મહાઠગ સુકેશ ચંદ્રશેખર હાલમાં તિહાર જેલમાં બંધ છે. મની લૉન્ડરિંગ કેસની તપાસમાં જ્યારે સુકેશ ચંદ્રશેખરની છેતરપિંડીની કહાની દુનિયાની સામે આવવા લાગી ત્યારે શ્રીલંકાના મૂળની ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ તેમાં જોડાયું હતું. હાલમાં તે મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેકલીને પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યું છે કે સુકેશે તેનું જીવન બરબાદ કરી દીધું છે. પોતાના નિવેદનમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે સુકેશે પોતાને સન ટીવીનો માલિક ગણાવ્યો હતો અને એટલું જ નહીં, તેણે તમિલનાડુના સીએમ જે જયલલિતાને પોતાની કાકી ગણાવી હતી.
જેક્લીને કોર્ટમાં જણાવ્યું હતું કે ચંદ્રશેખરે તેને કહ્યું હતું કે તે તેનો ખૂબ મોટો પ્રશંસક છે અને તેણે જ તેને સૂચવ્યું હતું કે દક્ષિણ ભારતીય ફિલ્મો પણ કરવી જોઈએ. તેણે એમ પણ જણાવ્યું હતું કે સન ટીવીના માલિક હોવાના કારણે તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. આપણે સાથે મળીને દક્ષિણ ભારતની ફિલ્મોમાં પોતાને અજમાવવો જોઈએ. સુકેશે તેને ગેરમાર્ગે દોરી હતી અને તેનું જીવન અને આજીવિકા બંને બરબાદ કરી દીધી. તેને ઘણી પાછળથી ખબર પડી કે ચંદ્રશેખર ગુનેગાર છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. સુકેશના ગુનાહિત પૃષ્ઠભૂમિની જાણ થયા બાદ તેને તેના અસલી નામ વિશે પણ માહિતી મળી હતી. પિંકી ઈરાનીને સુકેશ વિશે સંપૂર્ણ જાણકારી હતી. પરંતુ તેણે ક્યારેય કહ્યું નહીં. ઈરાનીએ જ સુકેશનો પરિચય કરાવ્યો હતો.
મુંબઈ સ્થિત ઈરાનીની નવેમ્બર 2022 માં દિલ્હી પોલીસના EOW દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ચંદ્રશેખર, જે હાલમાં જેલમાં છે, તેના પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ જેવા હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ સહિત ઘણા લોકોને છેતરવાનો આરોપ છે.