રાજસ્થાનના એક નાનાકડા ગામમાં જન્મેલા સરોજ કુમારી આજે દેશના પ્રખ્યાત આઇપીએસ અધિકારી છે. પણ એક સમય એવો હતો જ્યારે તેમને નાના –મોટા સુખ માટે નહીં પણ જીવન જરુરિયાતની વસ્તુંઓ અને મૂળભૂત સુવિધાઓ માટે પણ દોડધામ કરવી પડતી. ગુજરાતના વડોદરાના ડીસીપી સરોજ કુમારીને નાનપણમાં અનેક પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો હતો. સરકારી શાળામાં અભ્યાસથી માંડીને આઇપીએસ અધિકારી બનવા સુધીની સફર ખેડવા એમણે ખૂબ મહેનત કરી છે. જોડિયા બાળકોની માતા એવા સરોજ કુમારીની આ સફર વિશે આખા દેશે જાણવું જોઇએ.
સરોજ કુમારીનો જન્મ રાજસ્થાનના ઝુંઝુન જિલ્લાના ચિરાવા ઉપવિભાગના બુડાનિયા ગામમાં બનવારીલાલ મેઘવાલ અને સેવા દેવીના ઘરે થયો હતો. બનવારીલાલ સેના નિવૃત્ત હતા. પણ તેમની પેન્શન ખૂબ ઓછી હતી. ઘર ચલાવવા માટે સરોજ ખેતરમાં કામ કરી પોતાના પરિવારની મદદ કરતા. એમણે ગામની સરકારી શાળામાં આઠમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. તેમના ગામમાં આગળનું ભણતર શક્ય ન હતું તેથી તેમણે અલીપૂર ગામની સરકારી શાળામાં એડમીશન લીધું. આ સ્કૂલ એમના ગામથી 6 કિલોમીટર અંતર પર હતી. ત્યાં સુધી પહોંચવા માટે કોઇ સાધન પણ નહતું. માટે તેઓ રોજ છ કીલોમીટર ચાલીને સ્કૂલે જતાં હતા. આટલી મહેનત બાદ તેઓ 12માંની બોર્ડની પરિક્ષામાં ટોપર રહ્યાં. ત્યાર બાદ તેમણે જયપુરની મહારાણી કોલેજમાં એડમીશન લીધુ. ત્યાં ભણ્યા પછી તેઓ લેક્ચરર બન્યા, પણ તેમને નાગરીક સેવામાં રસ હતો. અને ત્યાં પણ તેમણે યશ જ મેળવ્યો. તેઓ IPS બન્યા.
IPS સરોજ કુમારીએ 2019માં ડો. મનોજ સૈની સાથે લગ્ન કર્યા. તેમને એક દિકરી અને એક દિકરો એમ જોડિયા બાળકો છે. સરોજ કુમારીના કેટલાંક ફોટો એમના પારંપારિક પરિવેશમાં વાયરલ થતાં એક વેબ સાઇટે તેમના વિષે જાણકારી મેળવી હતી અને તેમની સફળ યાત્રા વિષે લખ્યું હતું. તેમના એ ફોટોને જોઇને કોઇને વિશ્વાસ ન હતો થતો કે એ સરોજ કુમારી જ છે.