દેશની બહાર કોઈ પણ જગ્યાએ પ્રવાસ કરવો હોય તો એના માટે પાસપોર્ટની જરૂર પડે છે. હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે કયા દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત છે.
જો તમે એવું માની રહ્યા હોવ કે બ્રિટેનનો પાસપોર્ટ મજબૂત હોય તો તમારી આ ધારણા સદંતર ખોટી છે. આ સવાલનો સાચો જવાબ છે જાપાન. જો તમારી પાસે જાપાનનો પાસપોર્ટ હોય તો તમને 193 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર કયા દેશનો પાસપોર્ટ સૌથી વધુ મજબૂત છે એ નકકી કરવામાં આવે છે. આ સતત પાંચમું વર્ષ છે કે જાપાનનો પાસપોર્ટ સૌથી વધારે મજબુત રહ્યો છે.
આ યાદીમાં સિંગાપોર અને સાઉથ કોરિયા બીજા સ્થાને રહ્યા છે. ત્યાર બાદ જર્મની, સ્પેન, ફિનલેન્ડ, ઈટલી, લેંકઝેબર્ગનું નામ આવે છે. સૌથી છેલ્લો નંબર આ યાદીમાં અફઘાનિસ્તાનનું નામ આવે છે. પાસપોર્ટ પર વિઝા વિના પ્રવેશી શકાય એવા દેશોની સંખ્યાને આધારે આ યાદી તૈયાર કરવામાં આવે છે.
આ યાદીમાં ભારતનો નંબર કેટલામો છે એવો સવાલ થાય એ સ્વભાવિક છે. તો તમારી જાણ માટે કે 109 દેશોની યાદીમાં ભારતનો નંબર 89મો છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિયેશન (IATA) પાસેથી મળતી માહિતી અનુસાર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર આ યાદી તૈયાર કરવામાં આવે છે.