નવી દિલ્હી/મુંબઈઃ ગયા મહિના દરમિયાન આઈઆઈટી મુંબઈમાં કથિત રીતે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીના રુમમાંથી એક સ્યૂસાઈડ નોટ મળી હોવાનો પોલીસે દાવો કર્યો હતો.
આત્મહત્યા કરનારા વિદ્યાર્થી (મૂળ અમદાવાદ રહેવાસી દર્શન સોલંકી-18)એ સ્યૂસાઈડ નોટમાં તેના મોત માટે તેના સાથીદારને જવાબદાર ગણાવ્યો છે. ઘટનાના એક મહિના પછી હવે આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે. તપાસકર્તાઓએ દાવો કર્યો છે કે દર્શન સોલંકીએ એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કર્યો છે. મળેલી સ્યૂસાઈડ નોટમાં જે વિદ્યાર્થીનું નામ લેવામાં આવ્યું છે તે તેનો સહપાઠી છે.
પોલીસે કહ્યું હતું કે વિદ્યાર્થી સામે આત્મહત્યા માટે ઉકસાવવાના કિસ્સામાં કેસ નોંધવામાં આવ્યો છે અને હવે બંનેની વચ્ચે શું થયું હતું તેના અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ એસઆઈટીએ જણાવ્યું હતું. અમદાવાદમાં રહેનાર દર્શન આઈઆઈટી મુંબઈમાં બીટેક (કેમિકલ)ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 12મી ફેબ્રુઆરી 2023ના પવઈ ખાતે આઈઆઈટીસ્થિત હોસ્ટેલના સાતમા માળથી તેને ઝંપલાવ્યું હતું, જેમાં તેનું મોત થયું હતું. અનુસૂચિત જાતિનો હોવાને કારણે તેની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો, એવો દર્શનના પરિવારે દાવો કર્યો હતો.
દર્શનની આત્મહત્યા પછી તેની તપાસ માટે આઈઆઈટી બોમ્બે દ્વારા 12 સભ્યની એક ટીમ દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતીય ગયા મહિના દરમિયાન પોલીસે કહ્યું હતું કે આ કેસમાં તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)નું ગઠન કરવામાં આવ્યું છે.