15 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, 9 વર્ષથી માતા-પિતાને નથી મળ્યો, વર્ષોની મહેનત અને સંઘર્ષ બાદ આ ખેલાડીએ મધ્યપ્રદેશની ટીમને બનાવી ચેમ્પિયન

સ્પોર્ટસ

રણજી ટ્રોફીની ફાઇનલમાં 41 વખત વિજેતા રહેલી ટીમ મુંબઈને હરાવીને મધ્યપ્રદેશની ક્રિકેટ ટીમે પ્રથમ વખત ખિતાબ જીતી ઇતિહાસ રચી દીધો છે. આ ઐતિહાસિક જીતમાં ઘણા લોકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ટીમના કોચ ચંદ્રકાંત પંડિતની આ જીત બદલ સૌથી વધુ પ્રશંસા થઇ રહી છે. પરંતુ આ ટીમમાં એક ખેલાડી એવો છે જેણે ટીમને જીત અપાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. કુમાર કાર્તિકેય નામના 24 વર્ષીય લેફ્ટ હેન્ડ સ્પિનરે રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ ટીમ માટે 32 વિકેટ ઝડપી હતી. આ સિઝનમાં તેણે શમ્સ મુલાની બાદ સૌથી વધુ વિકેટ પોતાના નામે નોંધાવી છે. કાર્તિકેયે ત્રણ મેચમાં એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. કુમાર કાર્તિકેયનું જીવન સંઘર્ષ અને ઉતારચડાવોથી ભરેલું છે. વર્ષોની રાત દિવસની મહેનત આખરે રંગ લાવી છે. કાર્તિકેયની કહાની બાળકો અને યુવાનોને પ્રરણારૂપ બની શકે છે.
કુમાર કાર્તિકેયના જણાવ્યા પ્રમાણે તે છેલ્લા 9 વર્ષથી તેના પરિવારના સભ્યોને મળ્યો નથી. કુમાર કાર્તિકેય મૂળ યુપીના સુલતાનપુરનો રહેવાસી છે. કાર્તિકેયના પિતા યુપી પોલીસમાં ફરજ બજાવે છે. કાર્તિકેયે માત્ર 15 વર્ષનો હતો ત્યારે ઘર છોડી દીધું હતું. યુપીની અંડર-16 ટીમમાં પસંદગી ન થવાના કારણે કાર્તિકેય ઘર અને પરિવાર છોડી ભાગી ગયો હતો. કાર્તિકેયે તેના માતા અને પિતાને કહ્યું કે જ્યારે તે કંઈક કરી બતાવશે ત્યારે જ તે પોતાનું મોઢું બતાવશે.
હવે જયારે કાર્તિકેયે રણજી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરીને ટીમને જીત અપાવી છે ત્યારે તેમણે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, કાર્તિકેયે કહ્યું હતું કે, ‘આજે 9 વર્ષ, 2 મહિના અને ત્રણ દિવસ થઈ ગયા, હું મારા માતા-પિતાને મળ્યો નથી. હવે મને 20-25 દિવસનો બ્રેક મળશે પછી જ હું ઘરે જઈશ.’
કાર્તિકેય સિંહના પિતા શ્યામનાથ સિંહે કહ્યું, ‘હું એક પિતા છું, હું મારી લાગણીઓને રોકી શકું છું પરંતુ તેની માતા ખૂબ જ લાગણીશીલ છે. કાર્તિકેય અમને ફોન કરે છે. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ. યુપીની અંડર-16 ટીમમાં પસંદગી ન થતાં કાર્તિકેયે ઘર છોડી દીધું હતું. તેણે વચન આપ્યું હતું કે તે ત્યારે જ ઘરે પરત ફરશે જ્યારે તેનું ક્રિકેટમાં નામ હશે.’
ઘરેથી છોડ્યા બાદ કાર્તિકેય દિલ્હી રહેવા ગયો હતો ત્યાં રોજીરોટી કમાવવા માટે તેણે ટાયરની ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. કાર્તિકેય નાઇટ શિફ્ટ કરતો હતો અને તે 10 રૂપિયા બચાવવા માટે માઇલો સુધી ચાલતો હતો. દિલ્હીમાં કાર્તિકેયના મિત્રએ તેને ગૌતમ ગંભીરના કોચ સંજય ભારદ્વાજ પાસે લઈ ગયો, નેટમાં પહેલો બોલ ફેંકતાની સાથે જ કોચેને આ ખેલાડીની ક્ષમતાનો પરિચય થઇ ગયો હતો.
સંજય ભારદ્વાજની ક્રિકેટ એકેડમી દિલ્હીના અશોક વિહારમાં આવેલી છે અને કાર્તિકેય ગાઝિયાબાદમાં રહેતો હતો. કાર્તિકેય એકેડમીમાં તાલીમ માટે રોજ 32 કિ.મી. મુસાફરી કરતો હતો છે. દિલ્હી ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન છતાં તેને રણજી ટીમમાં સ્થાન ન મળ્યું, ત્યારબાદ સંજય ભારદ્વાજે વર્ષ 2017માં આ ખેલાડીને મધ્યપ્રદેશના શાહડોલ ક્રિકેટ એસોસિએશન સાથે ઓળખાણ કરાવી હતી. કાર્તિકેયે 2018માં ડેબ્યૂ કર્યું હતું અને હવે આ ખેલાડી પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.