Homeઆમચી મુંબઈદહિસરમાં બેસ્ટની બસ પર પથ્થરમારો, બે પકડાયા

દહિસરમાં બેસ્ટની બસ પર પથ્થરમારો, બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દહિસર ચેકનાકા પાસે વૅગન આર કાર બેસ્ટની બસ સાથે અથડાયા પછી કારમાં હાજર ત્રણ જણે ભારે હંગામો મચાવ્યો હતો. બસના ડ્રાઈવરની મારપીટ કરી તેના હાથ પર બચકાં ભર્યાં પથી પથ્થરમારો કરી બસના કાચ તોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બસમાં હાજર એક મહિલા પ્રવાસીને પણ ઇજા થતાં પોલીસે બે જણની ધરપકડ કરી હતી.
દહિસર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ સંજીવ ગૌરીશંકર સિંહ (૪૭) અને સમીર દત્તારામ સુર્વે (૪૫) તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને ૧૭ નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીઓના એક સાથીની પોલીસ શોધ ચલાવી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર દિંડોશી બસ ડેપોમાંથી નીકળેલી બસ કાશીગાંવની દિશામાં જઈ રહી હતી ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દહિસર ચેકનાકા પાસે સોમવારની રાતે ૯.૪૫ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ટ્રાફિકજામ વચ્ચે કાર બસ સાથે અથડાઈ હતી, જેને કારણે કારમાં હાજર ત્રણ જણ ઉશ્કેરાયા હતા. બસમાં ઘૂસી આરોપીએ ડ્રાઈવર રમેશ ગણપત પવાર (૫૫)ની મારપીટ કરી તેના હાથ પર બચકાં ભર્યાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ આ ધમાચકડી વચ્ચે ડ્રાઈવરનાં કપડાં પણ ફાટ્યાં હતાં. બાદમાં બસની નીચે ઊતરી આરોપીએ પથ્થરમારો કરી બસના આગળના અને બન્ને બાજુના કાચની તોડફોડ કરી હતી. ડ્રાઈવર પવાર, ક્ધડક્ટર ભારત મુંબરકર આ હુમલામાં ઘવાયા હતા. એક મહિલા પ્રવાસીને પણ હાથમાં ઇજા થઈ હતી. સારવાર માટે તેમને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બે જણને તાબામાં લીધા હતા. સંબંધિત ઘટનાનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

RELATED ARTICLES

Most Popular