યુકેમાં ભારતીય મૂળના રિશી સુનક વડાપ્રધાન બન્યા એના ગીત જાણે એવી રીતે ગવાયા કે જાન વાજતે ગાજતે આપણે માંડવે આવવાની હોય. ખેર. અલબત્ત સુનકના સમાચાર પ્રભાવમાં અન્ય એક ભારતીય મૂળના રાજકારણીની દમદાર વાતને વ્યાપક પ્રસિદ્ધિ ન મળી. આગ્રામાં જન્મેલા આલોક શર્મા પાંચ વર્ષની ઉંમરે બ્રિટન આવી ગયા હતા અને પિતાશ્રીને પગલે રાજકારણમાં સક્રિય થઈ ૨૦૧૦માં એમપી બન્યા.
૨૦૧૫ પછી સતત પ્રગતિ કરી રહેલા આલોક શર્માને બોરિસ જોન્સનની કેબિનેટમાં બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી વિભાગના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. અલબત્ત સુનકે હોદ્દો સંભાળ્યા પછી કરેલા ફેરબદલમાં શર્માજીને હટાવી દેવાયા પણ જગત આખું જે ક્લાઈમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરી રહ્યું છે એ અંગેની ઈજિપ્તમાં તાજેતરમાં યોજાયેલી યુનાઇટેડ નેશન્સની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સના પ્રેસિડેન્ટ તરીકે આલોક શર્માને સુનકે જાળવી રાખ્યા હતા. આ કોન્ફરન્સમાં આલોકભાઈએ અત્યંત મહત્ત્વની કરેલી વાતનો સાર એ હતો કે યુકે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે એ પરિસ્થિતિમાં ઓઈલ કંપનીઓ તરફથી ટેક્સ વસૂલ કરવામાં કોઈ ઢીલાશ ન રખાય. નેચરલ ગેસ અને ઈલેક્ટ્રિસિટીના વ્યવસાય સાથે સંકળાયેલી બ્રિટિશ કંપનીએ આ વર્ષે ૩૦ બિલિયન ડૉલરનો વિક્રમી નફો કરવા છતાં કાયદામાં રહેલી છટકબારીનો લાભ લઈ કોઈ વિન્ડફોલ ટેક્સ નહોતો ભર્યો. આલોક શર્માની દલીલ હતી કે વિન્ડફોલ ટેક્સ અંગેની વર્તમાન વ્યવસ્થા બદલવી જોઈએ અને પ્રદૂષણ મુક્ત એનર્જીનું ઉત્પાદન કરવા એ લોકો પ્રેરાય એવા પ્રયત્નો કરવા જોઈએ. આલોક શર્માની આ રજૂઆતને વ્યાપક પ્રસિદ્ધિ અને આવકાર મળ્યો.
વિલનનું સત્કાર્ય, ખૂબ આવકાર્ય