અફડાતફડીમાં અટવાયેલો સેન્સેક્સ અંતે પોઝિટિવ ટેરીટરીમાં ટકી રહેવામાં સફળ, નિફ્ટી ૧૭,૬૦૦ની ઉપર

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારમાં નરમાઇના સંકેત વચ્ચે તેજી અને મંદીવાળાની લેવેચના સોદાને કારણે નેગેટીવ અને પોઝિટીવ જોનમાં ગોથા ખાધા પછી સત્રને અંતે સેન્સેક્સ સાધારણ સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી ૧૭,૬૦૦ની ઉપર પહોંચ્યો હતો.
સત્ર દરમિયાન ૫૯,૧૭૦.૮૭ પોઇન્ટની ઊંચી અને ૫૮,૭૬૦.૦૯ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૫૪.૧૩ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા વધીને ૫૯,૦૮૫.૪૩ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો અને નિફ્ટી ૨૭.૪૫ પોઈન્ટ અથવા ૦.૧૬ ટકા વધીને ૧૭,૬૦૪.૯૫ પર પહોંચ્યો હતો.
અફડાતફડીમાંથી પસાર થવા છતાં નિફ્ટીએ સતત બીજા સત્રને અંતે પણ ૧૭,૫૦૦ની મહત્ત્વની સપાટી ફરી હાંસલ કરી લીધી હોવાથી રોકાણકારોે રાહત અનુભવી છે, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે હાલની બજારની ચાલને ટ્રેન્ડ રિવર્સલ ના ગણી શકાય. અમેરિકાના સર્વિસ સેકટરની તીવ્ર પીછેહઠ નબળી માગનો નિર્દશ કરે છે. યુરોપના ઇન્વેસટર્સ ઓઇલ ક્રાઇસિસની ચિંતા અને આર્થિક મોરચે અનિશ્ર્ચિતતાને કારણે વેચવાલી કરી રહ્યાં છે. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના વાયદામાં બેરલદીઠ ૧.૦૪ ટકાના વધારા સાથે ૧૦૧. ૩ ડોલર નો ભાવ બોલાયો છે. એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૫૬૩ કરોડની લેવાલી નોંધાવી હતી.
સેન્સેકસના શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, લાર્સન એન્ડ ટૂબ્રો, આઇસીઆઇસીઆઇ બેન્ક, પાવર ગ્રીડ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક અને એશિયન પેઇન્ટ ટોપ ગેઇનર શેરોની યાદીમાં હતા. જ્યારે ટાટા સ્ટીલ, ટીસીેસ, ટાઇટન, સન ફાર્મા અને સ્ટેટ બેન્ક ટોપ લૂઝર્સ શેર રહ્યાં હતાં.
શેરબજારમાં એકાએક મંદીનો માહોલ છવાયો હોવા છતાં મૂડી બજારમાં નવા આઇપીઓનો સળવળાટ વધતો જાય છે. એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર પ્લેટફોર્મ ડ્રીમફોક સર્વિસિસનો આઇપીઓ ગણતરીના કલાલોમાં જ ભરાઇ ગયો હતો. આ આઇપીઓ માટે ૯૪,૮૩,૩૦૨ શેરની ઓફર સામે ૧,૦૩,૪૬,૮૭૨ શેરની બિડ મળી હતી, જે ૧.૦૯ ગણું સબ્સ્ક્રિપ્શન દર્શાવે છે.
એસએમઇ આઇપીઓ પણ ઘણા આવી રહ્યાં છે. વિસ્તરણ સાથે અને ડેટનો બોજ હળવો કરવા જેએફએલ લાઇફ સાયન્સસ લિમિટેડ રૂ.૧૮.૧૭ કરોડની પ્રારંભિક જાહેર ઓફર સાથે ૨૫મી ઓગસ્ટે મૂડીબજારમાં પ્રવેશ કરશે અને શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટ થશે.
આ ભરણું રૂ.૫૧ના સિક્યોરિટીઝ પ્રીમિયમ સહિત, રૂ. ૬૧ પ્રતિ ઇક્વિટી શેરના ભાવે, ૨૯,૭૮,૦૦૦ ઇક્વિટી શેરનું છે. કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં ડ્રાય પાઉડર ઇન્જેક્શન્સ, ટેબ્લેટ્સ અને કેપ્સ્યુલ્સ સોલિડ ઓરલ ડોઝ ફોર્મ અને ટેબ્લેટ અને કેપ્સ્યુલ્સ સોલિડ ઓરલ ડોઝ ફોર્મ અને ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. કંપનીએ કેન્યા, નાઈજીરીયા, યમન અને મ્યાનમાર જેવા વિવિધ દેશોમાં ઉત્પાદન કરવા માટે તેમના ઉત્પાદનોની નોંધણી કરી છે.
આ સત્રમાં પણ સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૮૦ ટકા વધીને ૨૪,૯૬૯.૩૪ના સ્તર પર, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯ ટકા વધારાની સાથે ૨૮,૨૫૬.૮૬ પર સ્થિર થયો હતો. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ૦.૧૦-૧.૭૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી ૦.૯૭ ટકાના વધારાની સાથે ૩૯,૦૭૪.૮૫ના સ્તર પર પહોંચ્યો હતો. જ્યારે ઑટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
અગ્રણી શેરોમાં અપોલો હોસ્પિટલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી, કોટક મહિનદ્રા બેન્ક અને એશિયન પેંટ્સ ૦.૭૬-૩.૧૭ ટકા સુધી વધીને બંધ થયા હતા. જ્યારે બીપીસીએલ, ટાટા સ્ટીલ, ડિવિઝ લેબ, ટીસીએસ, ટાઈટન, સન ફાર્મા અને ટાટા ક્ધઝ્યુમર ૦.૭૭-૧.૨૪ ટકા સુધી ઘટીને બંધ થયા હતા.
મિડકેપ શેરોમાં આરબીએલ બેન્ક, એબીબી ઈન્ડિયા, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, સન ટીવી નેટવર્ક અને ઈમામી ૩.૮૩-૧૫.૫૬ ટકા સુધી વધીને બંધ થયા હતા, જોકે અદાણી પાવર, એમફેસિસ, ભારત ઈલેક્ટ્રોનિક, રાજેશ એક્સપોર્ટ્સ અને પીએન્ડજી ૧.૩૯-૫ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મોલકેપ શેરોમાં મેડિકેમિયન બાયો, એસવીપી ગ્લોબલ, ઑરિકોન એન્ટરપ્રાઈઝ, બીજીઆર એનર્જી અને ઈન્ડોસ્ટાર કેપિટલ ૯.૯૮-૨૦.૦૦ ટકા સુધી ઉછળીને બંધ થયા, જ્યારે સ્મોલકેપ શેરોમાં વિધિ સ્પેક, ફોર્બ્સ ગોકક, બ્રાઈટકોમ ગ્રુપ, મંગલમ સિમેન્ટ અને એપ્ટ્સ વેલ્યુ ૩.૮૨-૫.૨ ટકાની નબળાઈ સાથે બંધ થયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.