અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાસ્ત્રી

મમ્મીની માફી બેગને માનવંદના
નાના બાળક સાથે મુસાફરી કરવી આસાન તો નથી જ હોતું. જાતે અનેક તકલીફ અનુભવવી પડે અને સાથી મુસાફરોનાં મહેણાં-ટોણાં અને રોષનો ભોગ બનવું પડે એ છોગામાં. મોટા ભાગના સાથી મુસાફરો બાળક અને મમ્મીના આગમનથી ત્રસ્ત થઈ જતા હોય છે. જોકે તાજેતરમાં સાઉથ કોરિયાના સોલ શહેરથી યુએસના સાન ફ્રાન્સિસ્કો શહેર જતી ૧૦ કલાક લાંબી ફ્લાઇટ વખતે માએ સંભવિત સમસ્યાનો એવો તોડ કાઢ્યો કે બધા ઉતારુઓને અચરજ થયું અને મનોમન ‘માં તુઝે સલામ’ પણ કહી દીધું. મુસાફરી દરમિયાન જો પોતાનું બાળક જોરથી રડે કે ચીસો પાડે તો આગોતરી માફીના સ્વરૂપે એક નાનકડી પ્લાસ્ટિક બેગમાં કેન્ડી, ચ્યુઇંગ ગમ અને ઈયર પ્લગ ખપ પડે તો વાપરવા આપ્યાં. સાથે એક મેસેજ હતો જેમાં લખ્યું હતું કે ‘હેલો હું જેન. હું ચાર મહિનાની છું અને મારી મમ્મી અને દાદીમા
સાથે અમેરિકા જઈ રહી છું. થોડી નર્વસ છું, ગભરાટ પણ છે. પહેલી વાર હવાઈ મુસાફરી કરી રહી છું અને મારા રડવાના અવાજથી તમને ખલેલ પહોંચી શકે છે. શાંત રહેવાની કોશિશ કરીશ, પણ ખાતરી નથી આપતી. જો હું જોરથી ભેંકડો તાણું તો બેગમાં રાખેલી વસ્તુઓ વાપરજો. હેપ્પી જર્ની અને થેન્ક યુ.’
———
પૈસા વાપરવાની ‘નોકરી’
બાપ પરસેવો પાડે અને ઠંડક સંતાનોને થાય એવી ઘટમાળ વર્ષો સુધી જોવા મળી, ખાસ કરીને આપણા દેશમાં. અલબત્ત, હવે ચિત્ર સમૂળગું બદલાઈ રહ્યું છે અને સંતાનો પેરન્ટ્સને કહે છે કે હવે પરસેવો અમે પાડીશું, ઠંડક તમે મેળવો. જોકે એક અમેરિકન ડોટર (દીકરી) જે રીતે પૈસા વાપરી-ઉડાવી રહી છે એ જાણ્યા પછી પેરન્ટ્સને તો પરસેવાના રેલેરેલા જ ઊતરતા હશે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી રહેલા એક વીડિયો અનુસાર રોમા નામની દીકરી પોતાને પ્રોફેશનલ સ્ટે એટ હોમ ડોટર તરીકે ઓળખાવે છે અને માતા- પિતાના પૈસા વાપરવા એ ફુલ ટાઈમ જોબ-નોકરી ગણાવે છે, બોલો. પોતાની આ અનન્ય નોકરીના વીડિયોની ક્લિપ બનાવી એમાં મોંઘીદાટ જ્વેલરી અને ડિઝાઈનર ક્લોથ્સની ખરીદીનું પ્રદર્શન કરે છે. તાજેતરના એક વીડિયોમાં દીકરીબા જણાવે છે કે પોતે એક જ દિવસમાં બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદી ૪,૧૦૦ પાઉન્ડ (આશરે ૪૦,૦૦૦ રૂપિયા) ખર્ચી નાખ્યા હતા. વાત એમ છે કે રોમા પાસે નોકરી નથી. એટલે ‘નવરા બેઠા નખ્ખોદ વાળે’ એ કહેવતને એ નવું સ્વરૂપ આપી રહી છે. અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું!
———–
ઘઉંના બદલામાં ઘર, ૨૧મી સદીમાં બાર્ટર સિસ્ટમ
માણસ રઘવાયો થાય એટલે કંઈ પણ કરવા કે કોઈ પણ હદે જવા તૈયાર થઈ જાય. ચીનમાં રિયલ એસ્ટેટ માર્કેટ એવી કંગાળ અવસ્થાએ પહોંચી ગયું છે કે સેન્ટ્રલ ચાઈનાના એક ડેવલપરે તો ઘર ખરીદવા રોકડા ન હોય તો ઘઉંની ગૂણી સ્વીકારવાની તૈયારી દર્શાવી છે. જૂના જમાનામાં બાર્ટર સિસ્ટમ હતી જ્યારે લોકો વસ્તુ આપી વસ્તુ ખરીદતા હતા. એનું સ્મરણ કરાવતી એક જાહેરખબરમાં ડેવલપરે તેના પ્રોજેક્ટમાં નવું ઘર ખરીદવા ઈચ્છતા લોકોને ૧,૬૦,૦૦૦ યુઆન (આશરે ૧૮ લાખ રૂપિયા)ના ડાઉન પેમેન્ટ માટે એટલી રકમના ઘઉંની ગૂણ પૈસાને બદલે સ્વીકારવાની તૈયારી દેખાડી છે. ખાસ કરીને ખેડૂતોને ઘર લેવા આકર્ષવા માટે મૂકવામાં આવેલી ઓફર દેશવિદેશમાં ચર્ચાનો વિષય બની છે. છથી નવ લાખ યુઆનની કિંમત ધરાવતા આ ઘર વેચવાના આ નવતર નુસખાને સારો પ્રતિસાદ મળતાં અન્ય એક પ્રોજેક્ટના ડેવલપરે ડાઉન પેમેન્ટ માટે એ રકમની કિંમત ધરાવતી લસણની ગૂણ લેવાની પણ તૈયારી દેખાડી. લસણની ઓફરને પણ સારો પ્રતિસાદ મળ્યો અને ૧૫ દિવસના ઓફર સમય દરમિયાન ૩૦ સોદા પર હસ્તાક્ષર થયા હતા. આ વર્ષના પહેલા પાંચ મહિનામાં ચીનના પ્રોપર્ટી માર્કેટમાં વેચાણમાં ૪૮ ટકા ઘટાડો નોંધાતાં આવો અખતરો જોવા મળ્યો છે.
———-
અંગ્રેજીના માસ્તર Doesn’t Know English

ફિલ્મમાં અમિતાભ બચ્ચન ‘ઈંગ્લિશ ઈઝ આ ફન્ની લેન્ગવેજ’ કહીને દર્શકોનું મનોરંજન કરે એ એક વાત છે, પણ અંગ્રેજીના પ્રોફેસર જ્યારે ફની એટલે કે વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ જાય ત્યારે હસવું કે રડવું એ જ ન સમજાય. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહ સાથે વિશિષ્ટ નાતો ધરાવતા બિહારના મોતીહારીના એક કિસ્સાએ રાજ્યની શિક્ષણ અવસ્થાની પોલ ખોલી નાખી છે. સરકારી શાળામાં શિક્ષણ અધિકારીઓ ઇન્સ્પેક્શન માટે ગયા હતા. હેડમાસ્તરને સવાલ કરવામાં આવ્યો કે ‘મૈં વિદ્યાલય જાતા હૂં, મૈં વિદ્યાલય જા રહા હૂં’ વાક્યને અંગ્રેજીમાં અનુવાદ કરી જણાવો. ટ્રાન્સલેશન કરવાને બદલે માસ્તરે મૌન ધારણ કર્યું, કારણ કે તેમને એટલુંય નહોતું આવડતું. હેડમાસ્તરને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કયા વિષય ભણાવો છો? તો જવાબ મળ્યો કે ‘અંગ્રેજી અને સંસ્કૃત.’ ટૂંકમાં અંગ્રેજીના શિક્ષક Doesn’t Know English જેવી હાલત હતી. કેવી દયાજનક અવસ્થા. આવી પરિસ્થિતિમાં કેવા વિદ્યાર્થી તૈયાર થાય એ સમજવું મુશ્કેલ નથી.
———-
રમકડા માટે જીવ સટોસટનો ખેલ
‘મા તે મા બીજા બધા વગડાના વા’ જેવી માતૃવંદનાની કહેવતો અમસ્તી નથી પડી. યુકેમાં બનેલી તાજેતરની ઘટના સંતાન માટે કોઈ પણ હદે જવા તત્પર માતાના અસીમ પ્રેમનું જ્વલંત ઉદાહરણ છે. બન્યું એવું કે લુ ઓસ્ટિન નામની મહિલા પોતાના બે વર્ષના દીકરાને લઈને પાણીના વહેણ પરના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જોરદાર પવન ફૂંકાવાને કારણે દીકરાના હાથમાં રહેલું રમકડું નીચે નદીના પાણીમાં પડી ગયું.
પાણીમાં રમકડાને વહેતું જોઈ ૨૭ વર્ષની માતાએ દીકરાને પિતાના હાથમાં સોંપ્યો, પોતાની એન્ગેજમેન્ટ રિંગ રાહદારીને સોંપી અને મોબાઈલ ફોન એક બાજુ મૂકી ઊંડા પાણીમાં કૂદકો માર્યો અને ૨૦૦ ફૂટનું અંતર કાપી દીકરાનું રમકડું બચાવી લીધું.
આવું જીવનું જોખમ કેમ લીધું એવો સવાલ કરવામાં આવતાં શ્રીમતી ઓસ્ટિને જણાવ્યું કે ‘છૂટકો જ નહોતો, કારણ કે મારો દીકરો રાત્રે એ રમકડા વિના સૂઈ નથી શકતો.’ એટલે આ માતૃપ્રેમ હતો કે રાત્રે હવે દીકરાને ઉંઘાડવો કેમ એની તીવ્ર ચિંતાનું પરિણામ હતું એ તમે જાતે નક્કી કરી લો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.