પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શુક્રવારે સવારે થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું છે. આ વિસ્ફોટ ઉચ્ચ બજાર, યુનિવર્સિટી અને સરકારી ઓફિસ વિસ્તારની નજીક થયો હતો. આ હુમલામાં ઘણા પોલીસ ઘાયલ થયા હતા. સ્પેશિયલ એન્ટી ટેરર ફોર્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષા અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ શરૂ કરી હતી.
અહેવાલો અનુસાર પોલીસ અધિકારીએ એક શંકાસ્પદ કારને નિયમિત ચેકિંગ માટે રોકી હતી અને શંકાસ્પદની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો, તે સમયે તેમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે એક મહિલા અને એક પુરૂષને એક કારમાં જોયાહતા. તેમને આ વાહન શંકાસ્પદ લાગતા તેની તલાશી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે દંપતી કારમાંથી બહાર આવ્યું હતું. પોલીસ અધિકારીઓ દ્વારા જ્યારે પુરૂષની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે તેણે કોઇ બહાનુ બતાવીને પોતાની કારની અંદર ગયો હતો અને ત્યાર બાદ પોતાને વિસ્ફોટ કરી દીધો હતો, જેને કારણે નજીક ઊભેલા એક પોલીસ અધિકારીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા
ઈસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને કહ્યું હતું કે મોટો આતંકી હુમલો ટળી ગયો. પોલીસની સમયસર કાર્યવાહીને કારણે, શહેરને મોટા આતંકવાદી હુમલાથી બચાવી લેવામાં આવ્યું હતું. વિસ્ફોટ શા માટે કરવામાં આવ્યો એ અંગે પોલીસ તપાસ ચાલુ છે.