(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેની ડોંબિવલી સ્લો લોકલ ટ્રેન પર અજાણ્યા શખસ દ્વારા પથ્થર મારવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરનારા ત્રણેક પ્રવાસી જખમી થયા હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. મધ્ય રેલવેના થાણે સેક્શનમાં સાતમી નવેમ્બરના સોમવારે રાતના પોણોનવ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. રાતના ૮.૫૦ વાગ્યાના સુમારે કલવા અને મુમ્બ્રાની વચ્ચે ડોંબિવલીની ડાઉન સ્લો લોકલ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે અજાણી વ્યક્તિ દ્વારા ટ્રેન પર પથ્થર ફેંકવાને કારણે ત્રણેક જેટલા પ્રવાસીને પથ્થર વાગ્યો હતો. આ બનાવમાં એક ઈજાગ્રસ્ત પ્રવાસીને કલવા સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે કલવાની શિવાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રવાસીએ બનાવની વિગત આપતા કહ્યું હતું કે તે ભાંડુપથી કામકાજથી પરત ફર્યો ત્યારે ડોંબિવલી સ્લો લોકલ પકડી હતી. દરવાજામાં ઊભા રહીને મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ટ્રેન કલવા-મુમ્બ્રાની વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે બહારથી પથ્થર ફેંકવામાં આવ્યો હતો, જે મારા નાક પર વાગ્યો હતો, તેથી લોહી વહેતું થઈ ગયું હતું. પથ્થર વાગવાને કારણે તે જખમી થયો હતો, એમ કલવા રેલવે પોલીસે જણાવ્યું હતું.