બોરીવલીમાં સૌરાષ્ટ્ર મેલને અટકાવી, એન્જિન પર ચઢેલા કાર્યકરને પોલીસે ચખાડ્યો મેથીપાક

આમચી મુંબઈ

મુંબઈ અને નાગપુરમાં કૉંગ્રેસના કાર્યકરોનું પ્રદર્શન

રેલરોકો…:નેશનલ હેરાલ્ડ સમાચારપત્રમાં મની લોન્ડરિંગ સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કૉંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની પૂછપરછ કરવાના સંદર્ભે બુધવારે મુંબઈમાં બોરીવલી સ્ટેશન ખાતે કૉંગ્રેસના કાર્યકરોએ સૌરાષ્ટ્ર મેલને રોકવામાં આવ્યા પછી પોલીસ પ્રશાસને કાર્યકરોને બળપ્રયોગ કરી ટ્રેક પરથી હટાવવાની ફરજ પડી હતી.(જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નેશનલ હેરાલ્ડ પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીની પૂૂછપરછ કરવાની વિરોધમાં મુંબઈ સહિત નાગપુરમાં કૉંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મુંબઈમાંં બોરીવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર છ ખાતે કૉંગ્રેસના સેંકડો કાર્યકર્તાઓ ધસી ગયા હતા. બોરીવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ છ નંબર ખાતે દસેક જેટલા કાર્યકર્તા ધસી જઈને બુધવારે સવારના ૧૦.૧૫ વાગ્યાના સુમારે સૌરાષ્ટ્ર મેલ (ટ્રેન નંબર ૧૯૦૧૫)ને અટકાવી હતી. રેલવે પોલીસ (આરપીએફ અને જીઆરપી)ના જવાનો દ્વારા કાર્યકરોનો પીછો કરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમુક લોકો સીધા ટ્રેક પર ધસી ગયા હતા.
અમુક કાર્યકરો સૌરાષ્ટ્ર મેલ ટ્રેનના એન્જિન પર બેનર લઈને ચઢી ગયા હતા, જેમાંથી એક કાર્યકરને પોલીસના જવાને ઉતારવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ એન્જિન પરથી નહીં ઊતરતા તેના પર દંડો મારીને ઉતારવામાં આવ્યો હતો. રેલવે ટ્રેકની સાથે સ્ટેશનના પરિસરમાંથી કાર્યકરોને તાત્કાલિક હાંકી કાઢવામાં આવ્યા હતા, જ્યારે અમુક લોકોની અટક પણ કરવામાં આવી હતી, એમ આરપીએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ મુદ્દે પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે બોરીવલી રેલવે સ્ટેશન પર કૉંગ્રેસના કાર્યકરોનું પાંચેક મિનિટ રેલરોકો કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ પોલીસ પ્રશાસનની મદદથી સ્ટેશનના પરિસરમાંથી કાર્યકરોને દૂર કરવામાં આવ્યા હતા. અમુક લોકોને ટિંગાટોળી કરીને ટ્રેક પરથી ખસેડવાની ફરજ પડી હતી. જોકે, બોરીવલી સ્ટેશનમાં પાંચેક જણની અટક કરવામાં આવ્યા પછી બપોરના ૧૨ વાગ્યાના સુમારે છોડી મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેને કારણે લોકલની ટ્રેનસેવા પર કોઈ અસર પડી નહોતી, એવું તેમણે જણાવ્યું હતું.
દરમિયાન નાગુપરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ઓફિસની બાજુમાં કૉંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નાગપુરમાં સેમિનારી હિલ્સ સ્થિત ઈડીની ઑફિસની બાજુમાં બેસીને કૉંગ્રેસના નેતાની સાથે અનેક કાર્યકરોએ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો હતો અને મહાત્મા ગાંધીજી દ્વારા ગવાતા જાણીતા ભજન ‘રઘુપતિ રાઘવ રાજારામ’ ગાઈને આગવી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.