હાય ગરમી: મુંબઈમાં બપોરે કાળઝાળ ગરમીથી બચવા યુવતીએ આખું શરીર ઢાંકી લીધું હતું.
(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા હાલ વહેલી સવારના ઠંડી અને દિવસ દરમિયાન ચટકા મારનારી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. મુંબઈગરા ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટ પર પહોંચી ગયો હતો. જળગાંવમાં લઘુતમ તાપમાન આઠ ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈમાં હાલ ડબલ મોસમનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારના તાપમાનનો પારો નીચો ઊતરી જાય છે. તો દિવસ દરમિયાન તાપમાનનો પારો એકદમ ઊંચો નોંધાય છે અને મે મહિના જેવી કાળઝાળ ગરમી પડી રહી છે. મુંબઈમાં બુધવારે સાંતાક્રુઝમાં સવારના લઘુતમ તાપમાનનો પારો ૧૮.૪ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૬ ટકા નોંધાયું હતું. જ્યારે કોલાબામાં લઘુતમ તાપમાનનો પારો ૨૦.૬ ડિગ્રી અને ભેજનું પ્રમાણ ૬૭ ટકા નોંધાયું હતું. તો દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૪.૦ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈમાં વિચિત્ર તાપમાન છે, એમ રાજ્યમાં પણ હાલ ઠંડી-ગરમી જેવી બેવડી સિઝન જણાઈ રહી છે. મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડું રહ્યું હતું. અહીં લઘુતમ તાપમાનનો પારો આઠ ડિગ્રી નોંધાયો હતો. જ્યારે પુણેમાં ૮.૪ ડિગ્રી, નાશિકમાં ૯.૬ ડિગ્રી, ઔરંગાબાદમાં ૯.૪ ડિગ્રી અને વિદર્ભના અમરાવતીમાં ૧૦.૫ ડિગ્રી, યવતમાળમાં ૧૦.૫ ડિગ્રી અને ગઢચિરોલીમાં ૧૦.૬ ડિગ્રી નોંધાયો હતો.