(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સબર્બન મુંબઈ રેલવેમાં લોકલ ટ્રેન પર અજાણ્યા શખસ દ્વારા પથ્થર ફેંકવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, જે અંતર્ગત તાજેતરમાં પશ્ર્ચિમ રેલવેમાં બોરીવલી ફાસ્ટ લોકલ ટ્રેન પર અજાણ્યા શખસ દ્વારા પથ્થર ફેંકવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરનારી મહિલાને ઈજા પહોંચી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
રવિવારે સાંજના 7.28 વાગ્યાના સુમારે માહિમ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે બનાવ બન્યો હતો. પ્રતીક્ષા બંસોડે નામની મહિલાએ દાદરથી બોરીવલી ફાસ્ટ લોકલ પકડી ત્યારે ટ્રેનના દરવાજામાં ઊભી રહીને પ્રવાસ કરી રહી હતી ત્યારે તેના માથા પર પથ્થર વાગતા થોડી વાર માટે તેને તમ્મર આવી ગયા હતા, પરંતુ અન્ય પ્રવાસીની મદદથી દરવાજામાંથી અંદર બેસાડવામાં આવી હતી, એમ પ્રવાસીએ જણાવ્યું હતું.
જોકે, મને સામાન્ય વાગ્યું હોવા છતાં પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે પ્રશાસનની બેદરકારીમાં વધારો થઈ રહ્યો છે. રેલવે પોલીસ પ્રશાસન દ્વારા દરેક બનાવની જવાબદારી સ્વીકારતું હોય છે ત્યારે વધતા પથ્થરમારાના બનાવો મુદ્દે શા માટે આંખ આડા કાન કરે છે. હકીકતમાં લોકલ ટ્રેન પર પથ્થર ફેંકવાના વધતા બનાવો મુદ્દે પ્રશાસને ગંભીરતાથી પગલાં ભરવાનું જરૂરી છે, એવું ટ્વીટ પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયા દરમિયાન ડોંબિવલી લોકલ ટ્રેન પર કોઈએ પથ્થર ફેંકયો હતો, જેમાં ત્રણેક પ્રવાસીને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, ગુજરાતમાં પણ વંદે ભારત એક્સપ્રેસ પર પણ આ જ પ્રકારે પથ્થર ફેંકવાનો બનાવ બન્યો હતો.