ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
હજી તો આજે ફાગણ સુદ સાતમ છે. વિક્રમ સંવતનો પાંચમો અને ઉનાળાનો પહેલો મહિનો. આ મહિનો વસંત માસ કે હોળીનો મહિનો તરીકે સુધ્ધાં ઓળખાય છે. આમ તો આ મહિનાની ગણતરી શિશિરમાં થાય છે, છતાં વસંતનો આભાસ આ મહિનામાં દેખાવો શરૂ થાય છે. નવાં પાન ફૂટવાના આરંભ થાય છે, આંબામાં મોર આવવાની શરૂઆત થાય છે, કેસૂડાનાં ફૂલ મળવાની શરૂઆત થાય છે. આ મહિનાની પૂર્ણિમાએ હોળી પ્રગટાવવામાં આવે છે. આ મહિનો આનંદનો મહિનો માનવામાં આવે છે. જોકે અત્યારે વાતાવરણ વૈશાખ બેઠો હોય એવું છે. ગુજરાતી સાહિત્યમાં ઋતુનું વર્ણન એ કવિઓનો માનીતો વિષય રહ્યો છે. નર્મદ-દલપત યુગમાં અને ત્યાર બાદ ઉમાશંકર-સુંદરમ યુગમાં આ વિષય પર અનેક સુંદર કાવ્યોની રચના થઈ છે. દલપતરામે ઉનાળા વિશે સુંદર પંક્તિઓ લખી છે: ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય; પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન. સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ; બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તો વણતોલ. કવિની કમાલ તો જુઓ. એક બાજુ પાણીની તીવ્ર અછતનાં દુખડાં ગાય છે અને પછી તરત વસંતના વૈભવની વાત કરે છે. કોયલના મીઠા સૂરની વાત પણ છેડે છે અને અકળાવતા તાપમાનની વાત પણ કરે છે. ચાર પંક્તિઓમાં આખેઆખો ઉનાળો સમાવી શકવાની આવડત તો કવિરાજ પાસે જ હોય. ઉનાળાની બે પેટા ઋતુ છે – વસંત અને ગ્રીષ્મ. વસંતને કેન્દ્રમાં રાખી અઢળક રચના થઈ છે. ૧૪ અક્ષરના વસંતતિલકા છંદમાં ઉમાશંકર જોશીએ લખ્યું છે: ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે, ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે. ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના, આઘા સુણાય ગગને સ્વર સારસોના. આ પંક્તિઓમાં કવિશ્રી વસંતમાં ખીલેલાં ફૂલની વાત કરી તરત ભમરાને યાદ કરી કોયલની હાજરી પણ પુરાવી દે છે. ફૂલની હાજરીથી મઘમઘ થતા વાતાવરણનો ઉલ્લેખ કરી સારસ પક્ષીના સંગીતની વાત પણ કરી લે છે. જોકે, વસંત ઋતુ પૂરી થતાં કવિ નારાજ થઈ જાય છે અને ચંદ્રકાન્ત ટોપીવાળા લખે છે કે પવન-કાંધ પર ચડ્યો જનાજો, કોયલ ગાય મરસિયા! ઝાકળની આંખોમાં અનગળ, બારે મેઘ વરસિયા! બહાવરી મંજરી શિર પટકે ને ભમરાઓ દુ:ખ જલ્પે! રડી રડીને લાલ સૂઝેલી આંખે ખાખર વિલપે! પરિમલનાં રેશમી કફનોને લપટી અંગે ઓઢે! ફૂલ ફૂલની કબરોમાં ઊંડે વસંત આજે પોઢે! કવિ જાણે મરશિયું ગાતા હોય એ હદે નારાજ દેખાય છે. શબ્દે શબ્દે નિરાશાનો સૂર પ્રગટ થાય છે. જોકે વસંત પછી આવતી ગ્રીષ્મ ઋતુ માટે ઉમાશંકર જોશી લખી ગયા છે – આવ્યો આવ્યો બળબળ થતો દેખ જોગી ઉનાળો; વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો. ઝોળાં ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની; પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની. ઉનાળાની ઉગ્રતા દર્શાવવા એની સરખામણી કવિએ જોગી સાથે કરી છે. જોકે આ બધામાં રામનારાયણ વિશ્ર્વનાથ પાઠકનું ‘વૈશાખનું બપોર’ કાવ્ય માનવ સંવેદનાની બેમિસાલ રચના છે. (ક્રમશ:)
————
HEAT IDIOMS
માગશર મહિનામાં ઠંડી પડે એ હકીકત ધીરે ધીરે ઈતિહાસ બની જશે અને ચાર મહિના ચોમાસું, ચાર મહિના શિયાળો અને ચાર મહિના ઉનાળો એ કેવળ વાર્તામાં વાંચવા મળશે કે એના દાખલા આપવામાં આવશે. વાતાવરણમાં એ હદે બદલાવ આવી રહ્યો છે. ફાગણમાં વૈશાખ જેવી ગરમી પડી રહી છે. It’s Heating Up here in Mumbai. મતલબ કે મુંબઈમાં ગરમી વધી રહી છે કે મુંબઈમાં ઉષ્ણતામાનનો પારો ઊંચો જઈ રહ્યો છે. જાણવા જેવી વાત એ છે કે કોઈ પરિસ્થિતિમાં વાતાવરણ ગરમ થઈ જાય એ દર્શાવવા સુધ્ધાં Heating Up રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે. The conversation started to heat up so I decided to leave. . વાતચીતમાં અવાજનો સ્વર ઊંચે જઈ રહ્યો હતો, ક્રોધ વ્યક્ત થઈ રહ્યો હતો એટલે મેં ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું. Take the Heat એટલે ગમ્મે એવી આકરી ટીકા સહન કરવી કે પચાવી જવી. આવી આવડત ધરાવતા લોકોને કોઈ પણ તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવામાં ઝાઝી મુશ્કેલી નથી પડતી. Don’t worry, if the project fails and the boss gets angry, I’ll take the heat for us. પ્રોજેક્ટ નિષ્ફળ જાય અને બોસ રોષે ભરાયા તો ચિંતા નહીં કરતા, હું બધું સંભાળી લઈશ. હવે બીજો એક રૂઢિપ્રયોગ A Dead Heat વિશે જાણકારી મેળવી ભાષાજ્ઞાનની સમૃદ્ધિ વધારીએ. A Dead Heat એટલે કોઈ સ્પર્ધા કે હરીફાઈમાં કોઈ એક જણ વિજયી સાબિત ન થયું હોય – ને વધુ હરીફ પહેલા સ્થાને રહ્યા હોય એવી પરિસ્થિતિ. The horse race finished in a Dead Heat. રેસમાં પ્રથમ સ્થાને એકથી વધુ ઘોડા વિજયી સાબિત થયા. Heat શબ્દને ગુસ્સા-રોષ સાથે પણ નિસ્બત છે. માણસ ગુસ્સામાં હોય ત્યારે વિચાર કર્યા વિના નિર્ણય લઈ લે અથવા અવિચારી પગલું ભરી બેસે એ Heat of The Moment રૂઢિપ્રયોગ મારફત દર્શાવવામાં આવે છે. She was so angry that in the heat of the moment she threw her pen at me! She apologised and we laughed about it later. એને એટલો ક્રોધ ચડી ગયો કે આવેશમાં તેણે પેનનો છુટ્ટો ઘા મારી તરફ કર્યો. જોકે મગજ શાંત પડતાં જ તેણે મારી માફી માગી લીધી અને પછી અમે આખી વાતને હસી કાઢી. The Heat is On પ્રયોગ આસપાસના વાતાવરણના સંદર્ભમાં છે. વાતાવરણ ગરમ હોય ત્યારે પરિસ્થિતિ મુશ્કેલ બની જાય છે કે હાથમાંથી સરી જતી હોય છે એ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. There are only 5 more days until the election, so the heat is on. ચૂંટણી આડે હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા હોવાથી વાતાવરણમાં ગરમાવો વધી ગયો છે, દોડધામ અને વ્યસ્તતા વધી ગઈ છે. આ જ પ્રયોગ જરા જુદી રીતે પણ નજરે પડે છે જે બે ઉદાહરણથી સ્પષ્ટ થાય છે. If you can’t stand the heat, get out of the kitchen પ્રયોગમાં સ્થૂળ ભાવ છે. જો રસોડામાં ગરમી સહન ન થતી હોય તો બહાર જતા રહો. આ જ વાત Being President is a hard job and if you can’t stand the heat, you should hand over the responsibility વાક્યમાં સૂક્ષ્મ અર્થમાં નજરે પડે છે. પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળવો ખાવાના ખેલ નથી. જો મુશ્કેલી પડતી હોય તો જવાબદારી બીજા કોઈને સોંપી દેવી જોઈએ.
—————–
तापट, रागिष्ट वगैरे
ગુજરાતીની માફક મરાઠીમાં સુધ્ધાં ગરમી, ઉકળાટ માટે વિવિધ શબ્દો છે. આ શબ્દો વાતાવરણ-હવામાનનું વર્ણન કરવાની સાથે સાથે માનવ સ્વભાવની લાક્ષણિકતા પર પણ પ્રકાશ ફેંકે છે. મરાઠીમાં उकाडा શબ્દ છે. ગુજરાતીમાં આપણે જેને ઉકળાટ, બફારો કહીએ છીએ એ માટે મરાઠી શબ્દ.ह्या वर्षी उकाडा जरा जास्त ज जाणवतो आहे. આ વર્ષે ઉકળાટ-બફારો જરા વધારે જ છે. ગરમીની વાત કરીએ એટલે પરસેવાની વાત અનિવાર્ય રીતે કરવી પડે. પરસેવા માટે મરાઠી શબ્દ છે घाम. घाम गाळणे એટલે પરસેવો પાડવો, ખૂબ મહેનત-પરિશ્રમ કરવાં.शेतकरी दिनरात शेतात मेहनत करून आपला घाम गाळतो. ખેડૂત દિવસરાત ખેતરમાં કામ કરી પરસેવો પાડતો હોય છે. મતલબ કે ભારે પરિશ્રમ કરતો હોય છે. घाम પરથી યાદ આવેघामोळी જેનો અર્થ અળાઈ થાય છે. હવે દિમાગમાં ચડતી ગરમીના સંદર્ભમાં ઉદાહરણ જોઈએ. ક્ષુલ્લક કારણોસર ગુસ્સો કરનારા, સંતાપ કરનારા લોકો માટે तापट, रागिष्ट, शीघ्रकोपी જેવા શબ્દો છે. मनोज आपल्या कामात खूप ज हुशार असून ही तापट स्वभावामुळे प्रमोशन मिळाल नाही, મનોજ કામકાજમાં ખૂબ જ હોશિયાર, અફાટ આવડત છે એનામાં, પણ નાની અમથી વાતે ગુસ્સો કરવાના એના સ્વભાવને કારણે તેને પ્રમોશન ન મળ્યું.
————–
गर्मी और दिमाग
હિન્દી ફિલ્મના ઈતિહાસ પર નજર નાખતાં જાણવા મળે છે કે ઠંડી મોસમ પર જેટલાં ગીત લખાયાં છે એના દસમા ભાગનાં પણ ગરમી પર નથી લખાયાં. કદાચ ઠંડા વાતાવરણમાં દિમાગમાં વધુ કલ્પનાના ઘોડા દોડતા હશે, જ્યારે ગરમીમાં એ ઘોડા નીંદર કરતા હશે. આશરે ૮૫-૯૦ વર્ષ જૂના પંકજ મલિકના યાદગાર ગીતये राते ये मौसम ये हंसना हंसाना’માં એક પંક્તિ આવે છે ये दो गर्म सांसौ का इक साथ आना જેમાં નિકટતાનો ભાવ પ્રગટ થાય છે. એની સામે ત્રણ વર્ષ પહેલાં આવેલી ‘સ્ટ્રીટ ડાન્સર ૩ ડી’ ફિલ્મમાં બાદશાહ-નેહા કક્કડે ગાયેલા યુગલ ગીતનું ઉદાહરણ જોઈએ. ‘ગર્મી’ તરીકે લોકપ્રિય બનેલા આ ગીતની પંક્તિઓ જુઓ: पारा इतना हाई की थर्मामीटर टूट गया, सैंया जी का टपक टपक के हाय पसीना छूट गया.. પછી આગળ પંક્તિઓ આવે છે કે गर्मी कहते हैं किसको, तू मुझको गले लगा के देख. સૂક્ષ્મ ભાવની બાદબાકી થઈ ભાવ સાવ સ્થૂળ થઈ જાય છે જે આજની પેઢીને પસંદ છે. गर्मी खाना એ પ્રચલિત રૂઢિપ્રયોગ છે જેનો અર્થ રુઆબ છાંટવો એવો થાય છે. आज बोस मुझ से ओफिस में कुछ ज्यादा ही गर्मी खा रहा था. દિમાગને ગરમી સાથે નિકટનો નાતો હોવાનું દેખાય છે. રુડપળઉં ઇંળજ્ઞ ઉંપી ખઝણળ એટલે અભિમાનનો અતિરેક, મગરૂરીથી
ચાલવું. જોકે, दिमाग को गर्मी चढना એટલે સાવ પાગલ જેવી કે ગાંડીઘેલી વાત કરવી. શબ્દફેરથી કેવો અર્થફેર થાય છે એ આપણે હવે જોઈએ. दिमाग पर चढना એટલે
ઘમંડ ઊતરી જવો કે દિમાગ ઠેકાણે આવી જવું, વાસ્તવિકતા સમજાઈ જવી. ગરમીના અર્થ સંબંધિત એક કિસ્સો જાણવા જેવો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને દિલ્હીની મોસમ વિશે હિન્દીમાં લખવા માટે કહેવામાં આવ્યું હતું. એક વિદ્યાર્થીએ દિલ્હીની ગરમી વિશે લખ્યું કે ્રૂदिमाग की गर्मी उतारना એને ગર્માગર્મીનો અર્થ પૂછવામાં આવતાં વધુ પડતી ગરમી વિશે એનો પ્રયોગ થતો હશે. જોકે ઉત્તેજના, વિવાદાસ્પદ એવો એનો અર્થ થાય છે એનો ખુલાસો કરવામાં આવતાં હાસ્યનું મોજું ફરી વળ્યું.