Homeઉત્સવએકાએક મુંબઈથી કૉંગ્રેસ રેડિયો ક્રાંતિ આંદોલનના કાર્યક્રમો પ્રસારિત કરતો થઈ ગયો

એકાએક મુંબઈથી કૉંગ્રેસ રેડિયો ક્રાંતિ આંદોલનના કાર્યક્રમો પ્રસારિત કરતો થઈ ગયો

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

મુંબઈમાં અને આસપાસના પરિસરમાં ચા પીવાની પ્રથા ભારતમાં પોર્ટુગીઝ અને અંગ્રેજો આવ્યા પછી લોકપ્રિય થઈ પડી તે પહેલાં કાળી-કૉફી પીવાતાં હતી. ચાની દાણચોરી મુંબઈથી મોટે પાયે થતાં મુંબઈમાં ચાનું પીણું કિંમતી પીણું ગણાતું હતું અને ચોપડાપૂજનના દિવસે ફૂદીનો, ઈલાયચી, જાયફળ નાખીને બનાવેલી મસાલેદાર ચા પીવડાવવામાં આવતી હતી. ચોપડાપૂજનના દિવસે ચોપડા લખતી વખતે મુંબઈના વાણોતરો શરૂઆતમાં ‘શ્રી રત્નાકરની કૃપા હોજો’ એમ ખાસ લખતા હતા, કારણકે વ્યાપાર માટે વહાણોનો જ વિશાળ પાયે ઉપયોગ કરવામાં આવતો હતો, આજે પણ આ સદીની શરૂઆતના ચોપડાઓ જોતાં આ ‘વાક્ય’ મળી આવશે.
***
પહેલ કરવી એ મુંબઈનો સ્વભાવ છે, જ્યારે ૧૯૪૨ના ઑગસ્ટ મહિનામાં મુંબઈથી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે ‘ભારત છોડો’ના ક્રાંતિ આંદોલનનો આરંભ કર્યો ત્યારે આખા દેશની કલ્પનામાં નહીં હોય તેમ એકાએક મુંબઈથી કૉંગ્રેસ રેડિયો ક્રાંતિ આંદોલનના કાર્યક્રમો પ્રસારિત કરતો થઈ ગયો. ૧૯૪૨ના ઑગસ્ટની ૧૪મી તારીખે કૉંગ્રેસ રેડિયો પરથી પ્રથમ સંદેશના પ્રથમ બોલ આ પ્રમાણે પ્રસારિત થયા:
ઝવશત શત વિંય ઈજ્ઞક્ષલયિતત છફમશજ્ઞ ભફહહશક્ષલ જ્ઞક્ષ ૪૨.૩૪
ખયયિંતિ રજ્ઞિળ તજ્ઞળય ૂયયિ શક્ષ ઈંક્ષમશફ.
મુંબઈના બ્રિટિશ પોલિસ અધિકારીઓ આ સાંભળીને દંગ થઈ ગયા અને કૉંગ્રેસ રેડિયો કેન્દ્રની શોધ આરંભી દીધી; પરંતુ ૧૯૪૨ના નવેમ્બર સુધી આ કૉંગ્રેસ રેડિયો મથક પકડી શકાયું નહોતું.
આ કૉંગ્રેસ રેડિયો સાથે આરંભથી અંત સુધી સંકળાયેલા ડૉ. ઉષા મહેતા આજે પણ મુંબઈમાં રહે છે.
૧૯૪૨ના ઑગસ્ટની ૯મી તારીખે કૉંગ્રેસના નેતાઓેને બ્રિટિશ સરકારે જેલમાં પૂરી દીધા ત્યારે કૉંગ્રેસ રેડિયોની શરૂઆત ‘વોઈસ ઑફ ફ્રિડમ’ તરીકે કરવામાં આવી. ત્યારે આજના જેવા રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, સ્ટિરિયો, ટેલિવિઝન, ટેપરેકોર્ડરની સગવડ ઉપલબ્ધ નહોતી.
‘શિકાગો રેડિયો’વાળા શ્રી નાનિક મોટવાની, વિઠ્ઠલભાઈ ઝવેરી, શ્રી ચંદ્રકાંત ઝવેરી, શ્રી બાબુભાઈ ખખ્ખર સાથે ડૉ. ઉષા મહેતા કૉંગ્રેસ રેડિયો માટે સક્રિય બની ગયાં. એક રેડિયો નિષ્ણાતનો સંપર્ક સાધવામાં આવ્યો અને ટ્રાન્સમિટિંગ સ્ટેશન, ટ્રાન્ઝિસ્ટર, રેકોર્ડિંગ સ્ટેશન વગેરેની વ્યવસ્થા કરી લેવામાં આવી. આ રેડિયો નિષ્ણાત તાજનો સાક્ષી (માફીનો સાક્ષીદાર) બન્યો ન હોત તો આ કૉંગ્રેસ રેડિયોને પકડવા અંગ્રેજોને આકાશપાતાળ એક કરવાં પડ્યાં હોત.
મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે અગ્રગણ્ય નેતાઓને પકડી લેવામાં આવ્યા એટલે સ્વાતંત્ર્યસંગ્રામ આગળ ધપાવવા શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી રામમનોહર લોહિયા, શ્રીમતી અરૂણા અસરફઅલી, ડૉ. ઉષા મહેતા, શ્રી અચ્યુત પટવર્ધન, શ્રી રંગરાવ દીવાકર, ડૉ. એન. એસ. હાર્ડિકર વગેરે ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. ઓલ ઈન્ડિયા રેડિયો .અ.ઈં.છ. ને આ લોકો એન્ટિ ઈન્ડિયા રેડિયો તરીકે ઓળખાવતા હતા. કૉંગ્રેસ રેડિયો માટે દર અઠવાડિયે સ્થળ બદલવું પડતું હતું એટલી પોલીસની ધાક હતી. ત્યારે મકાનો ભાડે સરળતાથી મળી શકતાં હતાં. એટલે જગ્યા બદલવાની ઝાઝી મુશ્કેલી નડતી નહોતી.
શ્રી જયપ્રકાશ નારાયણ, ડૉ. લોહિયા, શ્રી અચ્યુત પટવર્ધન, શેરે કાશ્મીર શ્રી અબ્દુલ્લા વગેરે નેતાઓ રેડિયો મથક પર આવી પ્રવચન આપે એમાં પકડાઈ જવાની જબરી ભીતિ રહેતી હતી.
એટલે જુદે જુદે ઠેકાણે બોલાવી ભાષણનું રેકોર્ડિંગ કરવામાં આવતું અને ત્યારપછી ટ્રાન્ઝિસ્ટર પરથી પ્રસારિત કરવામાં આવતું હતું. રેકોર્ડિંગ વિભાગ શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરી સંભાળતા હતા તો શ્રી બાબુભાઈ ખખ્ખર બ્રોડકાસ્ટિંગ સંભાળતા હતા. સમાચારની શરૂઆત શાયર ઈકબાલના કાવ્ય ‘સારે જહા સે અચ્છા હિન્દોસ્તાં હમારા’થી થતી હતી. અને છેલ્લે બંકિમચંદ્ર ચેટરજીનું ‘વંદે માતરમ્’ ગાવામાં આવતું હતું.
આ કૉંગ્રેસ રેડિયોએ ચટગાંવના બૉમ્બ હલ્લા, જમશેદપુરની હડતાળ, વગેરેના સમાચાર ઓલ ઈન્ડિયા રેડિયો અને વર્તમાન પત્રો કરતાં પ્રથમ આપ્યા હતા.
૧૯૪૨ના નવેમ્બરની ૧૨મી તારીખે મુંબઈના એક મોટા રેડિયો વેપારીની અટક પોલીસે કરી અને એણે બાતમી આપી કે કૉંગ્રેસ રેડિયોના સૂત્રધાર શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરી અને શ્રી બાબુભાઈ ખખ્ખર છે. શ્રી બાબુભાઈની ઑફિસ પર દરોડો પાડવામાં આવ્યો ત્યારે ઉષાબેન મહેતાએ મોઢા પર ભારે વ્યથાના ભાવ લાવીને બાબુભાઈને પોલીસની હાજરીમાં જ પૂછયું કે ‘બાની તબિયત વિશે ડૉક્ટરને શું કહું?’
બાબુભાઈએ કહ્યું: ‘ડૉક્ટરને જઈને તરત જણાવો કે બાની તબિયત ગંભીર અને ચિંતાજનક છે’ એટલું સાંભળીને ડૉ. ઉષાબેન મહેતા બહાર આવ્યાં.
ડૉ. રામમનોહર લોહિયા, શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરી વગેરે રેકોર્ડિંગ કરી રહ્યાં હતાં ત્યાં પહોંચી ગયા અને તેમને ત્યાંથી સાધનસામગ્રી સાથે છટકી જવાની તક મળી ગઈ.
૧૯૪૨ના નવેમ્બરની ૧૨મી તારીખે રાતે જ્યારે કૉંગ્રેસ રેડિયો પર ‘વંદેમાતરમ્’ પ્રસારિત થતું હતું ત્યારે બારણું તોડીને ૫૦ પોલીસો, લશ્કરી ટેક્નિશિયન અને ડેપ્યુટી પોલીસ કમિશ્નર દાખલ થયા અને ડૉ. ઉષા મહેતા અને શ્રી ચંદ્રકાંત ઝવેરીને પકડી લીધાં. કૉંગ્રેસ રેડિયોના ટેક્નિશિયન ઝડપાઈ જતાં તેણે આ સ્થળની બાતમી પોલીસને
આપી હતી.
બીજે દિવસે શ્રી નાનિક મોટવાની અને વિઠ્ઠલ ઝવેરી પકડાઈ ગયા.
આ બધા સામે ખટલો માંડવામાં આવ્યો. કૉંગ્રેસે પણ બચાવ કરવાનો નિર્ણય કર્યો. શ્રી કનૈયાલાલ મા. મુનશી, શ્રી મોતીલાલ સેતલવડ, શ્રી એસ. આર. તેંડુલકર બચાવ પક્ષ તરફથી ઊભા રહ્યા તો પોલીસ તરફથી શ્રી વિમા દલાલ ઊભા રહ્યા હતા. ૧૯૪૩ના અપ્રિલની ૮મી તારીખે સુનાવણી શરૂ થઈ. એકંદરે ૮૦ સાક્ષીઓની તપાસ થઈ.
શ્રી વિઠ્ઠલ ઝવેરી અને શ્રી નાનિક મોટવાની નિર્દોષ છૂટી ગયા. શ્રી ચંદ્રકાંત ઝવેરીને ૧ વર્ષની સખત મજૂરી, શ્રી બાબુભાઈ ખખ્ખરને ૫ વર્ષની સખત મજૂરી અને ડૉ. ઉષા મહેતાને ચાર વર્ષની સખત મજૂરીની સજા ફટકારવામાં આવી હતી.
ડૉ. ઉષા મહેતા સાચા અર્થમાં ગાંધીવાદી છે અને સ્પષ્ટવક્તા છે. એમણે કદી સત્તાની ખેવના કરી નથી.
૧૩૨ વર્ષ પૂર્વે મુંબઈમાં ઊજવાયેલી સાર્વજનિક દિવાળી:
મુંબઈ શહેરમાં જ્યારે ગૅસ કે વીજળીના દીવા નહોતા ત્યારે ૧૮૫૮ના નવેમ્બરની પહેલી તારીખે દિવાળી હતી અને તે જ દિવસે મહારાણી વિક્ટોરિયાએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સરકારનો અમલ બ્રિટિશ સરકાર હસ્તક લેવાની જાહેરાત કરી હતી.
મુંબઈના ટાઉન હોલ સમક્ષ બ્રિટિશ રાજનો ધ્વજ ‘યુનિયન જેક’ લહેરાવવામાં આવ્યો હતો અને તોપોની સલામતી આપવામાં આવી હતી. માહિમથી તે કોલાબા સુધી દીવાઓ સળગાવી રોશની કરવામાં આવી હતી.
બજારગેટ સ્ટ્રીટમાં તો વિવિધ પ્રકારનાં રંગબેરંગી દીવાઓ, ઝુમ્મરોની હરીફાઈ જ જામી હતી. જીવરાજ બાલુ, ખટા મકનજી, ગોકુળદાસ તેજપાલ, મોરારજી ગોકુળદાસ જેવા શ્રીમંત વેપારીઓને પેઢીઓ અહીં જ આવી હતી અને આ પેઢીઓની રોશનીની સજાવટ અનોખી હતી.
આ દિવાળીમાં નાતજાત-ધર્મ-કોમના કોઈ ભેદભાવ નહોતો. ચીન સાથે વેપાર ચલાવનાર વ્હોરા વેપારી ઈબ્રાહિમ નુરુદ્દીનની પેઢીએ ચીની દીવા-ઝુમ્મરની રોશનીની સજાવટ કરી હતી તો ચીન સાથે વેપાર કરનાર પારસી પેઢી મેસર્સ પેસ્તનજી હીરજી ઍન્ડ કંપનીએ ચીની પેઈન્ટિંગ્સનું પ્રદર્શન યોજ્યું હતું અને તે જોવા લોકોની ભારે ભીડ
જામી હતી.
આ ભીડ ખસેડવામાં પોલીસની મદદ લેવી પડતી હતી. ત્યારપછી ચોક્કસ લોકોને જ એ ચિત્રો નજીકથી જોવાની પરવાનગી આપવામાં આવી હતી.
તે સમયે પારસી સમાજની સ્ત્રીઓમાં પણ પડદા પાળવાનો રિવાજ હતો. આ દિવાળીની રોશની જોવા પારસી સ્ત્રીઓ પડદા ફગાવીને નીકળી પડી હતી. આ વિશે તે સમયના વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ અને ‘રાસ્તગોફતાર’માં આ વિશે ઘણી ચર્ચા
જામી હતી.
તે જમાનામાં મુંબઈમાં મોટાં મોટાં મકાનોમાં રોશની કરવા “મશાલચી રાખવામાં આવતા હતા. તે મશાલચી દીવાની સઘળી વ્યવસ્થા કરતા અને રાતે અગિયાર-સાડા અગિયારના સમયે દીવા ઓલવી નાખતા હતા.
મુંબઈ પર ૧૧ મહિના સુધી રાજ કરનાર કેગ્વિન:
મુંબઈનું પાણી જ એવું છે કે એ માણસમાં રહેલી સ્વતંત્રતાની ભાવનાને જાગૃત કરે છે. ઈ.સ. ૧૬૮૧માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લશ્કરમાં મુંબઈ ખાતે કેપ્ટન તરીકે રિચર્ડ કેગ્વિન જોડાયો હતો. અને ત્યારે તેનો પગાર દિવસનો ૬ શિલિંગ હતો અને રહેવા-જમવાની વ્યવસ્થા હતી. આથી સામાન્ય સૈનિકનો પગાર કેટલો હશે એની કલ્પના આવી શકે છે.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અન્ય અધિકારીઓ તાગડાધિન્ના કરતા હતા ત્યારે જીવને જોખમમાં મૂકીને ફરતા લશ્કરી અધિકારીઓ અને સૈનિકોને નિશ્ર્ચિત મર્યાદામાં જ જીવવું પડતું હતું. ત્યાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઈ.સ. ૧૬૩૮માં લશ્કરી ખર્ચમાં કરકસર કરવા પગારમાં ૩૦ ટકા કાપ મૂક્યો. લશ્કર આથી છંછેડાઈ ઊઠ્યું. અંગ્રેજ ગવર્નર ત્યારે મુંબઈમાં નહીં, પણ સુરતમાં રહેતા હતા અને મુંબઈમાં માત્ર ડેપ્યુટી ગવર્નર રહેતા હતા. ૧૬૮૩ના ડિસેમ્બરમાં મુંબઈ ખાતે બ્રિટિશ લશ્કરે બંડ કરવાનો નિર્ણય કર્યો અને કેપ્ટન રિચર્ડ કેગ્વિને સરદારી લીધી. આ સાહસિક માણસે પ્રથમ પગલા તરીકે ડેપ્યુટી ગવર્નર અને તેમનાં સમર્થક અધિકારીઓને પકડીને કેદમાં પૂરી દીધા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાં બે જહાજો ઉપર કબજો કરી લીધો.
આટલું કર્યા પછી લશ્કર અને અન્ય અધિકારીઓની એક બેઠક બોલાવી કેપ્ટન કેગ્વિને જાહેર કર્યું કે આજથી મુંબઈ ઈંગ્લૅન્ડના રાજા બને છે અને
રાજાના નામથી હવે આપણે કારોબાર ચલાવીશું.
આ વાત સુરત પહોંચી, પરંતુ સુરતના ગવર્નર અને અન્ય અધિકારીઓ કેપ્ટન રિચર્ડ કેગ્વિનથી એટલા ડરતા હતા કે સુરતથી જહાજમાં સીધા મુંબઈ બંદરે ઊતરવાનું સાહસ કરી શકયા નહીં. તેઓ પોર્ટુગીઝ તાબેના વસઈ ખાતે આવ્યા અને ત્યાંથી કેપ્ટન કેગ્વિન સાથે પત્રવ્યવહાર કર્યો, પણ કેપ્ટન ગાંઠ્યો નહીં. છેલ્લે આ સમાચાર લંડનમાં રાજાને પહોંચાડવામાં આવ્યા. રાજાએ આથી ફરમાન કાઢ્યું કે કેપ્ટન કેગ્વિને મુંબઈ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપી દેવું અને કોઈ બંડખોરોને સજા કરવામાં નહીં આવે.
અગિયાર મહિના પછી કેપ્ટન કેગ્વિને મુંબઈ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પાછું સોંપ્યું, પણ આ સમય દરમિયાન વહીવટ એવી દક્ષતાથી ચલાવ્યો હતો કે પ્રજા અને વહીવટીતંત્ર બંને કેપ્ટનના રાજથી પ્રસન્ન રહ્યાં હતાં. મુંબઈના સંરક્ષણ માટે આ કેપ્ટન કેગ્વીને માહિમ અને સાયનમાં કિલ્લા બાંધ્યા હતા.
મરાઠાઓ સાથે કેપ્ટન કેગ્વિએ મિત્રતા સ્થાપવાની સફળતા પ્રાપ્ત કરી હતી. પોતાના વિશ્ર્વાસુ અધિકારીઓને છત્રપતિ સંભાજીના દરબારમાં મોકલાવીને મિત્રતાની સંધિ કરી હતી. કેપ્ટન કેગ્વિને મુંબઈને રાજધાની બનાવી હતી અને એટલે જ સુરતથી મુખ્ય મથક મુંબઈ ખસેડવું પડ્યું હતું.
****

RELATED ARTICLES

Most Popular