સુખનો પાસવર્ડ – આશુ પટેલ
વચન વિવેકી જે નરનારી પાનબાઈ !
તેને બ્રહ્માદિક લાગે પાય;
જથારથ વચનની સાન જેણે જાણી પાનબાઈ !
તેને કરવું હોય તેમ થાય
વચનમાં સમજે તેને મહાસુખ થાય રે,
ઈ તો ગત રે ગંગાજી કહેવાય;
એકમના થઈને આરાધ કરે તો તો,
નકલંક પરસન થાય
વચને થાપ અને વચને ઉથાપ પાનબાઈ !
વચને મંડાય જો ને પાઠ રે;
વચનના પૂરા તે તો નહિ રે અધૂરા,
વચનનો લાવો જો ને ઠાઠ
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ,
વચન છે ભક્તિનું જોને અંગ;
ગંગાસતી એમ બોલિયાં રે,
કરવો વચનવાળાનો સંગ
વચન વિવેકી જે નરનારી પાનબાઈ !
તેને બ્રહ્માદિક લાગે પાય.
– ગંગા સતી.
આ અદભુત ભજન ગંગાસતી રચી ગયાં છે. ગંગાસતીનાં ભજનો સમજીને જીવનમાં ઉતારી લઈએ તો બીજું કશું વાંચવા – જાણવાની જરૂર ન રહે.
ગંગાસતી વિશે આજે થોડું જાણીએ અને પછી ઉપરોક્ત ભજન વિશે વાત કરીએ.
પાલિતાણાથી આશરે ૩૫ કિલોમીટરના અંતરે રાજપરા નામનું એક નાનકડું ગામ છે એ ગામમાં શ્રીભાઈજીભા સરવૈયા અને રૂપાળીબાને ત્યાં ગંગાસતીનો જન્મ થયો હતો.ભાઈજીભા અને રૂપાળીબા ધર્મપરાયણ હતાં. ગંગાસતીના બાળપણમાં સૌ તેમને ગંગાબા અથવા હીરાબાના નામથી ઓળખતા હતાં. ગંગા સતીએ જેમને ઉદ્દેશીને ભજનો રચ્યા એ પાનબાઈનો જન્મ પણ રાજપરા ગામમાં જ થયો હતો (પાનબાઈ વિશે એવું કહેવાય છે કે તેઓ ગંગાસતીના પુત્રવધૂ હતાં, પરંતુ નિવૃત્ત આઈપીએસ અધિકારી મજબુતસિંહ જાડેજાએ વર્ષો સુધી રઝળપાટ કરીને ગંગાસતીના જીવન વિશે સંશોધન કર્યું અને ગંગાસતીના વખતના ઈતિહાસના પુરાવાઓ સાથે એક પુસ્તક લખ્યું એમાં કહ્યું છે કે ગંગાસતી અને પાનબાઈનો સંબંધ સાસુ – વહુનો નહોતો. એ પુસ્તકનું શીર્ષક છે: ‘શ્રી કહળસંગ ભગત અને ગંગાસતી’ અને ‘પાનબાઈની પ્રેરક જીવનકથા’. એ પુસ્તકમાં ગંગાસતીના જીવનની શક્ય એટલી હકીકતો શોધીને તેમણે લખી છે).
પાનબાઈ એ જ ગામના હમીરભાઈ ખવાસનાં દીકરી હતાં. પાનબાઈ અને ગંગાબાની ઉંમર લગભગ સરખી હતી. બંને બાળપણથી જ ધર્મપરાયણ હતાં. તેમને બંન્નેને એકબીજા સાથે ખૂબ સારું બનતું હતું.
પાનબાઈને સૌ પાનકીના નામથી ઓળખતા હતા. ગંગાબાને કારણે પાનબાઈ પણ ધર્મમય જીવન તરફ વળ્યાં હતાં.
ગંગાસતીનાં લગ્ન ૧૮૬૪માં સમઢિયાળા ગામના કહળસંગ ગોહિલ સાથે થયાં હતાં. ભાવનગર જિલ્લાના ધોળા જંકશન રેલવે સ્ટેશનથી નવ કિલોમીટર દૂર કાળુભાર નદીના કાંઠે સમઢિયાળા ગામ છે એ ગામમાં કલાજી ગોહિલ (જે કલભાબાપુ તરીકે ઓળખાતા હતા) અને વખતુબાને ત્યાં ૧૮૪૩માં કહળસંગજીનો જન્મ થયો હતો. નાનપણથી જ કહળસંગજીના મનમાં ભક્તિભાવ હતો. ગિરનારના કોઈ યોગી સાથે તેમની મુલાકાત થઈ અને તેઓ ધર્મ અને આધ્યાત્મિકતા તરફ વધુ ઢળી ગયા.
તે યોગીએ તેમને માર્ગદર્શન આપ્યું કે સંસારની વચ્ચે રહીને પણ ઈશ્ર્વરની ખોજ કરી શકાય.
જયારે ગંગાબાના લગ્ન કહળસંગ ગોહિલ સાથે થયાં ત્યારે પોતાની સખી રાજપરા ગામ છોડી દેશે એ ખ્યાલથી પાનબાઈ વ્યથિત થઈ ગયાં. એ વાત ગંગાબાના ધ્યાનમાં આવી. એ સમયમાં ક્ષત્રિય કુટુંબોમાં દીકરી સાસરે જાય ત્યારે તેને સાસરામાં ઘરકામમાં મદદ મળે એ હેતુથી સાસરે જતી દીકરીની સાથે એક સ્ત્રીને ચાકર તરીકે મોકલવાનો રિવાજ હતો. પાનબાઈ અને તેનાં માતાપિતાની મરજીને કારણે ગંગાસતી પાનબાઈને પોતાની સાથે પોતાના સાસરે સમઢિયાળા લઈ ગયાં હતાં.
ગંગાબા અને કહળસંગ પૂજાપાઠ, ધર્મધ્યાન અને સાધનામાં વ્યસ્ત રહેતા અને ઘરકામમાં મદદ કરતાં કરતાં પાનબાઈ પણ એ પ્રવૃત્તિઓમાં સહભાગી થતાં રહેતાં.
ગંગાબા અને કહળસંગજીના ઘરમાં સાધુસંતોની અવરજવર રહેતી. તેમને આદરસત્કાર મળતા અને તેમની ખૂબ સેવા થતી. ગંગાબાએ બે પુત્રીઓને જન્મ આપ્યો હતો. મોટી દીકરી બાઈરાજબાનો જન્મ ૧૮૬૬માં અને નાની દીકરી હરિબાનો જન્મ ૧૮૬૮માં થયો હતો. તેમણે બંને પુત્રીઓનો સારી રીતે ઉછેર કરીને તેમને સારા ઘરમાં સાસરે વળાવી હતી.
કહળસંગજી સંત કહળસંગ અથવા ભગતબાપુના નામથી ઓળખાતા થઈ ગયા હતા. ગંગાબા અને કહળસંગજીના ભક્તિભાવની અને તેમની ધર્મપરાયણતાની વાતો ફેલાતી
ગઈ તેમતેમ તેમને મળવા આવનારા લોકોની સંખ્યા વધતી ગઈ.
ભક્તિ-ભજન પૂજાપાઠ સાધનામાં વિક્ષેપ ન આવે, અવરોધ ન આવે એ માટે પરિવારના સભ્યોની સંમતિ સાથે કહળસંગજી ગામની બહાર પોતાની વાડીમાં ઝૂંપડી બાંધીને ત્યાં રહેવા ચાલ્યા ગયા.
કહળસંગ અને ગંગાબા સંતને છાજે એવું જીવન જીવતાં હતાં, પણ એક વખત કહળસંગજીને અહંકાર આવી ગયો. તેમને કોઈએ મહેણું માર્યું એ વખતે તેમના મનમાં મહેણું મારનારા માણસને બતાવી દેવાનો અહમ જાગ્યો (લોકવાયકા એવી છે કે તેમણે સાપના દંશથી મૃત્યુ પામેલી એક ગાયને સજીવન કરી દીધી હતી). એ વખતે ગંગાબાએ કહ્યું, “ભગત, તમે બહુ ઉતાવળ કરી. તમે અગાઉ જે કરતા હતા એ કેવળ કરુણાના ભાવથી કરતા હતા, પરંતુ તમે આ કામ એક અજ્ઞાની માણસે મારેલા મહેણાને કારણે કર્યું છે. ભક્તિમાર્ગમાં અહંકાર ન હોય, ભગત.
કહળસંગજીને વાત સમજાઈ ગઈ. એ પછી તેમણે ત્રણ દિવસ એકાંતમાં ચિંતન કર્યું અને ત્યાર બાદ જાહેર કર્યું કે હવે આ દુનિયામાંથી જવાનો મારો સમય પાકી ગયો છે. મારામાં જાગેલા અહંકારભાવનું પ્રાયશ્ર્ચિત કરવા માટે હું સમાધિ લઈશ.
કહળસંગજીએ જીવતા સમાધિ લેવાનો નિશ્ર્ચય કર્યો એ વખતે ગંગાસતીએ તેમને કહ્યું કે “તમારા સમાધિ લેવાના તમારા વિચાર સાથે હું સહમત છું, પરંતુ હું પણ તમારી સાથે જ આવીશ. હું તમને એકલા નહીં જવા દઉં.
ભગતબાપુ તરીકે ઓળખાતા કહળસંગજીએ કહ્યું કે “ના. તમારો જવાનો સમય પાક્યો નથી. તમે મારી સાથે આવો એનો વાંધો નથી, પરંતુ હજી એક કામ બાકી છે. આ પાનબાઈએ જિંદગી આખી આપણી સેવા કરી છે. તેમનામાં પણ જ્ઞાન મેળવવાની ઝંખના છે એટલે તેમને આવી રીતે અડધા રસ્તે મૂકીને જવાય નહીં. હું તો જાઉં છું પણ તમે રોકાઈ જાઓ. પાનબાઈને પૂર્ણતાનો અનુભવ કરાવી દો. પછી તમે સુખેથી આવજો. અત્યારે આપણે બેઉં સાથે સમાધિ લઈશું તો આપણા ઘરનો ધર્મ લાજશે.
ગંગાસતીએ કહળસંગજીની વાત માની લીધી અને કહળસંગજીએ ૨૧ જાન્યુઆરી,૧૮૯૪ના દિવસે જીવતે જીવ દેહ ત્યાગી દીધો.
કહળસંગજીએ ગંગાબા પાસેથી વચન લીધું હતું એટલે કહળસંગજીએ સમાધિ લીધી એના બીજા જ દિવસથી ગંગાસતીએ પાનબાઈને ભક્તિના પાઠ ભણાવવાનું શરૂ કર્યું.
ગંગાસતી રોજ એક ભજન રચતાં અને પાનભાઈને તેનો ભાવાર્થ, એમાં છુપાયેલો ગૂઢ અર્થ સમજાવતાં.
આમ ૫૨ દિવસ સુધી તેમણે પાનબાઈને રોજ એક ભજન રચીને સંભળાવ્યું અને એનો અર્થ પણ સમજાવ્યો. તેમણે પાનબાઈને ભક્તિ, યોગ અને જ્ઞાનની પૂરી સમજણ આપી અને સાથે તેમને મનની જાગૃતિ માટે જરૂરી એવા પુરુષાર્થ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને સેવાના પાઠ પણ ભણાવ્યાં. પાનબાઈ પોતે પણ આધ્યાત્મિક વ્યક્તિ હતાં. ગંગાસતીને કારણે પાનબાઈને પણ પૂર્ણતાનો અનુભવ થયો.
ગંગાસતીએ પતિને આપેલું વચન પૂરું કર્યું. કહળસંગજીએ જે દિવસે દેહ ત્યાગી દીધો એ જ દિવસે ગંગાસતીએ માનસિક રીતે જીવનનો ત્યાગ કરી દીધો હતો, પરંતુ પતિની ઇચ્છાને તેઓ આદેશ માનતા હતા એટલે કહળસંગજીએ આપેલું કામ પૂર્ણ કરીને પાનબાઈને ૫૨ ભજનોમાં આખા જીવનનો સાર સમજાવીને તેમણે દેહત્યાગ કરવાનો નિર્ણય લીધો તેમણે પાનબાઈને ૫૨ દિવસોમાં ૫૨ ભજનો રચીને સંભળાવ્યા એ પછી બીજે જ દિવસે ૧૫ માર્ચ, ૧૮૯૪ના દિવસે સમાધિ લઈ લીધી.
સમઢિયાળા ગામમાં આજે પણ કહળસંગબાપુ અને ગંગાસતીની સમાધિ અસ્તિત્વમાં છે.
ગંગાસતીનાં તમામ ભજનો કંઠસ્થ કરવા જેવા છે અને જીવનમાં ઉતારવા જેવા છે. ગંગાસતીએ માત્ર ૫૨ ભજનમાં જીવનનો સાર આપી દીધો છે.
લેખ થોડો લાંબો થઈ ગયો છે એટલે ઉપરોક્ત ભજન વિશે આવતા રવિવારે વાત કરીએ.