મનને ગમે એ રીતે જીવવા માટે જોખમ ઉઠાવવાની તૈયારી રાખવી જોઈએ

ઉત્સવ

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

એક યુવાને કહ્યું કે “મારા પિતા જોખમ ઉઠાવવા નથી દેતા, નહીં તો મારે દેશ માટે કશુંક કરી છૂટવું છે ત્યારે…

થોડા સમય અગાઉ એક પરિચિત વ્યક્તિનો યુવાન પુત્ર મને મળવા આવ્યો. તેણે તેના પિતા વિશે ફરિયાદના સૂરમાં કહ્યું કે “તમે મારા પિતાને સમજાવો. અમે ફલાણો ધંધો કરીએ એમાં સરકારી અધિકારીઓને સાચવવા પડે છે. અને એ મને સહેજ પણ પસંદ નથી. તેણે પોતાના કેટલાક આઇડિયાઝ મને કહ્યા અને મને વિનંતી કરી કે “તમે મારા પિતાને સમજાવો કે આ આઇડિયાઝ થકી હું કમાણી પણ કરી શકીશ અને દેશના વિકાસમાં પણ આડકતરી રીતે યોગદાન આપી શકીશ. તેણે ઉમેર્યું કે “મારા પિતા મને કહે છે કે તારે તારી રીતે જીવવું હોય તો હું તને ઘરમાંથી તગડી મૂકીશ!
મેં તે યુવાનને આશ્ર્વાસન આપ્યું કે હું તારા પિતા સાથે વાત કરીશ, પણ સાથેસાથે મેં તેને સલાહ પણ આપી કે પોતાને ગમતું જીવન જીવવા માટે જોખમ ઉઠાવવાની તૈયારી રાખવી જોઈએ. એ વખતે મને મહાન દેશભક્ત દાસબાબુ એટલે કે ચિત્તરંજન દાસના જીવનની વાત યાદ આવી એટલે મેં તેની સાથે શેર કરી હતી.
૧૯૦૫ના વર્ષમાં અંગ્રેજ સરકારે બંગભંગનો (બંગાળના ભાગલાનો) કાયદો જાહેર કર્યો. એના કારણે બંગાળના લોકોમાં (અને સાથે દેશભરની પ્રજામાં પણ) રોષ ભભૂકી ઊઠ્યો હતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે બંગાળના ભાગલાને મિટાવવા માટે ૧૬ ઑક્ટોબર, ૧૯૦૫ના દિવસને ‘રક્ષાબંધન દિન’ જાહેર કર્યો. બંગાળ રાજકીય વિરોધથી ગાજવા માંડ્યું. એ વખતે સ્વાતંત્ર્યના આગ્રહી અરવિંદ ઘોષ વડોદરામાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. ચિત્તરંજન દાસ તેમને આગ્રહ કરીને બંગાળમાં પાછા લાવ્યા અને અરવિંદ ઘોષ ‘વંદે માતરમ’ના તંત્રી બન્યા. એ પછી ‘વંદે માતરમ’, ‘સંધ્યા’ અને ‘યુગાન્તર’ જેવાં માધ્યમોના પ્રકાશકો સામે અંગ્રેજ સરકારે અનેક કેસ ઠોકી દીધાં. દાસબાબુએ એ પ્રકાશકોની વતી અંગ્રેજ સરકાર સામે અદાલતોમાં કેસ લડ્યા. અંગ્રેજોએ અરવિંદ ઘોષને એક બૉમ્બ ફેક્ટરી કેસમાં સંડોવી દીધા અને તેમની સામે સેંકડો બનાવટી સાક્ષીઓ અને પુરાવાઓ ઊભા કરી દીધા. જોકે દાસબાબુ તેમની તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કરીને અરવિંદ ઘોષને નિર્દોષ છોડાવી દીધા. એને કારણે દેશના ચુનંદા વકીલોમાં તેમનું નામ મુકાઈ ગયું.
એ કેસ અગાઉ દાસબાબુની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ચૂકી હતી. વકીલાતમાં નિષ્ફળતાને કારણે તેમને કોઈ આવક થતી નહોતી. વળી તેમના પિતા પર પણ ભારે દેવું ચડી ગયું હતું. આટલું ઓછું હોય એમ તેમણે એક મિત્ર માટે રૂપિયા ચાલીસ હજારની જામીનગીરી આપી હતી. મિત્રએ એ રકમ ચૂકવી નહીં એટલે એ રકમ ચૂકવવાની જવાબદારી દાસબાબુ પર આવી પડી. સ્થિતિ એવી ઊભી થઈ કે તેમણે ૧૯૦૬માં નાદારી નોંધાવી પડી!
જોકે તેમણે અરવિંદ ઘોષને આંટીઘૂંટીવાળા કેસમાંથી નિર્દોષ છોડાવ્યા એ પછી તેમનું નામ થઈ ગયું અને તેઓ વકીલ તરીકે અત્યંત સફળ થઈ ગયા. એક સદીથી વધુ સમય અગાઉ તેઓ દર મહિને ૫૦ હજાર રૂપિયા કમાવા માંડ્યા હતા. જોકે અમુક વર્ષ સુધી સફળ વકીલ તરીકે પ્રેક્ટિસ કર્યા પછી દાસબાબુના જીવનમાં અચાનક નવો વળાંક આવ્યો. આ દરમિયાન જ તેઓ દાસબાબુ તરીકે ઓળખાવા માંડ્યા.
૧૯૧૮માં દાસબાબુની ગાંધીજી સાથે મુલાકાત થઈ. એ સમય દરમિયાન દેશભરમાં અસહકારનું આંદોલન વેગ પકડી રહ્યું હતું. દાસબાબુને એ આંદોલનમાંથી બહુ આશા નહોતી, પણ ૧૯૧૮માં નાગપુરમાં કૉંગ્રેસના અધિવેશનમાં તેઓ ગાંધીજીને મળ્યા અને તેમના વિચારો પલટાઈ ગયા. તેમણે બેરિસ્ટર તરીકે થતી ધરખમ કમાણી છોડી દીધી અને તેમણે બંગાળના ગામડે ગામડે ફરીને લોકોમાં અસહકાર આંદોલન માટે જાગૃતિ લાવવાનું બીડું ઝડપ્યું. અંગ્રેજ સરકારે તેમને અને તેમના પત્ની વાસંતીદેવીને જેલમાં ધકેલી દીધા પણ એથી સહેજ પણ ગભરાયા વિના જેલમાંથી બહાર નીકળ્યા પછી તેમણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. એ દરમિયાન તેમણે ‘ફોરવર્ડ’ સામયિક શરૂ કર્યું હતું અને તેના કાર્યકારી તંત્રી આઈ.સી.એસ. થયેલા સુભાષચંદ્ર બોઝને બનાવ્યા હતા!
જોકે ૧૯૨૫માં બેલગામના કૉંગ્રેસ અધિવેશન પછી તેઓ બીમારીમાં પટકાયા, પણ એ અગાઉ તેમણે અંગ્રેજ સરકારને ધારાસભામાં હંફાવ્યા હતા. પોતાનો અંત નજીક આવી ગયો છે એવું સમજી ગયા છતાં તેમણે છેવટ સુધી પ્રવૃતિઓ ચાલુ રાખી અને ૧૬ જૂન, ૧૯૨૫ના દિવસે તેઓ મૃત્યુ પામ્યાં ત્યારે તેમની પાસે કોઈ સંપત્તિ નહોતી. તેમણે તેમની તમામ મૂડી દેશ માટે ખર્ચી નાખી હતી અને પોતાની સ્થાયી મિલકતનું ટ્રસ્ટ બનાવી દીધું હતું. તેમના મૃત્યુ પછી સ્મશાનમાં ગાંધીજીએ કહ્યું કે, ‘મનુષ્યો વચ્ચેથી આજે એક દેવ વિદાય થયો છે.’
દાસબાબુ એક સફળ વકીલ તરીકે સલામતીભર્યું જીવન વિતાવી શક્યા હોત, પણ તેમણે પોતાને ગમતું જીવન જીવવા માટે તેમણે અસલામતી અને સંઘર્ષને સામે ચાલીને આમંત્રણ આપ્યું હતું.
સાર એ છે કે પોતાને ગમે એ રીતે જ જીવવું જોઈએ અને મનગમતું જીવન વિતાવવા માટે કોઈપણ કિંમત ચૂકવવાની તૈયારી રાખવી જોઈએ.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.