હેન્રી શાસ્ત્રી
બાસ્કેટબોલ અને છાણાં
ટેક્નોલોજીની સગવડ અને અદ્ભુત વિકાસને કારણે આજે દુનિયાના કોઈ પણ ખૂણે બનતી વાત દુનિયાભરમાં ફેલાઈ જતાં વાર નથી લાગતી. છત્તીસગઢના કોઈ ગામની મહિલા છાણાં થાપ્યા પછી એનો જે રીતે હોશિયારીથી ઘા કરી સૂકવવા ભીંતે ચોંટાડી દે છે એનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. છત્તીસગઢના આઈએએસ ઓફિસર અવનીશ શરણ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં છાણાં લીંપી-થાપી તરત જ એ ભીનાં હોય ત્યારે એક હાથથી છુટ્ટો ઘા કરી ભીંત પર યોગ્ય જગ્યાએ જે સિફતપૂર્વક ‘ચોંટાડી’ દે છે એ મહિલાની આવડત જોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. બધાં છાણાં ઊભી લાઈનમાં એકની નીચે એક આબેહૂબ લાગેલાં જોઈ આ વીડિયો સાથે એક લાઈન લખી છે કે ‘ભારતીય બાસ્કેટબોલની ટીમ આ મહિલાને શોધી રહી છે.’ બાસ્કેટબોલની રમતમાં પણ બોલને અચૂક નિશાન સાધી બાસ્કેટની અંદર સેરવવાનો હોય છે. આ વીડિયો ૧૫ લાખથી વધુ લોકોએ જોયો છે અને ‘આપણા દેશમાં આવી અનેક પ્રતિભા છુપાયેલી છે જે શોધી દુનિયાને દેખાડવાની જરૂર છે’ એ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આવી છે. રસોઈકામમાં છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ આપણા દેશમાં વર્ષોથી થતો આવ્યો છે.
———-
ઈરાદાપૂર્વક હોટેલમાં હેરાનગતિ
ફરવા નીકળેલા કે કામસર પ્રવાસ કરી રહેલા લોકો હોટેલની પસંદગીમાં અત્યંત ચીવટ રાખતા હોય છે. આહ્લાદક વાતાવરણ અને ઉત્તમ સગવડનું મહત્ત્વ હોય છે. જોકે સ્વિટ્ઝર્લેન્ડના સાઈલોન નામના ગામની રિક્લીન ભાઈઓની હોટેલમાં ગ્રાહકો ‘આખી રાત ઊંઘ ન આવી’ અને ‘મારા રૂમમાં બહુ જ ઘોંઘાટ હતો’ જેવી ફરિયાદ કરતા જોવા મળે છે. જોકે બંને ભાઈ આ ફરિયાદથી ખુશ છે, કારણ કે તેમણે શરૂ કરેલી ‘ઝીરો સ્ટાર હોટેલ’ દ્વારા જગતને સતાવતી કેટલીક સમસ્યા-તકલીફ પ્રત્યે તેઓ દુનિયા આખીનું ધ્યાન દોરવા માગે છે. મતલબ કે આ હેરાનગતિ ઇરાદાપૂર્વકની છે. રિક્લીન ભાઈઓની હોટેલના રૂમમાં એક ડબલ બેડ છે, બંને બાજુ લેમ્પ સાથે ટેબલ છે અને સૌથી મહત્ત્વની અને ચોંકાવનારી વાત એ છે કે રૂમને કોઈ ભીંત નથી, નથી કોઈ છત કે બારણું. ઉપર ગગન વિશાળ ને આંખ સામે હરિયાળી અને મનોહર પર્વતમાળા. બંધુઓએ ભર રસ્તાના પેટ્રોલ સ્ટેશનની બાજુમાં સુરક્ષા વિનાની અને એકાંત ન આપતી અનોખી ‘ઝીરો સ્ટાર હોટેલ’ બનાવી છે. ગ્રાહકની રાતની ઊંઘ બગાડી આ હોટેલ ક્લાઇમેટ ચેન્જ, યુદ્ધ અને માનવજાતને સતાવતી અન્ય સમસ્યા પ્રત્યે કંઈક કરી છૂટવા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માગે છે. એક જુલાઈથી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ઉપલબ્ધ આ હોટેલ સેવા માટે ડ્રિંક્સ-બ્રેકફાસ્ટ માટે આ અલાયદા રૂમનું ભાડું છે એક રાતના ૨૫,૦૦૦ રૂપિયા. જાગૃતિની પણ કિંમત ચૂકવવી પડે, હેંને!
———-
વર વરો, ક્ધયા વરો, ગેસ્ટનું પેટ ભરો!
ભારતીય લગ્નની એક લાક્ષણિકતા એ છે કે વર અને ક્ધયા પક્ષના પરિવારના સભ્યો વિવિધ જવાબદારીઓ વચ્ચે સતત ઘેરાયેલા રહેતા હોવાથી તેમને લગ્નમાં મહાલવાનો ઓછો સમય મળે છે. અસલી આનંદ તો ગેસ્ટ-મહેમાનો જ લેતા હોય છે. લગ્ન મંડપ કે રિસેપ્શન હોલ પર પહોંચ્યા પછી અનેક મહેમાનો વરવધૂને પોંખવા પહેલાં ખાવામાં કઈ કઈ આઈટમ છે એની જાણકારી મેળવવામાં વધુ આનંદ અનુભવે છે. મેનુ જોઈ લીધા પછી એક્સક્લુઝિવ આઈટમથી શરૂઆત થતી હોય છે. કેટલીક પ્લેટમાં તો વસ્તુઓ સાંકડમાંકડ કરી એવી રીતે ગોઠવવામાં આવે કે જાણે રશ અવર્સનો વિરાર ફાસ્ટનો સેક્ધડ ક્લાસનો ડબ્બો. તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોમાં તો અનરાધાર વરસાદની પરવા કર્યા વિના પેટમાં પધરાવો, સાવધાનની રસમ જોવા મળી રહી હતી. ભોજનની લિજ્જત લેવાઈ રહી હતી ત્યારે અચાનક વર્ષા રાણી વરસ્યાં, પણ મહેમાનો મેદાન છોડવા તૈયાર નહોતા અને રીતસરની ખુરશીને છત્રી બનાવી ટેસથી દરેક આઈટમનો આસ્વાદ લઈ પેટપૂજા પૂરી કરી. વર-વધૂને આશીર્વાદ આપી કવર તો ગમ્મે ત્યારે આપી દેવાય, પ્રથમ તો પેટપૂજા જ કરાય એ આનું નામ.