને વારાણસીની મુલાકાતે આવ્યા છે. વિદેશમાં એક સમયે ભારતની ઓળખ તાજમહેલ પૂરતી જ સીમિત હતી પરંતુ હવે લોકોને શિવનું મહામાત્ય જાણવાની ઉત્કંઠા જાગી છે. જે લોકમાનસમાં ભારતની બદલાયેલી છબીને સ્પષ્ટ પણે દર્શાવે છે.
૭૦-૮૦ના દાયકમાં ભારતમાંથી મોટુ હૂંડિયામણ શસ્ત્રોની ખરીદી પાછળ વેડફાઈ જતું. એ ગાળામાં ભારત-પાકિસ્તાનના યુદ્ધ સમયે તો ટેન્કની અછત સર્જાઈ હતી પણ દેશના નરબંકા જવાનોની ખુમારીથી ભારતની જીત થઈ પરંતુ દર વખતે યુદ્ધ જુસ્સાથી જીતી ન શકાય. આજે ભારતમાં ફાઇટર જેટ, દરિયાઇ યુદ્ધ જહાજ, હેલિકોપ્ટર, ટેન્ક, મશીનગન, તોપગોળાથી માંડને બુલેટ સુધીના શસ્ત્રોનું ઉત્પાદન થઈ રહ્યું છે. અત્યાધુનિક યુદ્ધ જહાજ આઇએનએસ વિક્રાંત તેનું ઉત્તમ ઉદાહરણ છે. એટલું જ નહીં પણ હવે અલ્પ વિકસિત રાષ્ટ્રો ભારત પાસેથી શસ્ત્રો ખરીદતાં થયા છે. હાલ અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ ચાલે છે. આ દરમિયાન આર્મેનિયાએ ભારત પાસેથી હથિયાર ખરીદવા માટે ડીલ કરી છે. આર્મેનિયા કુલ બે હજાર કરોડના મિસાઈલ, રોકેટ અને દારૂગોળા સહિત પિનાકા લોન્ચર ભારત પાસેથી ખરીદી રહ્યું છે. જે ડીઆરડીઓની મોટી સિદ્ધિ કહેવાય.ભારતનો ખરો વિકાસ હવે થશે તે નાગરિકોના આત્મશ્રદ્ધાના ઉંચા ગયેલા ગ્રાફ પરથી કહી શકાય.પરંતુ હજુ ભારતે સર્વસમાવેશક વિકાસ સાધ્યો નથી.
આગામી ૨૫ વર્ષ એટલે કે જ્યારે ભારત ૧૦૦મા સ્વતંત્ર દિનની ઉજવણી કરતું હશે ત્યારે વિકસિત દેશોની હરોળમાં ઉભા રહેવાના સપનાનું બિયારણ ગત ૧૫ ઓગષ્ટે વડાપ્રધાન મોદીએ રોપ્યું છે. આગામી ૨૫ વર્ષમાં ભારતને ક્યાં પહોંચવાનું છે તે દિશા નક્કી કરાઇ છે તે પ્રશંસનીય છે પરંતુ વિકસિત દેશ બનવું સરળ નથી. આર્થિક ક્ષેત્રે સ્કાય ઇઝ ધ લિમીટ જેવું છે. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમીક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ ક્ધટ્રીની માથા દીઠ આવકને વર્તમાન ભારતની માથા દીઠ આવક સાથે સરખાવાય તો ભારત ઘણું પાછળ છે. વિકસિત દેશ બનવાનું સાવ અશક્ય પણ નથી પરંતુ આર્થિક ઉપરાંત અન્ય કેટલાક મહત્વના મુદ્દે ભારતે આમૂલ પરિવર્તન લાવવું પડશે.
પાંચ ટ્રીલિયન ડોલરની ઇકોનોમીની દિશા તો ભારતનું અર્થતંત્ર સર કરી લેશે પરંતુ વિકસિત દેશોની હરોળમાં ભારતને ઉભું રાખવાની દિશામાં આગળ વધવું લોઢાના ચણા ચાવવા જેવું છે. તેમ છતાં મોટા સપનાં જોવામાં પણ કંઇ ખોટું નથી. પાંચ ટ્રિલીયન ડોલરની ઇકોનોમી સુધી પહોંચવાની વાત પણ શરૂઆતમાં અશક્ય લાગતી હતી. ભારત આર્થિક ક્ષેત્રે ગુલામીની દશામાંથી બહાર આવી રહ્યું છે. ભારતના અનાજના ભંડારો અન્ય ગરીબ દેશોને કામ લાગી રહ્યા છે. ભારતના પાડોશી એવા શ્રીલંકા અને પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે ત્યારે ભારત આર્થિક રીતે મજબૂત બની રહ્યું છે. વિશ્વની મહાસત્તાઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટવા તત્પર હોય છેે ત્યારે આર્થિક ક્ષેત્રે જમ્પ મારવા અને વિકસિત દેશોની હરોળમાં આવવાનું સપનું જુવે તે સ્વભાવિક છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ, વર્લ્ડબેંક,વર્લ્ડટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ઇકોનોમી ફોરમે વિકસિત અને વિકાસશીલ દેશોની ઓળખ માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે. જેમકે લો, લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ અને હાઇ ઇન્કમ ક્ધટ્રી જેવા સ્લેબ તૈયાર કરેલા છે. લો અને લોઅર મિડલ ઇન્કમ દેશોને વિકાસશીલ રાષ્ટ્રોને કહે છે. હાઇ ઇન્કમ ઇકોનોમીને વિકસિત દેશોની યાદીમાં મુકાય છે.વિકસિત દેશોમાં ગરીબી ઓછી જોવા મળે છે, ત્યાં જીવન ધોરણ ઓછું હોય છે, બેરોજગારીનો દર ઓછો હોય છે, હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્સ પણ હૂંફાળો હોય છે. વિશ્વબેંકે ભારતને લોઅર મિડલ ક્લાસમાં મુક્યું છે.
આર્થિક નિષ્ણાતો કહે છે કે ભારતનું અર્થતંત્ર ટૂંક સમયમાં અમેરિકા અને ચીનને પછાડી ત્રીજા નંબરે આવી શકે છે. ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તેની કોઇને ખબર નથી પણ સપનાં જોવાનો સૌને અધિકાર છે. આ દિવાળી ખરાં અર્થમાં ભારત માટે શુકનવંતી નીવડે છે તો શું વિકસિત દેશ બનાવાનું સ્વપ્ન સેવી ન શકાય?

RELATED ARTICLES

Most Popular