અનેક પોલીસ ઘાયલ, વાહનો સળગાવાયા, તોફાનીઓને વિખેરવા અશ્રુવાયુ છોડાયો, લાઠીમાર કરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના વડોદરા, મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને પશ્ર્ચિમ બંગાળના હાવડામાં રામનવમી નિમિત્તે થયેલી હિંસામાં અનેક પોલીસ સહિત ઘણાં લોકો ઘાયલ થયા હતા. તોફાનીઓને વિખેરવા માટે પોલીસને અશ્રુવાયુ છોડવાની ફરજ પડી હતી. અનેક વાહનો સળગાવાયા હતા. વડોદરા શહેરમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતાં એકાએક પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસ અધિકારીઓ સહિકનો પોલીસકાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બીજી બાજુ વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ફરીથી શોભાયાત્રા કાઢવાની જીદ કરી હતી. જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતેથી વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ટોળાને પોલીસે વિખેર્યા હતા. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રામ મંદિરની પાસે પાંચસોના ટોળાએ પોલીસ પર હુમલો કરીને અનેક પોલીસને ઘાયલ કર્યા હતા. વડોદરા શહેરમાં રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિદ્ધ રામજી મંદિરો સહિત નાનાં-મોટાં રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી અને પોલીસ-બંદોબસ્ત વચ્ચે વિશ્ર્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. એ દરમિયાન પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં પોલીસકાફલો ઊતરી આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં તોફાનીઓની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.