Homeદેશ વિદેશદેશના પ્રથમ ખાનગી રોકેટનું સફળ પ્રક્ષેપણ

દેશના પ્રથમ ખાનગી રોકેટનું સફળ પ્રક્ષેપણ

પહેલું પ્રાઇવેટ રોકેટ : આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લા પાસે બંગાળના ઉપસાગરના ટાપુ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી દેશનું પહેલું પ્રાઇવેટ રોકેટ ‘વિક્રમ-એસ’ છોડાયું હતું. આ રોકેટ સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીએ બાંધ્યું છે. (તસવીર: પીટીઆઈ)

નવી દિલ્હી: શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી શુક્રવારે સવારે ૧૧.૩૦ વાગ્યે ખાનગી સ્ટાર્ટ-અપ કંપની દ્વારા વિકસિત ત્રણ પેલોડ સાથેનું ભારતનું પ્રથમ ખાનગી રોકેટ – વિક્રમ-એસનું ઐતિહાસિક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
આ મિશન સાથે હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ એરોસ્પેસ નામની કંપની અવકાશમાં રોકેટ લોન્ચ કરનાર ભારતની પ્રથમ ખાનગી સ્પેસ કંપની બની હતી. આ સાથે ખાનગી સ્પેસ કંપની દ્વારા રોકેટ લોન્ચિંગના મામલામાં ભારતનો વિશ્ર્વના અગ્રણી દેશોમાં સમાવેશ થયો છે.
આ ‘સ્ટાર્ટ-અપ’ કંપનીએ એવી જાહેરાત કરી હતી કે અમારી કંપનીનું પ્રથમ મિશન ‘પ્રારંભ’, ત્રણ ગ્રાહકના પેલોડને લઇને જવા માટે શ્રીહરિકોટા ખાતે આવેલા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના લોન્ચપેડ પરથી શુક્રવારે સફળતાપૂર્વક લોન્ચ કરાયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રક્ષેપણને “ઐતિહાસિક ગણાવ્યું હતું અને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ સિદ્ધિ ભારતના એવા યુવાનોની પ્રચંડ પ્રતિભાની સાક્ષી આપે છે જેમણે જૂન, ૨૦૨૦ના સરકારનાં સીમાચિહ્નરૂપ અવકાશ ક્ષેત્રના સુધારાનો સંપૂર્ણ લાભ લીધો છે. ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે! ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગની સફરમાં તે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સિદ્ધિને સક્ષમ
કરવા બદલ ઈસરો અને ઇનસ્પેસને અભિનંદન.
આજે ઈસરોના ચીફ સોમનાથની સાથે પ્રક્ષેપણના સાક્ષી બનનાર કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાષ્ટ્રને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આ ખરેખર એક નવી શરૂઆત અને નવી સવાર છે. શું હું આને અવકાશ કાર્યક્રમની યાત્રાનો નવો પ્રારંભ કહું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અવકાશ ક્ષેત્રને ખાનગી ભાગીદારી માટે ખોલીને આ શક્ય બનાવ્યું છે.
ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક અને પ્રખ્યાત વિજ્ઞાની વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ રૂપે કંપનીએ પોતાના છ મીટર ઊંચા પ્રક્ષેપણ રોકેટોને ‘વિક્રમ’ નામ આપવાનું નકકી કર્યું છે.
આ રોકેટ દ્વારા ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટ-અપ કંપની સ્પેસકિડ્ઝ, આંધ્ર પ્રદેશ સ્થિત એન-સ્પેસટેક અને આર્મેનિયન બાઝૂમક્યુ સ્પેસ રિસર્ચ લેબના ત્રણ ઉપગ્રહો પાંચસો કિમીથી ઓછી ભ્રમણકક્ષામાં અવકાશમાં મોકલાયા હતા.
કેન્દ્ર સરકારે જૂન, ૨૦૨૦માં ખાનગી કંપનીઓ માટે સ્પેસ સેક્ટર ખોલ્યા પછી સ્કાયરૂટ એરોસ્પેસ ભારતમાંથી અવકાશમાં રોકેટ મોકલનાર પહેલી ખાનગી માલિકીની કંપની બની છે.
દેશના સ્પેસ રેગ્યુલેટર, ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ઇનસ્પેસ)ના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા મિશન પ્રારંભની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરતા મને આનંદ થાય છે.
રોકેટે ૮૯.૫ કિમીની ઊંચાઈ અને ૧૨૧.૨ કિમીની રેન્જ હાંસલ કરી હતી, જે તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબની હતી.
રોકેટે યોજના પ્રમાણે કામ કર્યું હતું અને સ્કાયરૂટ એરોસ્પેસે વિવિધ પેટા સિસ્ટમ્સની ક્ષમતા દર્શાવી છે જે ઓર્બિટલ લોન્ચ વ્હીકલમાં જશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ દ્વારા અનાવરણ કરાયેલા આ મિશનમાં ત્રણ પેલોડમાંથી બે સ્થાનિક ગ્રાહકોના છે અને એક વિદેશી ગ્રાહકનો છે.
૬-મીટર ઊંચું લોન્ચ વ્હીકલ એ વિશ્ર્વના પ્રથમ કેટલાક ઓલ-કમ્પોઝિટ રોકેટમાંનું એક છે, જેમાં લોન્ચ વાહનની સ્પિન સ્થિરતા માટે ૩-ડી પ્રિન્ટેડ સોલિડ થ્રસ્ટર્સ છે.
ગોએન્કાએ જણાવ્યું હતું કે ભારતીય ખાનગી ક્ષેત્ર માટે આ એક નવી શરૂઆત છે અને આપણા બધા માટે ઐતિહાસિક ક્ષણ છે.
શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પાસે બે પ્રક્ષેપણ સંકુલ છે, દરેક સંકુલ વાહન એસેમ્બલી, ચેક આઉટ અને કોઈપણ પ્રકારના મિશન – લો અર્થ ઓર્બિટ, જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ માટે સંપૂર્ણ સપોર્ટ પૂરો પાડવા માટે સક્ષમ છે. પીએસએલવી અને જીએસએલવી અહીંથી લોંચ કરવામાં આવે છે.
કંપનીએ જણાવ્યું હતું કે ઈસરો અને ઈન-સ્પેસ (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર)ના અમૂલ્ય સમર્થનને કારણે આટલા ઓછા સમયમાં તેઓ વિક્રમ-એસ રોકેટ મિશન તૈયાર કરી શકયા હતા. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular