શેરી યુદ્ધ અને શક્તિ પ્રદર્શન

આમચી મુંબઈ

નનામી બાળી: ખારઘરમાં શિવસૈનિકોએ બળવાખોર એકનાથ શિંદેની નનામી બાળી હતી. બીજી બાજુ એકનાથના પુત્ર શ્રીકાંતે શનિવારે થાણેમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. (તસવીરો: અમય ખરાડે)

બળવાખોર નેતાઓની ઓફિસમાં પથરાવ અને નારાબાજી પુણેમાં તાનાજી સાવંતની જ્યારે ઉલ્હાસનગરમાં એકનાથ શિંદેના સાંસદ પુત્રની ઓફિસની તોડફોડ

મુંબઈ: એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ટેકો જાહેર કરતાં ઉદ્ધવ ઠાકરે આક્રમક બની ગયા હતા. આને કારણે હવે શેરી યુદ્ધ ફાટી નીકળ્યું છે. શિવસેનાના કાર્યકર્તાઓ અને એકનાથ શિંદેના જૂથના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. શિવસેનાના કાર્યકતાઓએ રાજ્યના અનેક ઠેકાણે તોડફોડ અને વિરોધ નોંધાવ્યો હતો. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઊથલપાથલ મચી ગઇ છે. એક તરફ એકનાથ શિંદેના સમર્થકો નારાબાજી કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ શિવસેનાના કાર્યકર્તાઓએ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં નારાઓ લગાવ્યા હતા. આને કારણે મહારાષ્ટ્રના અનેક ઠેકાણે પરિસ્થિતિ તંગ બની ગઇ છે. થાણે અને ઉલ્હાસનગર વિસ્તારમાં શિવસેનાના કાર્યકર્તાઓ પુણેમાં બળવાખોર વિધાનસભ્યની અને એકનાથ શિંદેના સાંસદ દીકરાશ્રીકાંતની ઓફિસની તોડફોડ કરી હતી. તો બીજી બાજુ ઉસ્માનાબાદમાં શિવસેનાના કાર્યકર્તાઓએ બળવાખોર વિધાનસભ્યો વિરુદ્ધ નારાઓ લગાવ્યા હતા.
શિવસેનાનું એક જૂથ તાનાજી સાવંતની કાત્રેજ વિસ્તારમાં આવેલી ઓફિસમાં ઘૂસ્યું હતું અને તોડફોડ કરી હતી, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તાનાજી સાવંતની ઓફિસની તોડફોડ એ શરૂઆત છે. ધીરે ધીરે તમામ બળવાખોર વિધાનસભ્યોની ઓફિસનો પણ વારો આવશે, એવું પક્ષના નગરસેવક વિશાલ ધનાવડેએ કહ્યું હતું. બીજી બાજુ ઉસ્માનાબાદ શહેરના રામનગર વિસ્તારમાં આવેલી તાનાજી સાવંતની ઓફિસ નજીક શિવસૈનિકો એકઠા થયા હતા અને નારાબાજી કરી હતી. શિવસૈનિકોએ સાંવતની ઓફિસની બહાર કાળી શ્યાહી પણ ફેંકી હતી. ઉસ્માનાબાદ ખાતે ધ્યાનરાજ ચૌગુલેની ઓફિસની બહાર પણ વિરોધ નોંધાવવા માટે શિવસૈનિકો ભેગા થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કુર્લાના શાખાપ્રમુખ મંગેશ કુડાળકની ઓફિસની બહાર પણ શિવસૈનિકોએ શુક્રવારે રાતે ધમાલ મચાવી હતી. તેમની ઓફિસની બહાર લગાવવામાં આવેલા બોર્ડના તોડફોડ કરવામાં આવી હતી.
દરમિયાન બીજી બાજુ ૮થી ૧૦ જણનું એક જૂથે થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારમાં આવેલી બળવાખોર નેતા એકનાથ શિંદેના સાંસદ દીકરાની ઓફિસની તોડફોડ કરી હતી. એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદે થાણેના કલ્યાણ મતદારવિસ્તારમાંથી સાંસદ છે. શ્રીકાંત શિંદેની ઓફિસ ઉપર પથ્થર ફેંકવામાં આવી રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. ઓફિસની તોડફોડ કરવા આવેલા જૂથ પથ્થર ફેંકતા અને ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં નારાઓ લગાવી રહ્યા હતા. વીડિયોમાં ચાર પોલીસ અધિકારી ઓફિસ પર પથ્થર ફેંકી રહેલા જૂથને પકડવા માટે પીછો કરી રહ્યા હોવાનું પણ દેખાઇ રહ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ અંગે તપાસ ચાલી રહી છે, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે આ કેસમાં પાંચ કાર્યકર્તાઓને તાબામાં લીધા હતા.
સાંસદ શ્રીકાંત શિંદેની ઓફિસની બહાર શિવસૈનિકોએ ધમાલ મચાવ્યા બાદ શિંદેએ શક્તિપ્રદર્શન કર્યું હતું અને કાર્યકર્તાઓની હાજરીમાં પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન રાજ્યમાં અનેક રાજકીય ગતિવિધિઓ જોવા મળી રહી છે. એકનાથ શિંદેની સાથે મોટી સંખ્યામાં ઊભા રહેવા માટે તમે અહીં હાજર છો. થાણેમાં જ નહીં અન્ય ઠેકાણે પણ એકનાથ શિંદેએ કામ કર્યું હોવાથી લોકો તેમની પડખે ઊભા છે. આજે પણ એકનાથ શિંદે પોતે એક શિવસૈનિક છે એવું કહે છે. એકનાથ શિંદે સાથે આજે શિવસેનાના ૪૦ અને અપક્ષના ૧૦ વિધાનસભ્યો છે. મને એવું લાગે છે કે ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું હશે કે મોટી સંખ્યામાં વિધાનસભ્યોએ એકનાથ શિંદે પર વિશ્ર્વાસ રાખ્યો હશે. આ માટે કોઇ તો કારણ હશેને. મનમાં જે ચહલપહલ ચાલી રહી હતી એ હવે સપાટી પર આવી છે. લોકો આટલી મોટી સંખ્યામાં શા માટે હાજર છે, એ પણ વિચારવા જેવો જ પ્રશ્ર્ન છે. દરમિયાન હાલમાં એક જ પક્ષના બે જૂથ બની ગયા હોવાને કારણે તેઓના કાર્યકર્તાઓ હવે સામસામે આવી ગયા છે અને શેરી યુદ્ધ ફાટી નીકળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.