બાય ધ વે, તમે જુદા જુદા ટેક્સ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ કાયરતાના ટેક્સ વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. મધ્યકાલીન સમયમાં, આ કર ચૂકવીને, બદનામ લોકો યુદ્ધમાં જવામાંથી છટકી જતા હતા. જોકે, વીરતાથી સામી છાતીએ લડવાને બદલે છટકવૃતિ દાખવવાને કારણે તેમની બદનામી પણ ઘણી થતી હતી. આ કર કાયરતાનો ટેક્સ કહેવાતો હતો. કાયર વ્યક્તિ એવા ડરથી બચી જતો હતો કે તેને લડાઈમાં ઈજા થઈ શકે છે. આ કર રાજા હેનરી I (1100-1135) થી સ્ટીફન (1135-1154) ના શાસન દરમિયાન ચાલુ રહ્યો હતો.
મધ્યકાલીન સમયમાં દેશો વચ્ચે યુદ્ધ સામાન્ય વાત હતી. કોઈપણ દેશ બીજા દેશ પર હુમલો કરીને તેના પર કબજો જમાવતો હતો. એ જમાનામાં દરેક યુવાનોએ સેનામાં જોડાવું જરૂરી હતું. પરંતુ શ્રીમંત યુવાનોએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો હતો.
કાયરતાના આ ટેક્સને સ્કૂટેજ અથવા શિલ્ડ મની પણ કહેવામાં આવતું હતું. રસપ્રદ વાત એ છે કે આ ટેક્સ માત્ર યુદ્ધના દિવસોમાં જ નહીં, પણ સામાન્ય દિવસોમાંય ભરવો પડતો હતો, જેમાં યુવાન અમીરોને બદલે અન્ય કોઈને સેનામાં ભરતી કરી તાલીમ આપવામાં આવતી હતી.
તે સમય દરમિયાન આ ટેક્સનો જબરદસ્ત ટ્રેન્ડ હતો. બ્રિટન પછી 12મી અને 13મી સદીમાં અન્ય દેશોએ પણ આ પ્રથા અપનાવી હતી. આ કર ફ્રાન્સ અને જર્મનીમાં પણ અપનાવવામાં આવ્યો હતો. આ ટેક્સનો ઉપયોગ આવક વધારવા માટે થતો હતો. જોકે, 14મી સદીમાં આ ટેક્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.