Homeએકસ્ટ્રા અફેરમોટી નોટો બંધ કરવાથી બ્લેક મની ના જાય

મોટી નોટો બંધ કરવાથી બ્લેક મની ના જાય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં મોટાભાગના રાજકારણીઓ મોં-માથા વિનાની વાતો કરવા માટે જાણીતા છે ને તેનો તાજો દાખલો બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના રાજ્યસભાના સભ્ય સુશીલ મોદીએ બે હજાર રૂપિયાની નોટો બંધ કરવા કરેલી માગના સમર્થનમાં કરેલી દલીલો છે. સુશીલ કુમાર મોદીએ ૨૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાની માગ કરીને કહ્યું છે કે, બે હજાર રૂપિયા જેવી મોટી રકમની નોટોના કારણે બ્લેક મની રાખવા સરળ છે અને આ પ્રકારની નોટાના કારણે બ્લેક મની હોવાની શક્યતા વધારે છે તેથી ૨૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
મોદીનો દાવો છે કે ૨ હજાર રૂપિયાની નોટનો ઉપયોગ બ્લેક મની, ટેરર ફંડિંગ, ડ્રગ્સની દાણચોરી અને સંગ્રહખોરી માટે કરવામાં આવી રહ્યો છે. ભારતે કાળાનાણાને રોકવું હોય તો ૨૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકી જ દેવો જોઈએ કેમ કે અત્યારે ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાં રાખવાની કોઈ જરૂર નથી.
સુશીલ કુમાર મોદીએ દુનિયાના વિકસિત દેશોના અર્થતંત્રનો દાખલો પણ આપ્યો છે. તેમના દાવા પ્રમાણે, આપણે અમેરિકા, ચીન, જર્મની, જાપાન જેવાં મોટાં વિકસિત અર્થતંત્રને જોઈએ તો ખબર પડશે કે તેમની પાસે તેમના ચલણની ૧૦૦થી વધુના મૂલ્યની કોઈ નોટ જ ચલણમાં નથી. કેન્દ્ર સરકારે આ અંગે વિચાર કરવો જોઈએ અને ધીમે-ધીમે બે હજાર રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી કરીને લોકો ૨૦૦૦ રૂપિયાની નોટો બદલાવી શકે.
સુશીલ કુમાર મોદી બિહારમાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, નાણાં મંત્રાલય પણ તેમની પાસે હતું ને તેમની ગણના અભ્યાસુ રાજકારણી તરીકે થાય છે પણ તેમણે જે વાત કરી એ ગધેડાને તાવ આવે એવી છે. સુશીલ કુમાર મોદી બે હજાર રૂપિયાની નોટ બંધ કરવા માટે જે કારણ આપે છે એ જ મૂળભૂતરીતે ખોટું છે. બ્લેક મનીને મોટી રકમની નોટો સાથે કંઈ લેવાદેવા જ નથી.
જે લોકો બ્લેકમાં વ્યવહાર કરે છે એ લોકો બે હજારની નોટ બંધ થઈ જશે તો પાંચસો રૂપિયાની નોટોમાં વ્યવહાર કરશે ને પાંચસો રૂપિયાની નોટ બંધ થઈ જશે તો બસો રૂપિયાની નોટમાં વ્યવહાર કરશે. બ્લેક મની રાખનારને પણ આ વાત લાગુ પડે છે. બે હજાર રૂપિયાની નોટ બંધ થશે તો એ પાંચસો કે બસો રૂપિયાની નોટોમાં નાણાં સાચવશે પણ બ્લેક મની તો રાખશે જ. બે હજાર રૂપિયાની નોટ નહોતી ત્યારે બ્લેક મની નહોતા? બે હજાર રૂપિયાની નોટ નહોતી ત્યારે લોકો બ્લેકમાં વ્યવહાર નહોતા કરતા? કરતા જ હતા ને બે હજારની નોટ નહીં હોય તો પણ કરતા રહેશે. જે દેશોમાં નાની રકમની ચલણી નોટો છે ત્યાં પણ બ્લેક મની તો છે જ એ પણ ભૂલવા જેવું નથી.
સુશીલ મોદીએ મોટાં અર્થતંત્રોની જે વાત કરી છે એ પણ વાહિયાત છે. અમેરિકા, ચીન, જર્મની, જાપાન જેવાં મોટાં વિકસિત અર્થતંત્રમાં તેમના ચલણની ૧૦૦થી વધુના મૂલ્યની નોટ ચલણમાં નથી તેનું કારણ એ છે કે, તેમનું ચલણ મજબૂત છે. અમેરિકામાં આજેય પાંચસો ડોલરમાં ચાર-માણસનો પરિવાર આખું અઠવાડિયું કાઢી શકે. સો ડોલરની નોટ લઈને મોલમાં કે સુપર માર્કેટમાં જાઓ તો ઢગલાબંધ ચીજો લઈને આવી શકો. ભારતમાં સો રૂપિયાની નોટમાં શું આવે? દૂધની ચાર થેલી પણ ના આવે.
સુશીલ મોદીએ મોટાં અર્થતંત્રોની વાત કરે છે પણ તેમના ચલણની ખરીદશક્તિની વાત કરતા નથી. એ દેશોનાં ચલણની ખરીદશક્તિ જબરદસ્ત છે તેથી મોટી રકમના ચલણની જરૂર નથી. આપણા ચલણની ખરીદશક્તિ કંઈ નથી તેથી મોટી રકમની નોટો જોઈએ. અમેરિકાનો એક ડોલર લેવો હોય તો આપણે ૮૦ રૂપિયા ખર્ચવા પડે કે પાઉન્ડ માટે ૧૦૦ રૂપિયા ખર્ચવા પડે તેનો અર્થ એ કે, એ દેશોના ચલણની ખરીદશક્તિ આપણા રૂપિયા કરતાં ૮૦ કે સો ગણી વધારે છે. આ સ્થિતિ હોય ત્યાં રૂપિયા સાથે બીજા ચલણની સરખામણી કરવા જાઓ એ જ મૂર્ખામી ગણાય.
બીજું એ કે, બે-બે હજાર રૂપિયાની ચલણી નોટો સાથે રાખવી પણ સરળ પડે છે. સુપર સ્ટોરમાં કરિયાણું લેવા જાઓ ત્યારે બે-બે હજારની પાંચ નોટો લઈને જાઓ તો સરળ પડે. સો-સો રૂપિયાની નોટોની સો નોટોની થોકડી લઈને જાઓ તો એ લઈ જવી પણ અઘરી પડે. એ નોટો ગણવામાં પણ સમય જાય એ જોતાં ભારતમાં મોટી નોટો વિના છૂટકો નથી.
મોદી સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના દિવસે નોટબંધી કરીને ૫૦૦ રૂપિયાની જૂની ચલણી નોટોના બદલે નવી નોટો દાખલ કરેલી જ્યારે ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો પર તો પ્રતિબંધ જ મૂકી દીધેલો. એ પછી ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ ચલણમાં આવી. આ વાત છ વર્ષ પહેલાંની છે. એ વખતે બે હજાર રૂપિયાની નોટ મોટી લાગતી હતી પણ છ વર્ષમાં મોંઘવારી બેફામ વધી તેમાં બે હજાર રૂપિયાની નોટની કિંમત અને ખરીદશક્તિ જૂની હજાર રૂપિયાની નોટ જેટલી પણ રહી નથી.
મોદીની વાતો એ રીતે ગળે ઉતરે એવી નથી. જો કે એક વાત માટે મોદીની પ્રસંશા કરવી જોઈએ. આપણે ત્યાં સત્તા પક્ષના રાજકારણીઓ તો સરકારની ભાટાઈ કરવા સિવાય બીજું કંઈ જ કરતા નથી. તેમનો પોતાનો કોઈ વાતમાં અભિપ્રાય કે મત હોતો જ નથી. મોદી સાહેબે ફલાણું કર્યું ને મોદી સાહેબે ઢીંકણું કર્યું એવી ચાપલૂસીની વાતોમાંથી ઊંચા આવતા નથી ત્યારે સુશીલ કુમાર મોદીએ પોતાનો મત પ્રગટ કર્યો ને એ પણ સરકાર વિરોધી ગણાય એવો મત પ્રગટ કર્યો એ મોટી વાત છે.
કેન્દ્ર સરકારે નોટબંધી કરીને બે હજાર રૂપિયાની નોટો દાખલ કરેલી ત્યારે કાળાનાણાં નાબૂદ થઈ જશે એવી ડંફાશ મારેલી. છ વરસમાં કાળાનાણાં તો ગયાં નથી પણ બીજી તકલીફો વધી છે. તેના કારણ નોટબંધીનો નિર્ણય તુક્કો જ સાબિત થયો છે. ભાજપના બીજા નેતાઓમાં તો આ વાત કરવાની હિંમત નથી પણ સુશીલ મોદીએ પોતાની જ કેન્દ્ર સરકારને આ નિર્ણયના વ્યાજબીપણા અંગે સવાલ કર્યો એ મોટી વાત છે. બે હજાર રૂપિયાની નોટથી બ્લેક મની અને અને સંગ્રહખોરીને પ્રોત્સાહન મળી રહ્યું છે એ મોટી વાત છે. આ સાચી વાત કહેવા બદલ મોદીની પ્રસંશા થવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular