ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઇ: રોકાણકારો માટે સમીક્ષા હેઠળનું સપ્તાહ નુકસાનકારક રહ્યું અને સંપત્તિમાં રૂ. ૨.૨૧ લાખ કરોડનું ધોવાણ નોંધાયું. બજારના સમીક્ષાકો કહે છે કે માર્કેટ એવરબોટ પોઝિશન હોવાથી કરેકશન આગળ વધ્યું છે. સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહના અંતે સેન્સેક્સમાં ૮૪૩.૮૬ પોઈન્ટ ઘટાડા સાથે રોકાણકારોની મૂડી ૨.૨૧ લાખ કરોડ ઘટી છે. નિફ્ટી પણ ૧૮૪૦૦ પોઇન્ટનું અતિ મહત્વનું સપોર્ટ લેવલ તોડી ૧૮૨૬૯ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. હવે નિફ્ટી ૧૮,૪૫૦ની સપાટી વટાવે તો જ તેજીના આશા રાખી શકાય એમ વિશ્ર્લેષકો કહે છે. નિફ્ટી માટે ૧૮૪૫૦-૧૮૬૦૦ રેઝિસ્ટન્સ લેવલ રહેશે.
અમેરિકાની ફેડરલ રિઝર્વના વજ વધારાની આશંકા વચ્ચે સપ્તાહની શરૂઆતથી જ સેન્ટિમેન્ટ નબળું રહ્યું હતું અને તેમાં ‘જીસકા ડર થા વહી બાત હો ગઇ’ના તાલે ફેડરલે વ્યાજદર તો વધાર્યા પરંતુ જેરોમ પોવેલે જાણે વધુ ભય ફેલાવવા માટે આગળ પણ વ્યાજદર વધારવા માટે તલવારની ધાર સતત કાઢતા જ રહેશે એવો સંકેત આપીને તેજીવાળાઓના હોસલા ધ્વસ્ત કરી નાંખ્યા!
આ ઓછું હોય તેમ ફેડરલની સાથે અન્ય દેશોની મધ્યસ્થ બેન્કોએ પણ વ્યાજદર વધારવાની ચેતવણી અને અમેરિકામાં મંદીની અટકળો વચ્ચે સેન્સેક્સ બીજા દિવસની પીછેહઠમાં વધારો કરાવ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૧૮,૩૦૦ની અંદર ધૂસી ગયો. અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વની પાછળ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં અડધો ટકો વધારો કરવા સાથે હોકિશ ટોન જાળવી રાખ્યો હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટીનું માનસ ખરાબ થયું હતું. એ નોંધવું રહ્યું કે, ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવા સાથે કહ્યું છે કે, આગામી વર્ષે વ્યાજદર વધીને ૫.૧ ટકા પર પહોંચી શકે છે.
ગત સપ્તાહે રોકાણકારોની ૨.૨૧ લાખ કરોડ મૂડી ધોવાઈ ગઇ છે. જોકે, બજારના અભ્યાસુઓનું કહેવું છે કે, વૈશ્ર્વિક અહેવાલો અને પડકારોની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે અને તે ઉપરાંત માર્કેટ ઓવરબોટ થતાં હાલનો ઘટાડો કરેક્શન તરીકે જોઈ શકાય. અગ્રણી ચાર્ટીસ્ટે જણાવ્યું હતું કે, ભારતીય શેરબજારો ડિસેમ્બરની શરૂઆતમાં જ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ પાછલા બે સપ્તાહથી સાપ્તાહિક ધોરણે ૬૦૦થી ૯૦૦ પોઈન્ટનું કરેક્શન નોંધાવી ચૂક્યા છે.
બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૧૮,૩૫૦ના મહત્વના સ્વિંગ લોની નીચે સરક્યો હતો. જે આ સપ્તાહે પણ માહોલ કરેક્શનનો રહેવાનો સંકેત આપે છે. આ સત્રોમાં માત્ર ફોલો થ્રુ સેલિંગના પગલે નિફ્ટી ૧૮૧૩૦ – ૧૮૦૦૦ – ૧૭૯૦૦ પોઇન્ટ તરફ ઘટી શકે છે.
બજાર ઓવરબોટ થયું હોવાથી શેરબજારોની વર્તમાન ચાલ કરેક્શન તરીકે ધ્યાનમાં લઈ શકાય. નિફ્ટી માટે ૧૮૪૫૦-૧૮૬૦૦ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. એક અન્ય ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર તેજી માટે ૧૮,૪૫૦ની સપાટી ક્રોસ કરવી આવશ્યક છે.
ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ ફરી પાછો લાવવો અને તેજીવાળાને મજબૂત બનાવવા માટે નિફ્ટીએ ૧૮૪૫૦ની મહત્વની સપાટી ક્રોસ કરવી જરૂરી છે. રોજિંદા સમયમર્યાદાના ચાર્ટ પર હેડ એન્ડ શોલ્ડર પેટર્નને આ લેવલ નકારી શકે છે. જોકે, રોકાણકારો, ટ્રેડર્સે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા સલાહ છે.
આ સપ્તાહના પ્રારંભના સત્ર ભારતીય શેરબજારો માટે ખૂબ જ નિર્ણાયક રહેશે. વૈશ્ર્વિક ઇક્વિટી બજાર કેવી રીતે વર્તે છે, તેમજ વશ્ર્વિક મોરચે કોઈ મોટી ઘટના સર્જાય છે કે નહીં તેના આધારે ભારતીય શેરબજારો ચાલ નક્કી કરશે. બેન્કિંગ સેક્ટરમાં પીએસયુ શેર્સમાં છેલ્લા કેટલાક સપ્તાહની તેજી બાદ આ સપ્તાહે કરેક્શન જોવા મળ્યું છે. સપ્તાહના અંતે બેન્કિંગ સ્ટોક્સ ૧થી ૬ ટકા સુધી ઘટ્યા છે. જો કે, મોટાભાગના નિષ્ણાતો નવા વર્ષમાં બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં તેજીનો આશાવાદ દર્શાવી રહ્યા છે, મેટલ્સ અને એફએમસીજી શેરોમાં વોચ રાખી શકાય. જ્યારે આઈટી અને ફાર્મા સેગમેન્ટમાં રોકાણ માટે રાહ જોવા સલાહ છે.
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર રાઘવનની ઈન્ડીજીન લિ. રૂ. ૩૨૦૦ કરોડનો આઈપીઓ લાવશે, સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કર્યુ છે. કિલિચ ડ્રગ્સ ઈન્ડિયાનો શેર ૧૫૯.૫૫ની પાછલી સપાટીએ ખૂલીને રૂ. ૧૬૬.૯૦ સુધી ઊંચે અને ૧૫૭.૫૫ સુધી નીચે જઇને અંતે ૧૫૯.૨૫ પર સ્થિર થયો હતો કંપનીએ તાજેતરમાં જ ૧૦૦ કરોડની નવી સુવિધા સાથે વિસ્તરણ યોજનાની શરૂઆત તરીકે મહારાષ્ટ્રના પેણ, ખોપોલી હાઈવે પર ખાતે ૧૫ એકર જમીન ખરીદી છે. ફેડરલ બેન્કે ૧૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ઈસોસ ૨૦૧૦ અને ઈસોસ ૨૦૧૭ હેઠળ સ્ટોક ઓપ્શનના ઉપયોગ પર બે રૂપિયાની કિંમતના ૮૦૦ અને ૩,૨૬,૮૬૨ ઈક્વિટી શેર્સની ફાળવણી કરી છે.
નોનબેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાંની એક, એલએન્ડટી ફાયનાન્સિયલ સર્વિસિસે સારા પત્રકારત્વની ભાવનાની ઉજવણી કરવા માટે રેડઇન્ક એવોર્ડ્સ ૨૦૨૨ માટે મુંબઈ પ્રેસ ક્લબ સાથે ભાગીદારી કરી છે જેમાં ગુણવત્તાયુક્ત લેખન, ન્યાયી રજૂઆત અને ઉચ્ચ નૈતિક ધોરણોનો સમાવેશ થાય છે. આ ભાગીદારી સાથે, એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસે તેમના ચીફ ઇકોનોમિસ્ટ રૂપા રેગે નિતસુરેના હસ્તે બિઝનેસ અને ઇકોનોમી
એવોર્ડ કેટેગરીમાં પત્રકારોને
એવોર્ડ આપ્યા હતા. ઈન્ડો રામા સિન્થેટિક્સ (ઈન્ડિયા)એ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ કંપની ઈન્ડોરામા સસ્ટેનેબલ પોલીમર્સ (ઈન્ડિયા) અને ઈન્ડોરામા સસ્ટેનેબલ પોલીએસ્ટર યાર્ન્સ નામની બે સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપનીની સ્થાપના કરી છે.